- ચેવડો બનાવતી વખતે વઘારમાં તેલ ઓછુ વાપરવું
- ઘૂઘરા, શક્કરપારામાં વાપરો ઘીનું મોણ, મળશે બેસ્ટ સ્વાદ
- ગાયના દૂધનો ઉપયોગ કરીને બનાવેલી મિઠાઈ લાગશે બેસ્ટ
આજે અમે તમારી માટે દિવાળી સ્પેશિયલ નાસ્તા માટેની ટિપ્સ લઈને આવ્યા છીએ. જેટલા જરૂરી દિવાળીના નાસ્તા અને મિઠાઈ છે, એટલી જ જરૂરી આ ટિપ્સ છે. જો તમે તેને પહેલાથી જાણતા હશો તો, તમારૂં કામ સરળ બનશે. અને તમારા નાસ્તા પણ બગડતા અટકશે. ઘણી વખત એક નાની ભૂલના કારણે આપણી બધી જ મહેનત પાણીમાં જતી રહે છે. પૌંઆ સહેજ વધારે શેકાઈને કડક થઈ જાય તો આખો ચેવડો બગડી જાય છે. તો પાયો સહેજ વધારે કડક થાય તો બધી જ બરફી લાકડા જેવી બની જાય છે. આવી નાની-નાની ભૂલોને કરતા પહેલા જ સાવધાન થાવ, અને સાવધાનીના પગલારૂપે અહીં આપેલી ટિપ્સને ફોલો કરો. પછી જુઓ તમારા નાસ્તાના લોકો કેવા વખાણ કરશે.
નાસ્તા કે મિઠાઈઓ બનાવવામાં ન કરશો આ ભૂલો
– પાતળા પૌંઆનો ચેવડો બનાવતી વખતે પૌંઆને તળવાને બદલે સારી રીતે સૂકા જ શેકી લો. તેલમાં વઘારની સામગ્રી નાખ્યા પછી ગેસ બંધ કરી દો. પછી પૌંઆ નાંખો અને પૌંઆ સારી રીતે વઘારમાં મિક્સ કરી દો. પછી ધીમા તાપે તેને ગેસ પર ફરીથી મુકીને હલાવતા રહો.
-ચેવડો બનાવતી વખતે વઘારમાં તેલ ઓછુ વાપરવું જોઈએ. ઓછુ લાગે તો ગરમ કરીને ઉપરથી નાખવું. વધુ તેલવાળો ચેવડો સ્વાદમાં સારો લાગતો નથી.
-ચેવડો બનાવતી વખતે મીઠું-મસાલા વઘારમાં નાંખવાથી આખા ચેવડામાં એક જેવો સ્વાદ આવે છે.
– ઘૂઘરા, શક્કરપારા વગેરેમાં શક્ય હોય તો ઘીનું મોણ વાપરો, જેથી વાનગી વધુ ક્રિસ્પી બનશે.
– ચકરી બનાવવાનો લોટ પ્રમાણસર પલાળવો. જો વધુ ઘટ્ટ કે પાતળુ થઈ જાય તો ચકરી ક્રિસ્પી થતી નથી.
– સેવના ઝારા પર ચણાનો લોટ ઘસીને ગરમ તેલમાં સેવ પાડવાથી વધુ સ્વાદિષ્ટ બને છે.
– બંગાળી મીઠાઈ બનાવતી વખતે પનીર બનાવવા ગાયના દૂધનો ઉપયોગ કરવો. ગાયના દૂધનું પનીર નરમ બને છે.
– બંગાળી મીઠાઈ બનાવતી વખતે ખાંડના પ્રમાણમાં પાણી 5-6ના પ્રમાણમાં હોવુ જોઈએ. તેમા રસગુલ્લા, ચમચમ વગેરે મીઠાઈઓ આ ચાસણીમાં બનાવવાથી વધુ સ્વાદિષ્ટ બને છે.
– જો ગુલાબજાંબુ કે માવાની મીઠાઈ તળતી વખતે ઘીમાં તૂટી રહી છે, તો તેમાં થોડો મેંદો મિક્સ કરવો જોઈએ.
– ફરસીપુરી બનાવતી વખતે તેમાં મોણ થોડું વધારે પ્રમાણમાં નાખવું જોઈએ. તેનાથી ફરસી પુરી મોંમાં જ ઓગળી જાય તેવી બને છે.
– ભાખરવડી બનાવો ત્યારે ચણાનો લોટ બાંધો, તેમાં મોણ બિલકુલ ન નાખતા. નહી તો તળતી વખતે ભાખરવડી તૂટી જશે.
– ઘૂઘરા બનાવો ત્યારે લૂઆ બનાવતા પહેલા એક મોટો રોટલો વણી લો. તેના પર વેલણથી ખાડા પાડી દો. ત્યાર બાદ તેના પર ચોખાનો લોટ અને ઘીનું મિશ્રણ લગાવીને તેને રોલ કરી દો. હવે આ રોલના લૂઆ બનાવી પછી, તેની પૂરી વણીને તેમાંથી ઘૂઘરા બનાવવા જોઈએ. આ રીતે ઘૂઘરા બનાવવાથી ઘૂઘરાનું પડ ક્રિસ્પી બનશે.