રત્ન ધારણ
રત્ન ગ્રહમાંથી આવતી રશ્મિઓને શોષીને શરીરને પ્રદાન કરે છે. તેથી શુભ ગ્રહોની રશ્મિઓ વધુ માત્રામાં મેળવવા માટે તે ગ્રહોનાં રત્નોને ધારણ કરવાં જોઈએ. જો ગ્રહ નબળા હોય તો તેનું રત્ન ધારણ કરવાથી તે સબળ બને છે અને ફળદાયી બને છે.
દેવદર્શન
કોઈ પણ ગ્રહની અશુભતાને ઓછી કરવા તે ગ્રહના પ્રતિષ્ઠિત દેવનાં દર્શનથી લાભ થાય છે. જેમ કે, મંગળ અને શનિ માટે હનુમાનજીની પૂજા, ગુરુ માટે વિષ્ણુ ભગવાન, બુધ માટે શ્રીગણેશજી, શુક્ર માટે દુર્ગા માતા, ચંદ્ર માટે શિવજી અથવા શ્રીકૃષ્ણ, સૂર્ય માટે શ્રીરામ વગેરે.
ધન
જે ગ્રહ અશુભ તથા બળવાન હોય તેની વસ્તુઓનું દાન કરવાથી અશુભતામાં ઘટાડો થાય છે. જેમ કે, સૂર્ય માટે મસૂરની દાળનું દાન, ચંદ્રમા માટે જળનું દાન, મંગળ માટે ગોળનું દાન, બુધ માટે લીલા ચારાનું દાન, ગુરુ માટે પીળી દાળનું દાન, શુક્ર માટે ચોખાનું દાન, શનિ માટે સરસવના તેલનું દાન, રાહુ માટે કાળા કાંબળા તથા કેતુ માટે સાત પ્રકારનાં ધાન્યનું દાન.
મંત્રોચ્ચારણ
જો ગ્રહ વાયુ તત્ત્વ રાશિમાં બેઠો હોય તો તેના મંત્રોચ્ચારણથી શીઘ્ર લાભ મળે છે. ગ્રહના તાંત્રિક મંત્ર વિશેષ લાભકારક છે. પૂર્ણ કષ્ટ નિવારણ માટે સવા લાખ મંત્રોનો જપ, ત્યારબાદ હવન વગેરે કરવાં જોઈએ.
યંત્ર સ્થાપના
ગ્રહ અથવા દેવ મંત્રના જાપની સાથે જો તેનું યંત્ર પણ સ્થાપવામાં આવે તથા મંત્રોચ્ચાર કરવામાં આવે તો જપની અસર અનેક ગણી વધી જાય છે. એવું કહેવામાં આવે છે કે યંત્રમાં દેવમૂર્તિ કરતાં સો ગણી વધારે ઊર્જા
હોય છે.
વાસ્તુ સ્થાપના
અનેક દોષોને દૂર કરવા માટે વિશેષ ચિત્ર, ઘંટડીઓ, પિરામિડ વગેરેની સ્થાપના કરવામાં આવે છે, જે વાતાવરણની અશુદ્ધ ઊર્જાને સમાપ્ત કરીને શુદ્ધ ઊર્જામાં વધારો કરે છે.
જડીબુટ્ટી
દરેક ગ્રહની કેટલીક જડીબુટ્ટીઓ કે વનસ્પતિ પણ છે. ગ્રહોને બળવાન બનાવવા માટે તેમની જડીબુટ્ટીઓનું સેવન કરવું જોઈએ અથવા પાણીમાં પલાળી રાખીને તે પાણી વડે સ્નાન કરવું જોઈએ.
વિસર્જન
કોઈ પણ જળતત્ત્વ રાશિસ્થિત ગ્રહની અશુભતાને દૂર કરવા માટે તે ગ્રહની વસ્તુઓનું વિસર્જન કરવું એ ઉત્તમ ઉપાય છે. જેમ કે, સૂર્ય માટે મસૂરની દાળ લાલ કપડામાં બાંધીને તેનું વિસર્જન, ચંદ્રમા માટે ગંગાજી (અન્ય પવિત્ર નદીઓ પણ ચાલે)માં દૂધનું વિસર્જન, મંગળ માટે ગોળનું વિસર્જન, બુધ માટે મગનું વિસર્જન, ગુરુ માટે હળદરની ગાંઠોનું વિસર્જન, શુક્ર માટે દહીં અથવા ખીરનું વિસર્જન, શનિ માટે કાળા ચણાનું વિસર્જન, રાહુ માટે કોલસાનું વિસર્જન તથા કેતુ માટે નાળિયેરનું વિસર્જન.
હવન
અશુભ ગ્રહોને શુભ બનાવવા માટે હવન કરવો જોઈએ. જો ગ્રહ અગ્નિતત્ત્વ રાશિમાં બેઠો હોય તો ફળ શીઘ્ર મળે છે.
જમીનમાં દાટવું
જો ગ્રહ ભૂમિ તત્ત્વ રાશિમાં હોય તો તે ગ્રહના પદાર્થ કે વસ્તુઓને જમીનમાં દાટવી જોઈએ. તેનાથી ગ્રહનાં અશુભ ફળ ઓછાં થાય છે. અને શુભ ફળમાં વધારો થાય છે.