તમે ક્યારેય સરળતાપૂર્વક, શુદ્ધ લાગણી સાથે રહેતા નથી, પરંતુ હંમેશાં તેને પોતાનાં અંગત શબ્દોના વર્તુળમાં લપેટી લો છો. શબ્દો એ લાગણીને વિકૃત કરે છે; વિચાર તેની આસપાસ ઘુમરાય છે, તે લાગણીને પાછળ ધકેલી દે છે, તેના પ્રચંડ ભય અથવા લાલસા છવાઈ જાય છે. તમે ક્યારેય લાગણી સાથે રહેતા નથી. બીજી કોઈ વસ્તુ સાથે પણ નથી રહેતા. તમે ધિક્કાર સાથે નથી રહી શક્તા અથવા સૌંદર્યની એ વિસ્મયજનક લાગણી સાથે પણ નથી રહી શક્તા.
નફરતની લાગણી સાથે રહેવાનો પ્રયત્ન કરી જુઓ, ઈર્ષ્યા, અદેખાઈ, મહત્ત્વાકાંક્ષાની કટુતા સાથે રહેવાનો પ્રયત્ન કરી જુઓ; કેમ કે છેવટે તો તે તમારા રોજિંદા જીવનમાં છે. જોકે, તમે પ્રેમ સાથે અથવા પ્રેમ શબ્દ સાથે રહેવા ઇચ્છતા હો, પરંતુ જ્યાં સુધી તમારામાં નફરતી ભાવના છે, બીજાને હાવભાવથી કે હાડોહાડ લાગે તેવા શબ્દોથી વ્યથિત કરવાની ભાવના છે ત્યારે એ જુઓ કે તમે તે ભાવના સાથે રહી શકો છો? શું તમે તે ભાવના શાથે રહેવાનો પ્રયત્ન કર્યો છે? તમે ક્યારેય તમે કરી જોયું છે? કોઈ લાગણી સાથે રહી જુઓ અને પછી જુઓ કે શું થાય છે? તેમ કરવું તમને ચકિત કરી દે તેટલું મુશ્કેલ જણાશે. તમારું મન તે લાગણીને એકલી છોડશે જ નહીં; મનમાં તેની સ્મૃતિઓ, તેની સાથે સંકળાયેલી બાબતો, તેની સાથે `આમ કરવું’ અને `આમ ન કરવું’ જેવા વિચારો, તેની એકધારી બકબક ઘસી આવે છે. એક છીપલું લો, શું તમે તેની તરફ તે કેટલું સુંદર છે એમ કહ્યા વગર કે વિચાર્યા વગર અથવા તો તે ક્યા પ્રાણીએ બનાવ્યું હશે તેમ વિચાર્યા વગર જોઈ શકો? શું તમે તેને કોઈપણ વિચાર કર્યા વગર, મનને સક્રિય કર્યા વગર જોઈ શકો? તમે એ શબ્દો પાછળ રહેલી લાગણી સાથે રહી શકો? શબ્દો દ્વારા ઉદ્ભવતી લાગણી વગર રહી શકો? જો તમે એમ રહી શકો તો તમે એક અસાધારણ વસ્તુ શોધી શકશો, તો તમે સમયથી માપી ન શકાય તેવી એક અનન્ય ગતિનો પરિચય પામશો, એક એવી વસંત અનુભવશો કે જે કોઈ પાનખર કે ઉનાળાને જાણતી નથી.
મને ખબર નથી કે તમે શબ્દોમાં રજૂ કરવાની અને કોઈ બાબતને નામ આપવાની પ્રક્રિયા વિષે ક્યારેય વિચાર કર્યો છે કે નહીં, તે વિષે તપાસ કરી છે કે નહીં. જોકે, તમે એ વિષે વિચાર કર્યો હોય કે તપાસ કરી હોય તો તે સહુથી વધારે આશ્ચર્યજનક અને બહુ જ પ્રેરક તથા રસપ્રદ બાબત ગણાય. આપણને જે બાબતનો અનુભવ થાય, આપણે જે જોઈએ અથવા આપણને જે અનુભૂતિ થાય તેને જ્યારે આપણે શબ્દોમાં રજૂ કરીએ ત્યારે શબ્દ અસાધારણપણે મહત્ત્વનો બની જાય છે; શબ્દ સમય છે. સમય અવકાશ (ગાળો ) છે અને શબ્દ તેનું કેન્દ્ર છે. વિચારવાની પૂરી પ્રક્રિયા શબ્દીકરણની પ્રક્રિયા છે; તમે શબ્દો વડે જ વિચારો છો. તો શું મન આ શબ્દથી મુક્ત થઈ શકે? એમ ન પૂછો કે `મારે તેનાથી મુક્ત કેવી રીતે થવું?’ તેનો કોઈ અર્થ નથી. `પ્રેમ’, `ઈશ્વર’, `ધ્યાન’ શબ્દોને કેટલું અસાધારણ મહત્ત્વ આપ્યું છે અને આપણે તેમના કેવા ગુલામ બની ગયા છીએ!