સત્ય એક હકીકત છે અને હકીકતને ત્યારે જ સમજી શકાય કે જ્યારે મન અને હકીકતની વચ્ચે આવતી બધી બાબતોને દૂર કરવામાં આવે. તમારી મિલકત સાથેનો, તમારી પત્ની સાથેનો, બીજા માનવી સાથેનો, પ્રકૃતિ સાથેનો, ખ્યાલ સાથેનો તમારો સંબંધ એ હકીકત છે અને જ્યાં સુધી તમે સંબંધની હકીકતને સમજો નહીં ત્યાં સુધી તમારી ઈશ્વર વિશેની ખોજ ગૂંચવણમાં વધારો કરે છે, કારણ કે તે સમજણના બદલે મૂકવામાં આવેલી વસ્તુ છે. તે એક છટકબારી છે અને તેથી તેનો કોઈ અર્થ નથી.
જ્યાં સુધી તમે તમારી પત્ની ઉપર વર્ચસ્વ ધરાવો કે તે તમારા ઉપર વર્ચસ્વ ધરાવો, જ્યાં સુધી તમે માલિકીભાવ ધરાવો કે કોઈ તમારા ઉપર માલિકીભાવ ધરાવે ત્યાં સુધી તમે પ્રેમને સમજી ન શકો. જ્યાં સુધી તમે દમન કરતા રહો, એકના બદલે બીજી કોઈ વસ્તુ મૂકતા રહો, જ્યાં સુધી તમે મહત્ત્વાકાંક્ષી રહો ત્યાં સુધી તમે સત્યને જાણી ન શકો. જે કંઈ મેળવવા માટે શોધ કરતો નથી, જે સંઘર્ષ નથી કરતો, જે કોઈક પરિણામ મેળવવા પ્રયત્ન નથી કરતો માત્ર તે એકલો જ સત્યને જાણી શકે. સત્યનું કાયમી સાતત્ય રહેતું નથી, તેનું કાયમી ઠેકાણું નથી, તેને ક્ષણે ક્ષણે જોઈ શકાય છે.
સત્ય હંમેશાં નવું હોય છે અને તેથી તે સમયાતીત છે. જે ગઈ કાલે સત્ય હતું તે આજે સત્ય નથી. જે આજે સત્ય છે તે આવતી કાલે સત્ય નથી હોતું. સત્યને સાતત્ય નથી, તે તો આપણું મન જે અનુભવને સત્ય કહે છે તેને શાશ્વત બનાવે છે અને આવું મન સત્યને જાણી નહીં શકે. સત્ય હંમેશાં નવું હોય છે. તે એના એ જ સ્મિતને ફરીવાર નવેસરથી જોવા જેવું છે, તે જ સ્મિતને નવેસરથી જુઓ. એક જ વ્યક્તિને જોવી અને તે જ વ્યક્તિને નવેસરથી જોવી, તે વ્યક્તિને વિદાયની મુદ્રામાં હાથ હલાવતી નવેસરથી જોવી અને જીવનને નવેસરથી મળવું.
સત્ય માટે કોઈ માર્ગદર્શક નથી
શું ઈશ્વરને બહાર શોધીને મેળવી શકાય? શું તમે અજ્ઞાતની શોધ કરી શકો? શોધવા માટે તમને એ તો ખબર હોવી જોઈએ કે તમે શું શોધી રહ્યા છો. જો તમે મેળવવા માટે શોધતા હો તો તમને જે મળશે તે તમારી પોતાની મનની ઉપજાવેલી બાબત હશે; તે તમે જે ઈચ્છતા હશો તે જ હશે અને ઈચ્છાનું સર્જન સત્ય નથી. સત્ય મેળવવાની ઈચ્છા એ સત્યનો અસ્વીકાર કરવા બરાબર છે. સત્ય કોઈ સ્થાયી ઘર નથી; તેને મેળવવા માટે કોઈ રસ્તો નથી, તે માટે કોઈ માર્ગદર્શક નથી અને શબ્દ એ સત્ય નથી. સત્ય કોઈ ખાસ ગોઠવણ કરીને, કોઈ વિશિષ્ટ વાતાવરણમાં કેટલાક ચોક્કસ પ્રકારના લોકોમાં શોધવાનું છે? શું તે અહીં છે અને ત્યાં નથી? શું તે એક જ સત્યનો માર્ગદર્શક છે અને બીજો કોઈ નહીં? શું કોઈ માર્ગદર્શક છે ખરો? જ્યારે સત્ય શોધવામાં આવે છે ત્યારે જે મળે છે તે તો માત્ર અજ્ઞાનમાંથી જ આવી શકે, કારણ કે શોધ ખુદ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થઈ છે. તમે વાસ્તવિકતાને શોધી કાઢી શકો નહીં, વાસ્તવિકતા રહે તે માટે તમારો અસ્ત થવો જોઈએ.


