- ભારતીય મૂળના વિવેક રામાસ્વામી પર ટ્રમ્પ કરી રહ્યા છે વિચાર
- હવાઈના ભૂતપૂર્વ પ્રતિનિધિ તુલસી ગબાર્ડ પણ ટ્રમ્પની પસંદ
- તુલસી, રામાસ્વામી સહિત 6 સંભવિત ઉમેદવારોના નામ: ટ્રમ્પ
અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી થવા જઈ રહી છે. આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે ભારતીય મૂળના વિવેક રામાસ્વામીના નામ પર પણ વિચાર કરી રહ્યા છે.
6 સંભવિત ઉમેદવારો પર ટ્રમ્પ કરી રહ્યા છે વિચાર
ટ્રમ્પ મંગળવારે એક ન્યૂઝ ચેનલના ટાઉન હૉલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ટ્રમ્પને ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 સંભવિત ઉમેદવારો અંગે પૂછવામાં આવ્યું. તો પૂર્વ રાષ્ટ્રપતિ ત્રમપે સાઉથ કેરોલિનાના સેનેટર ટિમ સ્કોટ, ફ્લોરિડાના ગવર્નર રૉન ડેસેન્ટિસ, હવાઈના ભૂતપૂર્વ પ્રતિનિધિ તુલસી ગબાર્ડ, ભારતીય-અમેરિકન બાયોટેક ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી, ફ્લોરિડાના પ્રતિનિધિ બાયરોન ડોનાલ્ડ્સ અને સાઉથ ડકોટાના ગવર્નર ક્રિસ્ટી નોમનું નામ લીધું હતું.
રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર નીકળ્યા હતા રામાસ્વામી
આ દરમિયાન ટ્રમ્પે એક અન્ય ભારતીય અમેરિકન મહિલા નિક્કી હેલીનું નામ ન લીધું, જે હજુ પણ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની રેસમાં છે. જાન્યુઆરી મહિનામાં આયોવા કોકસમાં રામાસ્વામીનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ત્યારબાદ, તેઓ ન માત્ર રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પાછળ હટી ગયા, પરંતુ સાથે સાથે ટ્રમ્પને પોતાનું સમર્થન પણ જાહેર કર્યું. આયોવા કોકસમાં ડોનાલ્ડ ટ્રમ્પએ શાનદાર જીત મેળવી હતી.
તમામ નામ શોર્ટલિસ્ટમાં…: ટ્રમ્પ
કાર્યક્રમના હોસ્ટે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે શું આ તમામ 6 નામ ઉપરાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર તરીકે તમારી શોર્ટલિસ્ટમાં છે? તેનો જવાબ આપતા ટ્રમ્પએ કહ્યું હતું કે તેઓ તમામ શોર્ટલિસ્ટમાં છે. પ્રામાણિકતાથી કહું તો તે તમામ સારા લોકો છે. તેઓ સક્ષમ લોકો છે. આ પહેલા ઓગસ્ટ 2023માં રામાસ્વામીએ સંકેત આપ્યા હતા કે જો તેઓ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નહિ બને તો તેઓ અન્ય કોઇ વ્યક્તિની સાથે મળીને દોડમાં રહેશે.
રાષ્ટ્રપતિ પદની રેસમાંથી પીછેહઠ કરવા તૈયાર નથી નિક્કી હેલી
આયોવા કોકસમાં ડેસેન્ટિસ બીજા ક્રમે રહ્યા હતા. રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થતાં પહેલા ડેસેન્ટિસ અને ટ્રમ્પ એક વર્ષ સુધી એક બીજા પર સતત આક્ષેપો કરતાં રહ્યા. જોકે, આયોવા કોકસના પરિણામો બાદ ડેસેન્ટિસે ટ્રમ્પને સમર્થન આપ્યું હતું. તો, ટ્રમ્પએ પણ તેમના પરના વાકપ્રહારો બંધ કરી દીધા હતા. જ્યારે, નિક્કી હેલીની વાત કરીએ તો તેમણે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી પરત લેવાનો ઇનકાર કરી દીધો છે. ગત સપ્તાહે સાઉથ કેરોલિનામાં તેમણે વ્હાઇટ હાઉસની રેસમાં બન્યા રહેવાનો સંકલ્પ લીધો હતો. આ રેસમાં ટ્રમ્પ નિક્કી હેલીથી ઘણા આગળ ચાલી રહ્યા છે.


