- ફૂદીનાની સેવથી મળશે બેસ્ટ ટેસ્ટ
- તીખી સેવ નાના મોટાં સૌને પસંદ આવશે
- આલુ સેવ અને રતલામી સેવ પણ જલ્દી થશે તૈયાર
દિવાળીની સફાઈ મોટાભાગના ઘરોમાં પૂરી થઈ ગઈ છે. લોકો ઘરની સજાવટ અને દિવાળીના નાસ્તાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ સમયે નાસ્તામાં બનાવી શકાય એવી 4 પ્રકારની સેવની રેસિપી લઈને આવ્યા છીએ. સામાન્ય રીતે દિવાળીમાં દરેક ઘરમાં ચણાના લોટની સેવો બનતી જ હોય છે. પરંતુ જો તમે આ સેવમાં ટ્વિસ્ટ લાવવા માંગતા હોવ તો આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ, આલુ સેવ, ફૂદીના સેવ, તીખી સેવ અને રતલામી સેવ. સામાન્ય રીતે આવી ફ્લેવરવાળી સેવ આપણે બજારમાંથી તૈયાર લઈ આવતા હોઈએ છીએ. પરંતુ મોંઘવારી જોતા અને સ્વાસ્થ્યનું પણ જો ધ્યાન રાખવું હોય તો આ વખતે ઘરે જ ટ્રાય કરો અનેક ફ્લેવરવાળી સેવ.
આલુ સેવ
સામગ્રી
-200 ગ્રામ ચણાનો લોટ
-400 ગ્રામ બટાકા
-1/4 ચમચી હળદર
-1/4 ચમચી હીંગ
-1/2 ચમચી ગરમ મસાલો
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ બટાકાને બાફી લો. ત્યાર બાદ તેને છોલીને બરોબર મસળી લો. હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મસળેલા બટાકા, મીઠું, હીંગ, હળદર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરીને, કણક તૈયાર કરી લો. હવે તે કણકને 15 થી 20 મિનિટ માટે બાજુ પર મૂકી દો. હવે સેવ પાડવાના સંચામાં જાળી લગાવી તૈયાર કરો. હવે હાથ પર થોડું તેલ લગાડી થોડી કણક હાથમાં લઈ તેને મશીનમાં ભરો. આ દરમિયાન એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં મશીન વડે સેવ પાડો. ધ્યાન રાખો તેલ વધારે ગરમ ન હોવું જોઈએ. હવે ધીરે ધીરે સેવ તળાય એટલે તેને પલટો. બન્ને બાજુથી બરાબર તળાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો. બધી સેવ તળાઈ જાય ત્યારે તેને ઠંડી કરી એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. જેથી તમે એક મહિના સુધી આ સેવનો ઉપયોગ કરી શકો.
તીખી સેવ
સામગ્રી
-500 ગ્રામ ચણાનો લોટ
-50 ગ્રામ ચોખાનો લોટ
-500 ગ્રામ તેલ
-4 ચમચી મરચું
-2 ચમચી અજમો
-સંચળ સ્વાદાનુસાર
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ ચણાનો લોટ અને ચોખાનો લોટ મિકસ કરી તેમાં મરચું, મીઠું, અજમો, સંચળ નાખી કઠણ કણક બાંધો. કણકને તેલ વડે મસળીને નરમ કરો. એક કડાઇમાં તેલ ગરમ કરો. હવે સેવ પાડવાના સંચામાં લોટ ભરીને ગરમ તેલમાં જ સેવ પાડી, બ્રાઉન કલરની તળી લો.
રતલામી સેવ
સામગ્રી
-500 ગ્રામ ચણાનો ઝીણો લોટ
-1 વાટકી તેલ
-1 વાટકી પાણી
-1/2 નાની ચમચી ખાવાનો સોડા
-1/2 ચમચી અજમો
-1 ચપટી હિંગ
-1 નંગ લીંબુ
-મીઠું સ્વાદાનુસાર
-મરચું સ્વાદાનુસાર
-મરી પાવડર સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ અજમાને વાટી લેવો. ત્યાર બાદ મરીને પણ ખાંડીને તેનો ભૂકો કરી લો. હવે તેલ અને પાણીને સરખા ભાગે એક મોટા વાસણમાં લઈ લો. ત્યાર બાદ તેને હાથેથી અથવા તો મિક્ષરમાં ફીણી લો. એકદમ સફેદ દૂધિયું મિશ્રણ તૈયાર થશે. ત્યાર બાદ તેમાં સોડા અને અડધા લીંબુનો રસ અને એકદમ ઝીણું ચાળેલું સફેદ તીખા મરચાંની ભૂકી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં સમાય તેટલો ચણાનો લોટ ચાણીને તેને ધીમે-ધીમે ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં મીઠું, મરી પાવડર અને હિંગ ઉમેરીને બરાબર મસળવુ. તૈયાર છે સેવ માટેનો લોટ. હવે તેને સેવના સંચાથી અથવા ઝારાથી ગરમ તેલમાં સેવ પાડો. ગરમ તેલમાં ધીમા તાપે સેવને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો. તૈયાર છે સ્વાદિષ્ટ રતલામી સેવ. દિવાળીમાં ઘરે આવતા મહેમાનોને સર્વ કરો.
ફૂદીના સેવ
સામગ્રી
-2 કપ મેંદો
-1 કપ ચોખાનો લોટ
-2 ટેબલસ્પૂન ઘી
-1/2 કપ ફૂદિનો પ્યોરી
-1 ચપટી ખાવાનો લીલો રંગ
-2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
રીત
સૌપ્રથમ એક મોટા મિક્સિંગ બાઉલમાં તેલ સિવાયની બધી જ સામગ્રી લઈને બરાબર મિક્સ કરી લો. જો જરૂર લાગે તો પાણી ઉમેરીને સેવ માટેની કણક તૈયાર કરી લો. હવે એક મોટી અને ઉંડી કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. હવે સેવના સંચામાં તૈયાર કરેલી કણક ઉમેરીને તૈયાર રાખો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરીને તેમાં ધીમા તાપે સેવ પાડો. સેવને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરો. બંને બાજુ ફેરવીને તળતા રહો. સેવ તળાય જાય એટલે તેલમાંથી કાઢીને થોડી વાર માટે પેપર નેપકિન પર મૂકો. ત્યાર બાદ તેને એર ટાઈટ ડબ્બામાં ફરી લો. તૈયાર છે દિવાળી માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્નેક્સ. મહેમાનો પણ ઘરની ફૂદીના સેવ ખાઈને ખુશ થઈ જશે.