- આરોપી TTEએ વીડિયો બનાવનારા યુવાન પર પણ હુમલો કર્યો
- પીડિત સહિત મુસાફરો દ્વારા કરાઇ રહેલી વિનંતી છતાં TTEએ માર મારવાનું ચાલુ રાખ્યું હતું
- ટિકિટ હોવા છતાં યુવાનને માર માર્યો
સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર રીતે વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક ટ્રેનનો છે જ્યાં એક મુસાફરને ટીટીઇ જોરદાર રીતે માર મારે છે. ટીટીઇ યુવાનને થપ્પડો ફટકારે છે અને વીડિયો બનાવનારા યુવાનને પણ તે ટીટીઇ ગાળો બોલતો સંભળાય છે. ઘટના બરૌની-લખનૌ એક્સપ્રેસનો છે. ઘટના લખનૌ-ગોરખપુર સ્ટેશન વચ્ચેની છે. જ્યારે વીડિયો વાઇરલ થયો ત્યારે યૂઝર્સે ટીટીઇ સામે જોરદાર આરોપ લગાવી તેની સામે કાર્યવાહીની માગ કરી હતી. સાથે જ વીડિયોને રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને પણ ટેગ કર્યો હતો. રેલવેએ પણ તાત્કાલિક એક્શન લેતા આરોપી ટીટીઇને સસ્પેન્ડ કરી દીધો છે. સાથે જ તેની સામે તપાસના આદેશ પણ આપી દેવાયા છે. જ્યારે ટીટીઇ મુસાફરને માર મારી રહ્યો હતો ત્યારે તે મુસાફર સતત કહી રહ્યો હતો કે સર તમે મને શા માટે મારી રહ્યા છો? અન્ય યાત્રીઓ પણ ટીટીઇને અપીલ કરી રહ્યા હતા. યુવક સ્પષ્ટ રીતે પૂછતો સંભળાયો હતો કે સર મારી શું ભૂલ છે? તેમ છતાં ટીટીઇ યુવાનને સતત મારતો રહ્યો હતો. ટીટીઇ એટલા ગુસ્સામાં હતો કે તેણે વીડિયો બનાવી રહેલા મુસાફર પર પણ હુમલો કર્યો હતો અને તે કારણે જ સોશિયલ મીડિયા પર ટીટીઇ વિરુદ્ધ કાર્યવાહીની માગ ઊઠી હતી. આરોપી ટીટીઇનું નામ પ્રકાશ હોવાનું કહેવાઇ
રહ્યું છે.
ટિકિટ હોવા છતાં યુવાનને માર માર્યો
જે યુવાનને ટીટીઇએ માર માર્યો હતો તેનું નામ નીરજકુમાર હોવાનું કહેવાઇ રહ્યું છે. પીડિતે કહ્યું હતું કે 17 જાન્યુઆરીએ મુઝફ્ફરપુરથી લખનૌ જવા માટે તેણે ટિકિટ બુક કરાવી હતી. નીરજના અનુસાર તે સતત ટીટીઇને કહી રહ્યો હતો કે સર મારી પાસે ટિકિટ ન હોત તો મારી ભૂલ ગણાત. પણ મારી પાસે ટિકિટ છે. તેમ છતાં ટીટીઇએ યુવાનને મારવાનું ચાલુ રાખ્યું હતું. એક યૂઝરે લખ્યું હતું કે જો ટિકિટ ન હોય તો પણ મુસાફરને મારવાનો અધિકાર ટીટીઇને કોણે આપ્યો?


