અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની દોસ્તીમાં પડેલી દરાર હજુ ઘણા રંગ બતાવવાની છે
ટ્રમ્પ અને મસ્ક એક-બીજા સામે જે શબ્દો વાપરે છે એ બેમાંથી કોઇને શોભે એવા નથી. હું ન હોત તો ટ્રમ્પ જીત્યા ન હોત એવી વાત એલન મસ્કે કરી. ટ્રમ્પથી આ વાત સહન ન થાય એ સ્વાભાવિક છે. ગમે તે કારણે જીત્યા હોય પણ ટ્રમ્પ હવે પ્રેસિડેન્ટ છે. ટ્રમ્પ સાથેની દુશ્મની એલન મસ્કને ભારે પડવાની છે |
દોસ્ત જ્યારે સામે પડે છે ત્યારે એ દુશ્મનને પણ સારો કહેવડાવે છે. એનું કારણ એ છે કે, દોસ્ત આપણા તમામ ભેદ જાણતો હોય છે. આપણી આદતોથી માંડીને આપણી દાનતથી એ સારી રીતે વાકેફ હોય છે. ખભે ખભા મિલાવીને ચાલનારો જ્યારે કાંઠલો પકડે ત્યારે દુનિયાને જોણું થતું હોય છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના મિત્ર એલન મસ્ક વચ્ચે બરાબરની જામી છે. આમ તો જાણકારો પહેલેથી કહેતા હતા કે, આ બંનેનું લાંબુ ચાલવાનું નથી. બંનેના ઇગો એવડા મોટા છે કે ટકરાયા વગર રહેવાના જ નહોતા. બંને એ સ્થાને રહ્યા છે જ્યાં તેમનો પડ્યો બોલ ઝીલાય છે. કોઇને જવાબ આપવાનું બંનેને ફાવ્યું જ નથી.
પોતાને ગમે એવા નિર્ણયો કરવા માટે બંને જાણીતા છે. આવા સંજોગોમાં ટકરાવ થવાનો જ હતો. અમેરિકા સહિત આખી દુનિયામાં અત્યારે સૌથી મોટી ચર્ચા એ જ છે કે, હવે આ બંને વચ્ચેનો વિવાદ ક્યાં સુધી પહોંચશે? ડોનાલ્ડ ટ્રમ્પનું તો ખાસ કંઇ બગડી જવાનું નથી, એલન મસ્કને તેના કારણે કેટલો ફટકો પડશે? એલન મસ્કની કંપનીના શેર ડાઉન ગયા છે. ટ્રમ્પે કહ્યું કે, હું મસ્કથી બહુ નિરાશ છું. મેં તેને ઘણી મદદ કરી છે. એલન અને મારા વચ્ચે સારા સંબંધો રહ્યા છે. મને ખબર નથી કે, ભવિષ્યમાં એવા સંબંધો રહેશે કે કેમ? ટ્રમ્પની આ વાત પછી એવી ચર્ચા થઇ રહી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ એલન મસ્કને બતાવી દેવાના જ છે કે, મારી સામે પડવાનું પરિણામ કેવું આવે છે!
મસ્કે સૌથી વધુ ડોનેશન ટ્રમ્પની પાર્ટીને આપ્યું હતું
અમેરિકાની ચૂંટણી વખતે એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લું સમર્થન આપ્યું હતું. તેમણે એ પણ નહોતું વિચાર્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ હારી જશે તો મને પ્રોબ્લેમ થશે. એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એ માટે રિપબ્લિકન પાર્ટીને સૌથી વધુ એટલે કે, 25 કરોડ ડોલરનું ડોનેશન આપ્યું હતું. એ પછી બંનેની દોસ્તી ગાઢ બની હતી. ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા એ પછી તેમણે એલન મસ્કને ડીઓજીઇ એટલે કે ડિપોર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના વડાની જવાબદારી સોંપી હતી. તેનું કામ અમેરિકન સરકારના ખોટા ખર્ચા ઘટાડવાનું હતું. મસ્કનું આ કામ પણ વિવાદોમાં રહ્યું છે. એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના બજેટ બિલ સામે નારાજગી વ્યક્ત કરી ત્યારથી બંને વચ્ચે પ્રોબ્લેમ શરૂ થયા હતા. મસ્કે બજેટ બિલ વિશે કહ્યું હતું કે, આ બિલથી નુકશાન જશે. આ બિલ ખર્ચ ઘટાડવાના ઉદ્દેશને નબળો પાડે છે. એલન મસ્કે ત્યાં સુધીની વાત કરી દીધી કે, મને બિલ મુદ્દે વિશ્વાસમાં લેવાયો નહોતો.
ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ સાથે પણ એલન મસ્કને વિવાદો થતા રહ્યા છે. અમેરિકાના વિદેશ પ્રધાન હોય કે સંરક્ષણ પ્રધાન, મસ્ક કોઇને કંઇ સમજતા જ નહોતા. અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રૂબિયો વિશે તેમણે ત્યાં સુધીની વાતો કરી હતી કે, તેઓ ટેલિવિઝન પર જ સારા લાગે છે. વાત એવી હતી કે, ખર્ચ ઘટાડવા માટે એલન મસ્કે વિદેશ વિભાગમાં કર્મચારીઓ ઓછા કરવાનો પ્રયાસ કર્યો હતો. માર્કો રૂબિયોએ એ થવા દીધું નહોતું. માત્ર માર્કો રૂબિયોની જ વાત નથી, દરેક પ્રધાન એવું ઇચ્છતા હતા કે, એલન મસ્ક અમારા વિભાગમાં ચંચૂપાત કરવાનું બંધ કરે. એલન મસ્કે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓની છૂટા કરવાની જાહેરાત કરી એ પછી અમેરિકામાં દેખાવો થયા હતા. ધીમે ધીમે એલન મસ્ક પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે માથાનો દુખાવો બનવા લાગ્યા હતા.
એલન મસ્ક દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ પૈકીના એક છે, તેના સપના બહુ ઊંચા છે. એલન મસ્કને એમ હતું કે, હવે સરકાર આપણી છે એટલે આપણું ધાર્યું થશે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા ઉદ્યોગપતિઓને પણ સાચવવા પડે એમ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વિકસાવવા માટે શરૂ કરેલો પાંચસો અબજ ડોલર એટલે કે અંદાજે 43 લાખ કરોડ રૂપિયાનો સ્ટારગેટ પ્રોજેક્ટ એલન મસ્કના વિરોધીઓ ચેટ જીપીટી બનાવનાર ઓપનએઆઇ કંપનીના સેમ ઓલ્ટમેન, ઓરેકલ અને સોફ્ટબેંકને સોંપી દીધો હતો. એ વખતે પણ એલન મસ્કનો ગરાસ લૂંટાઇ ગયો હતો.
એલન મસ્કની દાનત એવી હતી કે, ડોનાલ્ડ ટ્રમ્પ કોઇ મહત્ત્વના આર્થિક નિર્ણયો લે એ પહેલા તેમની સલાહ લે. ડોનાલ્ડ ટ્રમ્પે એવું કર્યું નહીં. ટ્રમ્પ જો એવું કરે તો તેના સાથીઓ જ નારાજ થાય એવી સ્થિતિ સર્જાઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકારોએ ટ્રમ્પને એવી સલાહ આપી હતી કે, એલન મસ્ક સાથે સેફ ડિસ્ટન્સ રાખજો. એલન મસ્ક પોતાના છોકરાઓને લઇને વ્હાઇટ હાઉસમાં આંટાફેરા કરવા લાગ્યા હતા. જ્યાં જે શોભતું હોય એ જ શોભે. બધે તમે તમારું મન થાય એમ ન કરી શકો. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક સામસામે આવી ગયા છે ત્યારે વાત ક્યાં સુધી પહોંચે છે એ જોવાનું રહેશે. હજુ તો આ શરૂઆત છે, વાત વણસવાની છે!
ડોનાલ્ડ ટ્રમ્પની ફિતરત : હું જે કરું એ જ સાચું અને એ જ સર્વોપરી એક વખત તો ગોળી કાનને અડીને પસાર થઇ ગઇ હતી. અણી ચૂક્યો સો વર્ષ જીવે એવું આપણે ત્યાં કહેવાતું રહ્યું છે. અનેક કેસો ચાલ્યા હોવા છતાં તેઓ હેમખેમ પાર ઉતર્યા છે. ટ્રમ્પ એવી વ્યક્તિ છે જેને કોઇ કંટ્રોલ કરી શકતું નથી. કોઇ તેની સામે બોલે એ તેમને પસંદ નથી. અમેરિકાના મિત્ર દેશો સાથે પણ તેમણે ન કરવા જેવું વર્તન કર્યું છે. ટ્રમ્પ મનમાં આવે એ બોલી જાય છે. ખોટું બોલતા કે બોલીને ફરી જતા પણ તેમને સંકોચ થતો નથી. દુનિયાને જે કહેવું હોય એ કહે, એ પોતે જ બધી વાતોની ક્રેડિટ લઇ લે છે. ટ્રમ્પની દરેક વાતમાં હું અને મેં એ કેન્દ્રસ્થાને હોય છે. ટ્રમ્પના વાણી વર્તનમાં કોઇ ફેર પડે એવી અપેક્ષા રાખવી વધુ પડતી છે. |