- જો દાન કરનાર બદલામાં કામના રાખે તો તેનું દાન ક્યારેય સફળ થતું નથી
એક નગરમાં ધનવાન શેઠ રહેતા હતા. નગરના લોકો તેમને ભક્તિભાવવાળા અને મહાન દાનવીર માનતા હતા. શેઠ નગરમાં આવેલા એક મંદિરમાં દરરોજ પૂજન કરવા જતા અને બહાર નીકળીને ગરીબોને દાન કરતા. એક દિવસ શેઠ હંમેશની જેમ એક કલાકની પૂજા કર્યા પછી મંદિરની બહાર આવ્યા. તેમની ચાલમાં અમીરોવાળો રુઆબ અને ચહેરા પર પોતે મહાન દાનકર્તા હોવાનો ગર્વ જોવા મળી રહ્યો હતો. તેમને જોઈને એવું લાગતું હતું કે સાક્ષાત્ ભગવાન લોકોનાં દુ:ખ દૂર કરવા માટે ધરતી ઉપર ઊતરી આવ્યા હોય. મંદિરની બહાર ભિક્ષુકોની લાંબી લાઈન લાગી હતી. તે બધા જ બહુ આશાભરી નજરે શેઠજી તરફ જોઈ રહ્યા હતા. જોકે આ લાઈનમાં એક વ્યક્તિ એવી ઊભી હતી જે ભિક્ષુક નહોતી લાગતી. તેની આંખોમાં આત્મવિશ્વાસ અને સ્વાભિમાન જોવા મળતાં હતાં.
શેઠની સાથે ઘણાં વર્ષોથી હિસાબકિતાબ રાખતા મુનીમજી પણ હતા. તેમના હાથમાં પચાસની નોટોનું બંડલ હતું. ઘરડા મુનીમે ઊભાઊભા ગણતરી કરી દીધી હતી કે આશરે સો ભિક્ષુકો હશે. તે હિસાબે શેઠ પાંચ હજાર રૂપિયા તો દર અઠવાડિયે વહેંચી જ દે છે, તેથી આટલામાં કામ થઈ જશે. મનમાં જ આવો હિસાબ લગાવીને મુનીમજી બહુ ખુશ થયા. તેઓ હંમેશની જેમ શેઠની પાછળ પાછળ રહેતા અને શેઠજીને એક-એક પચાસ રૂપિયાની નોટ હાથમાં આપતા, જે શેઠ ગરીબ ભિક્ષુકોને આપતા. તેઓ બદલામાં તેમના આશીર્વાદ મેળવીને અભિભૂત થઈ રહ્યા હતા.
ધીરેધીરે શેઠ પેલી અલગ લાગતી વ્યક્તિ પાસે પહોંચ્યા. જ્યારે તેમણે તે વ્યક્તિને પચાસ રૂપિયાની નોટ આપવા હાથ આગળ કર્યો ત્યારે તે વ્યક્તિએ પોતાના હાથ પાછળ કરી દીધા અને કહ્યું, `શેઠજી, માટે ભીખ નથી જોઈતી. મને થોડા પૈસા ઉધાર આપો. માત્ર પાંચ હજાર રૂપિયામાં મારું કામ થઈ જશે. મારા ઉપર આટલો ઉપકાર કરો.’ ઉધારનું નામ સાંભળતાંની સાથે જ શેઠના ચહેરાના ભાવ બદલાઈ ગયા. તેમના ચહેરા પરથી ધર્માત્મા અને દાનવીર હોવાનો ડોળ દૂર થઈ ગયો. હવે તેઓ સંપૂર્ણ શેઠ બની ગયા અને કહ્યું, `તારે પૈસા ઉધાર જોઈએ છે? પાછા કેવી રીતે આપીશ?’
આ સાંભળી પેલી વ્યક્તિએ કહ્યું, `માલિક, મહેનત કરીશ, સાઇકલ લઈશ, ગામડાંમાંથી શાકભાજી લાવીને નગરમાં વેચીશ. તેમાંથી હું પરિવારનું ભરણપોષણ કરીશ અને થોડા જ મહિનાઓમાં તમારા પૈસા પાછા આપી દઈશ.’
શેઠ તેને ધુત્કારતા આગળ વધ્યા, પરંતુ મુનીમજી ત્યાં જ અટકી ગયા. તેમની અનુભવી નજરોએ તે યુવકની આંખોમાં સત્ય જોયું હતું. શેઠની સાથે ગાડીમાં બેસીને બહુ હિંમતથી તેઓ બોલ્યા, `શેઠજી, પેલી વ્યક્તિને પૈસા આપી દેવા હતાને!’ `મુનીમજી, ગાંડા થઈ ગયા છો કે શું? તે પૈસા લઈને ભાગી જાય અને ફરી પાછા ન આપે તો!’ શેઠે કહ્યું.
મુનીમે બહુ ધીરેથી કહ્યું, `શેઠજી, એ વ્યક્તિ એવી લાગતી નહોતી અને જો તે પૈસા ન આપે તો સમજી લેજો કે એક અઠવાડિયું આપણે દાન નથી કર્યું અને એક જ ભિક્ષુકને આપણે પૈસા આપ્યા છે. તેનું ભલું કરીને આપણને પુણ્ય મળતું. બિચારો મહેનત કરવાની જ વાત કરતો હતો. આ મંદિરની બહાર ઊભા રહેતાં ભિક્ષુકો તો વર્ષોથી તમારા જેવા શેઠના પૈસે એશોઆરામ કરે છે, કોઈ કામ કે મહેનત કરતા નથી. તમે તેમને રાત્રે જોયા છે? તેઓ આ જ પૈસાથી રાત્રે નશો કરીને પડ્યા રહે છે.’
મુનીમજીની વાત સાંભળીને શેઠને બહુ ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું, `મુનીમજી, તમે ખરેખર હિસાબકિતાબમાં કાચા છો. આ જ ગરીબોના આશીર્વાદથી જ તો આપણા પુણ્યનો હિસાબ બરાબર થાય છે. જો આપણે આ રીતે કોઈની મદદ કરતા રહીશું તો આ મંદિરની બહાર ભીડ કેવી રીતે થશે? આપણને આશીર્વાદ કોણ આપશે? પાંચ હજાર રૂપિયામાં હજારો આશીર્વાદ અને તે પણ દર અઠવાડિયે મળે છે.’
આ સાંભળી મુનીમજીએ કહ્યું, `શેઠજી, જો દાન કરનાર બદલામાં આશીર્વાદ કે અન્ય કોઈ કામના રાખે તો તેનું દાન ક્યારેય સફળ થતું નથી. તમે તે મહેનત કરનાર વ્યક્તિની મદદ કરી હોત તો તમારું દાન સફળ થતું. અસમર્થને સમર્થ બનાવવું એ જ ખરું દાન અને પુણ્યનું કામ છે.’
શેઠને મુનીમની વાત સારી રીતે સમજાઈ ગઈ. તેમણે તે વ્યક્તિને પાંચ હજાર રૂપિયા ઉધાર આપ્યા અને થોડા જ સમયમાં તે વ્યક્તિએ શેઠને તે પૈસા પાછા પણ આપી દીધા.