- આ વર્ષે યોજાશે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી
- નિક્કી હેલી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉમેદવારીને લઈને ટક્કર
- ટ્રમ્પનો વધુ એક કાર્યકાળ દેશમાં અરાજકતા ફેલાવશે: નિક્કી
અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણીઓ થવાની છે. તેને લઈને તમામ ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આરોપ-પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે. રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર નિક્કી હેલીએ પોતાના પ્રતિદ્વંદ્વી ડોનાલ્ડ ટ્રમ્પ પર એકવાર ફરી નિશાન સાધ્યું છે. તેમણે ટ્રમ્પના ચાહકોને કહ્યું કે તેમના પૂર્વ બોસનો એટલે કે ટ્રમ્પનો વધુ એક કાર્યકાળ દેશને આગામી ચાર વર્ષ માટે અરાજકતામાં ધકેલી દેશે. હેલીએ ગુરુવારે વર્જિનિયાના રિચમંડ અને ફોલ્સ ચર્ચમાં આયોજિત એક રાજકીય રેલીને સંબોધિત કરી હતી.
1215 ડેલિગેટની જરૂર
જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માટે ટ્રમ્પ અને હેલીને ઓછામાં ઓછા 1215 ડેલિગેટની જરૂર છે. પાંચ રાજ્યો આયોવા, ન્યૂ હેમ્પશાયર, નેવાડા, દક્ષિણ કેરોલિના અને મિશિગનમાં પ્રાયમરી ચૂંટણી બાદ ટ્રમ્પ પાસે 122 ડેલિગેટ છે જ્યારે હેલી પાસે માત્ર 24 ડેલિગેટ છે. તો, સર્વેક્ષણો પર દેખરેખ રાખતી સંસ્થા રિયલ ક્લિયર પોલિટીક્સ અનુસાર રિચમંડ અને ફોલ્સ ચર્ચમાં તેમની બંને રેલીઓમાં પ્રદર્શનકર્તાઓએ ભાગ લીધો અને કેટલાય લોકોએ કહ્યું કે તેઓ 77 વર્ષીય ટ્રમ્પના સમર્થક છે.
“પોતાના સિવાય કોઇની ચિંતા નાથી”
રેલી દરમિયાન હેલીએ ટ્રમ્પ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પોતાના સિવાય અન્ય કોઇની ચિંતા નથી કરતાં. ન તો તેમને દેશની ચિંતા છે અને ન તો અહીંયા લોકોની. પૂર્વ રાષ્ટ્રપતિના સમર્થનમાં ઉઠી રહેલા સૂત્રોચ્ચારના જવાબમાં તેમણે કહ્યું કે ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવાનો અર્થ છે કે અમેરિકા આગામી ચાર વર્ષ માટે અરાજકતાના માહોલમાં રહેશે.
હું મારા અને તમારા બાળકો માટે……….
નિક્કી હેલીએ વધુમાં જણાવ્યું કે, ‘દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે હું અહી ચૂંટણી કેમ લડી રહી છું. તો મારો જવાબ એ છે કે હું મારા અને તમારા બાળકો માટે ચૂંટણી લડી રહી છું.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ટ્રમ્પ અને હાલના રાષ્ટ્રપતિ જો બાઈડનના શાસને દેશની અર્થવ્યવસ્થાને ખરાબ કરી દીધી છે. તેમણે કહ્યું કે વ્હાઇટ હાઉસમાં એક એકાઉન્ટન્ટ મૂકવાનો સમય આવી ગયો છે. જેના પર હાજર લોકોએ તાળીઓથી તેમને વધાવી લીધા.


