- મકાઈનો ચેવડો મહેમાનોને આવશે પસંદ
- વિવિધ વસ્તુઓથી તૈયાર કરી લો પૌંઆનો ચેવડો
- સાબુદાણાનો ચેવડો ઝડપથી બનીને થશે તૈયાર
દિવાળીની સીઝનમાં જો તમે ફ્રી રહેવા ઇચ્છો છો તો તમે આ વિવિધ પ્રકારના ચેવડાને ઘરે જ ટ્રાય કરી શકો છો. તે મહેમાનોની હેલ્થને માટે પણ લાભદાયી છે. વિવિધ જગ્યાઓએ ગરમાગરમ નાસ્તાના શોખમાં ભરપેટ ખાઇ ચૂકેલા મહેમાનો આ ચેવડાને પસંદ કરે છે. ચેવડો પચવામાં પણ સરળ રહે છે. જો તમારી પાસે વધારે સમય ન હોય તો તમે 4 વિવિધ નાસ્તા ઝડપથી બનાવી શકાશે. ચેવડો એવો નાસ્તો છે કે બાળકોથી માંડી મોટેરાઓને પણ ખુબ ભાવે છે. તો આજે તમારા રસોડામાં જમાવો અવનવા ચેવડાની રંગત.
પૌંઆનો ચેવડો
સામગ્રી
– પાંચસો ગ્રામ પૌંઆ
– સો ગ્રામ દાળિયા
– સો ગ્રામ સીંગદાણા
– વીસ ગ્રામ કાજુ
– વીસ ગ્રામ કિશમિશ
– એક ચમચી વરિયાળી
– એક ચમચી તલ
– એક ચમચી હિંગ
– અડધી ચમચી લીંબુના ફુલ
– પંદર લીમડાના પાન
– હળદર
– મીઠું
– મરચું
રીત
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમા શિંગદાણા, દાળિયા, કાજુ, કિશમિશ વગેરે તળીને બાજુ પર મુકી દો. હવે એ જ તેલમાં પૌંઆ તળી લો. તળેલા પૌંઆમાં દાળિયા-શિંગદાણા, કાજુ, કિશમિશ મિક્સ કરો. હવે બીજી એક કઢાઈમાં વઘાર માટે તેલ મુકો. તેમાં વરિયાળી, તલ, હિંગ, લીમડો, હળદર અને મરચું નાખીને સાંતળો. હવે આ તેલ તળેલા પૌંઆમાં નાખી દો. હવે પૌંઆ ગરમ હોય ત્યારે જ ઉપરથી દળેલી ખાંડ, વાટેલા લીંબુના ફુલ, મીઠુ, સંચળ વગેરે નાખીને સારી રીતે હલાવો. તૈયાર છે પૌંઆનો ચેવડો. ઠંડો થતાં તેને એરટાઈટ ડબ્બામાં ભરી લો. દિવાળી પહેલા અને પછી પણ તમે આ નાસ્તાને આરામથી સર્વ કરી શકો છો.
મકાઈનો ચેવડો
સામગ્રી
– અડધો કપ મકાઈના પૌંઆ
– પા કપ શિંગદાણા
– પા કપ શેકેલા ચણા
– પા ટીસ્પૂન રાઈ
– પોણી ટીસ્પૂન લાલ મરચું પાવડર
– પા ટીસ્પૂન ચાટ મસાલો
– પા ટીસ્પૂન દળેલી ખાંડ
– મીઠું સ્વાદ અનુસાર
– તેલ જરૂર મુજબ
– મીઠો લીમડો
રીત
સૌપ્રથમ એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં મીઠો લીમડો ઉમેરીને સાંતળો. લીમડો સંતળાય જાય એટલે તેમાં દાળિયા ઉમેરીને સાંતળો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં શિંગદાણા ઉમેરીને સાંતળો. શિંગદાણા શેકાય જાય એટલે તેમાં લાલ મરચું પાવડર, મીઠું, ચાટ મસાલો અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરો. એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં મકાઈના પૌંઆ ઉમેરીને પાંચેક મિનિટ માટે ધીમા તાપે સાંતળો. તૈયાર છે સ્વાદિષ્ટ કોર્નફ્લેક્સ મિશ્રણ. જ્યારે પણ ઈચ્છા હોય ત્યારે તેને ચા સાથે સર્વ કરો. આ મિશ્રણને એર રાઈટ ડબ્બામાં ભરીને રાખો.
મમરાનો ચેવડો
સામગ્રી
– અઢીસો ગ્રામ મમરા
– અડધો કપ શેકેલા શિંગદાણા
– પા કપ કાજુના ટુકડા
– પોણો કપ શેકેલા દાળિયા
– અડધો કપ સૂકા નાળિયેરના ટુકડા
– પાંચ નંગ લીલા મરચાં
– બે ડાળખી મીઠો લીમડો
– એક ટીસ્પૂન ખાંડ
– પા ટીસ્પૂન હળદર
– અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર
– પાંચ ટીસ્પૂન તેલ
– મીઠું સ્વાદ અનુસાર
રીત
સૌપ્રથમ એક ઊંડી અને જાડા તળિયાવાળી કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં દાળિયા ઉમેરીને તળી લો. તળાઇ જાય એટલે તેલમાંથી કાઢીને એકબાજુ મૂકી દો. ત્યારબાદ એ જ તેલમાં કાજુના ટુકડા લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. તેને પણ કાઢીને એકબાજુ મૂકી દો. હવે મરચાં તળી લો. ક્રિસ્પી થાય એટલે તેલમાંથી કાઢીને એકબાજુ મૂકો. હવે તેલમાં મીઠો લીમડો ઉમેરો. તેલમાં શિંગદાણા ઉમેરો. તળાય જાય એટલે કાઢીને તેને પણ એકબાજુ મૂકો. હવે એક મોટા મિક્સિંગ બાઉલમાં બધી જ સામગ્રી એક પછી એક ઉમેરો. તેમાં હળદર, મીઠું, ખાંડ અને લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં મમરા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ મમરાનો ચેવડો.
સાબુદાણાનો ચેવડો
સામગ્રી
– સો ગ્રામ નાયલોન સાબુદાણા
– પચાસ ગ્રામ બટાકાનું છીણ
– દોઢસો ગ્રામ વાટેલા કે દળેલા મગફળીના દાણા
– એક ચમચી લાલ મરચું પાવડર
– બે મોટી ચમચી દળેલી ખાંડ
-મીઠું સ્વાદાનુસાર
– તેલ તળવા માટે
રીત
સૌપ્રથમ સાબુદાણાને ગરમ તેલમાં નાખીને ફુલાવી લો. પછી બટાકાનુ સૂકું છીણ પણ તેલમાં તળો. હવે તેમાં વાટેલા મગફળીના દાણા, લાલ મરચું, મીઠું અને દળેલી ખાંડ નાખીને મિક્સ કરી લો. સાબૂદાણાનો ચેવડો તૈયાર છે. આ ચેવડો તમે ચા સાથે સર્વ કરી શકો છો.