- જો તમે તમારી પોતાની ઇચ્છા કરવાની પ્રક્રિયાને જુઓ, તો તમે જોશો કે આ ઇચ્છાને સંતોષવી અશક્ય છે
આધ્યાત્મિક બનવું એ આ પૃથ્વી પર અસ્તિત્વમાં રહેવાની સૌથી બુદ્ધિશાળી રીત છે. જ્યારે તમારી બુદ્ધિમત્તા સામાન્ય સ્તરથી ઉપર ઊઠે ફક્ત ત્યારે જ તમે સાચા અર્થમાં આધ્યાત્મિક બની શકો છો. આધ્યાત્મિક્તા એ કોઈ મૂર્ખ માટે નથી. જે વ્યક્તિ પોતાના જીવનને વધારે બુદ્ધિમત્તા વડે જોવા માટે ખરેખર સક્ષમ હોય ફક્ત તે જ આધ્યાત્મિક બની શકે છે. એટલે જ દુનિયાના દરેક ભાગમાં હંમેશાં આધ્યાત્મિક લોકોની શોધ કરવામાં આવતી હતી, કેમ કે આધ્યાત્મિક લોકોએ સામાન્ય લોકો કરતાં ઘણી વધારે બુદ્ધિમત્તા દર્શાવી હતી. બુદ્ધિમત્તાને ફક્ત એક તાર્કિક પ્રક્રિયા તરીકે ન સમજવી જોઈએ. જો તમે જીવનની તમામ સીમાઓ ઓળંગી જાઓ તો જ તમને સાચા અર્થમાં બુદ્ધિશાળી ગણી શકાય.
તો આધ્યાત્મિક હોવાનો અર્થ શું છે? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે તમારી પોતાની ઇચ્છા કરવાની પ્રક્રિયાને જુઓ, તો તમે જોશો કે આ ઇચ્છાને સંતોષવી અશક્ય છે. તમે તમારી જાતને સમજાવી શકો છો કે જો તમને આટલું મળી જશે તો તમે ખુશ થઈ જશો, પરંતુ આ સત્ય નથી. જો તમારા જીવનમાં તમે ક્યારેય પણ તમારા હાલનાં જીવનધોરણ કરતાં ઘણાં નીચાં જીવનધોરણ સાથે જીવ્યા હોત, તો તમારું વર્તમાન જીવનધોરણ તે સમયે એક સ્વપ્ન સાકાર થવા જેવું હોત, પણ જ્યારે તે સાકાર થઈ ગયું, તો થોડા સમય પછી તેનો કોઈ અર્થ નહોતો. એ બસ આવનારું આગળનું પગલું જ છે જે તમારા માટે બહુ મહત્ત્વ રાખે છે.
જો તમે તમારી ઇચ્છાની પ્રક્રિયા જાગરૂકતા અને બુદ્ધિમત્તાથી કરો, તો તમે સ્વાભાવિક રીતે આધ્યાત્મિક બની જશો, કારણ કે તમારી ઇચ્છા વધુ એક મિલકત કે થોડી વધુ સત્તાથી સંતુષ્ટ થવાની નથી. તે અસીમિત થવા માંગે છે – તેને આખું અસ્તિત્વ જોઈએ છે. જ્યારે તમે આ અસીમિતને અજાગરૂકપણે શોધો છો, ત્યારે આપણે તેને ભૌતિકતાવાદી પ્રક્રિયા કહીએ છીએ. જ્યારે તમે તે જ અસીમિતને જાગરૂકપણે શોધો છો, ત્યારે આપણે તેને આધ્યાત્મિક પ્રક્રિયા કહીએ છીએ.
મહેરબાની કરીને જુઓ કે, તમે જે શોધી રહ્યા છો તે જાગરૂકપણે શોધવું વધુ સારું કે અજાગરૂકપણે? બંધ આંખોને બદલે ખુલ્લી આંખો સાથે જાગરૂકપણે શોધવું હંમેશાં વધારે સારું છે, છેને? તો આમેય તમારી ઇચ્છા અસીમ તરફ આગળ વધી રહી છે, તેને જાગરૂકપણે શોધો, કારણ કે જો તમે સંપત્તિના ટુકડા ઉમેરીને અજાગરૂકપણે અસીમ સુધી પહોંચવાનો પ્રયાસ કરશો, તો તમે હતાશ થવાના જ છો. જો તમે તેને જાગરૂકપણે શોધો છો, તો તે તમારી બુદ્ધિમત્તા દર્શાવે છે.
જો આ શોધ જાગરૂકપણે ન થાય અને જો તમે તમારી પોતાની પ્રકૃતિની અસીમતાનો અનુભવ ન કરો, તો તમે આ પૃથ્વી પર કેટલી વસ્તુઓ ભેગી કરો છો કે કેટલા લોકો તમારી સાથે છે કે તમે કેવી મહાન સિદ્ધિઓ હાંસલ કરો છો તેનાથી કોઈ ફરક નહીં પડે, તમારું જીવન ક્યારેય પરિપૂર્ણ નહીં થાય, પરંતુ જો તમે આ એક વસ્તુ પામી લેશો, તો તમે જોશો કે, તમારું જીવન ફળીભૂત થઈ ગયું છે.