- દેદાદરા પાટિયા પાસે કાર્યવાહી : LCB ટીમે સોયાબીજ અને જલજીરાની આડમાં ટ્રકમાં ભરીને લઈ જવાતા દારૂનો પર્દાફાશ કર્યો
- પોલીસે દારૂની 1860 બોટલ, ટ્રક, જલજીરાના કાર્ટૂન સહિત રૂ. 18.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- સુરેન્દ્રનગરના રસ્તે વિદેશી દારૂ આઈસર ટ્રકમાં આવતો હોવાની બાતમી
સુરેન્દ્રનગર એલસીબી ટીમને લખતરથી સુરેન્દ્રનગરના રસ્તે વિદેશી દારૂ આઈસર ટ્રકમાં આવતો હોવાની બાતમી મળતા દેદાદરા પાટીયા પાસે વોચ રખાઈ હતી. જેમાં રાજસ્થાનના મોટા ભાઈએ ભરી આપેલો દારૂ લઈ આવતો નાનો ભાઈ દારૂ, ટ્રક, મોબાઈલ સહિત રૂ. 18,06,090ની મત્તા સાથે પકડાયો છે. આ બનાવની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
લોકસભા ચૂંટણીને લઈને દારૂની બદીને ડામવા પોલીસ ઠેર ઠેર દરોડા કરી રહી છે. આવા સમયે સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ બી.એલ. રાયઝાદા સહિતની ટીમ શુક્રવારે મોડી સાંજે પેટ્રોલિંગ કરી રહી હતી. જેમાં સ્ટાફના આર.જી.ઝાલા અને પરીક્ષીતસીંહને લખતરથી સુરેન્દ્રનગર તરફ આવતી આઈશર ટ્રકમાં દારૂ હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફના ગોપાલસીંહ, દશરથભાઈ સહિતનાઓને સાથે રાખી વોચ રખાઈ હતી. જેમાં છીંકણી કલરનું આઈસર આવતા તેને રોકી પુછપરછ કરતા ડ્રાયવરે આઈસરમાં સોયાબીજ અને જલજીરા હોવાનું જણાવ્યુ હતુ. જયારે પોલીસે બાંધેલી તાડપત્રી હટાવી તપાસ કરતા વીવીધ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે ચાલક રાજસ્થાનના જોધપુરના મુકેશ બાબુલાલ પરીહારને દારૂની 1860 બોટલ કિંમત રૂ. 8,5 7,890, રૂ. 9 લાખની આઈસર ટ્રક, મોબાઈલ ફોન, રૂ. 41,900ના સોયાબીજ અને જલજીરાના કાર્ટુન સહિત રૂ. 18,06,090નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ આરોપીની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ જોધપુરથી તેના મોટાભાઈ ભગીરથ બાબુલાલ પરીહારે ભરી આપ્યો હોવાનું તથા રાજકોટ પહોંચાડવાનો હોવાનું ખૂલ્યુ હતુ. પોલીસે બન્ને સામે વઢવાણ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


