- 154 વિદ્વાનોના થયેલાં સર્વેક્ષણનાં તારણોમાં બાઇડેન 14મા સ્થાને
- બાઇડેન અમેરિકી પ્રમુખની પરંપરાગત શૈલીને જાળવી રહ્યા છે
- અમેરિકાના કુલ 45 પ્રમુખોમાંથી શ્રેષ્ઠ કોણ તે મુદ્દે સર્વેક્ષણ કરાયું
અમેરિકી પ્રમુખપદની ચૂંટણી આડે ગણતરીના મહિના જ બચ્યા છે. પાંચ નવેમ્બરે યોજાનારી ચૂંટણી પછી વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ કોણ બનશે તેનો નિર્ણય આવી જશે. જે રીતે રિપબ્લિકન પાર્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીમાં બાઇડેન પોતાના પ્રતિસ્પર્ધીઓ સામે સરસાઇ બનાવી રહ્યા છે, તે જોતાં આ બંને ટોચના નેતા વચ્ચે જ અમેરિકી પ્રમુખપદની ચૂંટણીનો જંગ લડાશે તે લગભગ નક્કી લાગે છે. તે અરસામાં એક સર્વેક્ષણનાં તારણો સામે આવ્યા છે. તેમાં અમેરિકામાં અત્યારસુધીમાં થયેલા 45 પ્રમુખો પૈકી ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી ખરાબ પ્રમુખ હોવાનું સામે આવ્યું છે. તેઓ પ્રમુખોની યાદીમાં સૌથી છેલ્લા સ્થાને છે. તો બાઇડેનને 14મા સ્થાને મૂકવામાં આવ્યા છે. રાજકીય વિજ્ઞાની જસ્ટિન વોન અને બ્રેન્ડન રોટિંગહોસનું કહેવું છે કે બાઇડેનની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે ટ્રમ્પના હાથમાંથી તેમણે પ્રમુખપદનું સ્થાન બચાવ્યું છે. અમેરિકી પ્રમુખના નેતૃત્વની પરંપરાગત શૈલીને ફરી શરૂ કરીને આ વર્ષે ફરી પોતાના પુરોગામીના હાથથી આ પદ દૂર રહે તે માટે કમર કસી છે. કોસ્ટલ કેરોલિના વિશ્વવિદ્યાલયના રાજકીય વિજ્ઞાની વોન તેમ જ હ્યુસ્ટન વિશ્વવિદ્યાલયના રોટિંગહોસે 154 વિદ્વાનોના કરેલા સર્વેક્ષણ પછી આ તારણ જારી કર્યા છે. તેમણે કહ્યું કે અમેરિકી ઇતિહાસના સૌથી સારા પ્રમુખ કયા રહ્યા તેની જાણકારી માટે તેમણે સર્વેક્ષણ હાથ ધર્યું હતું. અમેરિકામાં અત્યારસુધી થઇ ગયેલા 45 પ્રમુખોમાં સૌથી સારા પ્રમુખ કોણ તે પ્રશ્નના તારણ સુધી પહોંચવા આ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે.
પ્રથમ સ્થાને રહ્યા અબ્રાહમ લિંકન
અમેરિકાના શ્રેષ્ઠ પ્રમુખની યાદીમાં અબ્રાહમ પ્રથમ સ્થાને રહ્યા છે. અમેરિકી ગૃહયુદ્ધ દરમિયાન તેમણે દેશનું નેતૃત્વ કર્યું હતું. યાદીમાં બીજા સ્થાને ફ્રેન્કલિન ડેલાનો રૂઝવેલ્ટ રહ્યા છે. તેમણે મહામંદી અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં દેશનું નેતૃત્વ કર્યું હતું. ત્રીજા સ્થાને જ્યોર્જ વોશિંગ્ટન રહ્યા છે. તેમણે બ્રિટન પાસેથી સ્વતંત્રતા હાંસલ કરી હતી. બરાક ઓબામાનું સ્થાન યાદીમાં 7મા ક્રમે છે.


