- તુંગનાથ મંદિરમાં જે શિવલિંગ જોવા મળે છે તે શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે
ઉત્તરાખંડમાં મુખ્ય પાંચ શિવમંદિર આવેલાં છે જેમાં કેદારનાથ, બૈજનાથ મંદિર, રુદ્રનાથ મંદિર, બાલેશ્વર મંદિર અને તુંગનાથ મંદિરનો સમાવેશ થાય છે. આ પાંચેય મંદિરનું ભક્તોમાં અનોખું સ્થાન છે. માત્ર ભારતભરમાં જ નહીં, પરંતુ વિશ્વભરના શિવભક્તો આ પાંચ શિવમંદિરોમાં જઈને શિવમય બનીને ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિરો પૈકી તુંગનાથ મંદિરનું અનેરું માહાત્મ્ય છે. તુંગનાથ મંદિર વિશે એક પૌરાણિક માન્યતા પણ છે કે, આ મંદિરનું નિર્માણ પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું.
તુંગનાથ મંદિર ઉત્તરાખંડના ગઢવાલના રુદ્રપ્રયાગ જિલ્લાસ્થિત એક પર્વત છે અને આ પર્વત પર તુંગનાથ મંદિર આવેલું છે. આ મંદિર અંદાજે 3460 મીટરની ઊંચાઈ પર આવેલું છે અને તે પંચ કેદારોમાંથી સૌથી વધુ ઊંચાઈ પર આવેલું મંદિર ગણાય છે. આ મંદિર એક હજાર વર્ષ કરતાં પણ જૂનું છે એમ માનવામાં આવે છે અને અહીં ભગવાન શિવજીની પંચ કેદારોમાંથી એક રૂપમાં પૂજા કરવામાં આવે છે.
તુંગનાથ મંદિરનો ભવ્યાતિભવ્ય ઇતિહાસ
ભગવાન શંકરના આ અતિ પ્રાચીન મંદિરનું નિર્માણ પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. મહાભારતમાં થયેલા યુદ્ધ બાદ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે પાંડવોએ ભગવાન શિવનું મંદિર બનાવ્યું હતું. આ મંદિર વિશે એવી માન્યતા પણ છે કે મહાભારતના ભીષણ યુદ્ધમાં બ્રાહ્મણોની કરેલી હત્યાથી મુક્તિ મેળવવા માટે પાંડવોએ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો નિર્ણય લીધો હતો. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પાંડવોએ અથાગ મહેનત કરી હતી. પાંડવો ભગવાન શંકરને પામવા કાશીથી લઇને કેદારનાથ સુધી ગયા હતા, પરંતુ તેમને ભગવાન શિવ ક્યાંય મળ્યા નહીં. એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે ભગવાન શિવ પાંડવોથી ખૂબ જ ક્રોધિત થયા હતા. તેથી પાંડવોથી છૂપા રહેવા માટે તેમણે બળદનું રૂપ ધારણ કર્યું અને ધરતીમાં સમાવવા લાગ્યા અને અચાનક જ બળવાન ભીમની નજર તેમના પર પડે છે અને બળદની પૂંછડી ખેંચવા લાગે છે. આ સમયે બળદના બે પગ ત્યાં જ રહી જાય છે જ્યારે અન્ય ચાર ભાગ અન્ય સ્થળ પર નીકળે છે જેને ઉત્તરાખંડના પાંચ કેદારોના નામથી ઓળખવામાં આવે છે.
પાંડવોને ભગવાન શંકરે પાપમુક્ત કર્યાં
ભગવાન શિવનો પાછળનો ભાગ આજે કેદારનાથના રૂપમાં કેદારપુરીમાં બિરાજમાન છે. મુખ રુદ્રનાથ, નાભિ મહેશ્વર અને જટાઓ કલ્પેશ્વર મહાદેવમાં ભગવાન શિવના રૂપની પૂજા કરવામાં આવે છે. ઉત્તરાખંડનાં પાંચ શિવમંદિરોમાં પાંડવો દ્વારા ભગવાન શિવને સમર્પિત આ મંદિરોનું નિર્માણ આજથી ઘણાં હજારો વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું એવી ધાર્મિક માન્યતાઓ છે. પાંડવો દ્વારા અહીં વિધિવત્ શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યાં છે. પાંડવો દ્વારા શિવલિંગ પ્રત્યેની ભક્તિ અને પ્રેમ જોઈને ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને પાંડવોને પાપમુક્ત કરે છે.
શાલિગ્રામ પથ્થરનું શિવલિંગ
આજે પણ તુંગનાથ મંદિરની પૌરાણિકતા સ્પષ્ટ રીતે જોવા મળે છે. તુંગનાથ મંદિરનું નિર્માણ કરવામાં ખૂબ જ મોટામોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં જે શિવલિંગ જોવા મળે છે તે શાલિગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરના પ્રમુખ દ્વારની સામેના મંદિરની તરફ નંદી બિરાજમાન છે. મંદિરની અંદર ભગવાન કાળભૈરવ, મહર્ષિ વ્યાસ અને અષ્ટ ધાતુથી બનાવેલી કેટલીક મૂર્તિઓ પણ છે. તુંગનાથ મંદિરની બાજુમાં એક નાનું મંદિર પણ આવેલું છે જેની અંદર ભગવાન શ્રીગણેશની મૂર્તિ બિરાજમાન છે. વધુમાં અહીં મંદિરની આજુબાજુમાં જ નાનાંનાનાં પંચ મંદિરો પણ આવેલાં છે. ભક્તજનો આ તમામ મંદિરોમાં પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવે છે. ચારેય તરફ બરફથી ઢંકાયેલા પર્વતને ઓળંગતા આ શિવ મંદિરમાં પહોંચીને અનુપમ શાંતિ અને અલૌકિક ભક્તિનો અનુભવ થાય છે.
તુંગનાથ મંદિર ક્યારે ખૂલે છે?
ભગવાન તુંગનાથનું મંદિર માર્ચ-એપ્રિલ મહિનામાં તીર્થ યાત્રાળુઓ માટે ખોલવામાં આવે છે અને દિવાળી સુધી ખુલ્લું રાખવામાં આવે છે. દિવાળીનો તહેવાર પૂરો થયા બાદ મંદિરના કપાટ શિયાળામાં બંધ કરી દેવામાં આવે છે અને અહીંયાંની મુખ્ય મૂર્તિને મક્કુમઠ મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે. ભગવાન તુંગનાથના મંદિરમાં પૂજાપાઠનો સમય સવારના 6 વાગ્યાથી લઇને સાંજના 7 વાગ્યા સુધીનો હોય છે. આ સમય દરમિયાન શ્રદ્ધાળુઓ ભગવાન શિવનાં દર્શન કરી શકે છે.
તુંગનાથ મંદિર પાસેની ચંદ્રશિલા પહાડીનું મહત્ત્વ
ભગવાન તુંગનાથનાં દર્શન કર્યા બાદ અને પાસે આવેલી ચોપતા ખીણ જોયા બાદ અહીં શ્રદ્ધાળુઓ મંદિરથી અંદાજે 2 કિમી. દૂર આવેલી ચંદ્રશિલા પહાડી તરફ ચોક્કસ જાય છે. આ પહાડીને લઇને એક ધાર્મિક માન્યતા એવી છે કે ભગવાન શ્રી રામે રાવણના વધ બાદ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માટે અહીં કઠોર તપ કર્યું હતું અને ભગવાન શિવથી ક્ષમા માંગી હતી. આ પહાડી પર એક નાનું મંદિર પણ આવેલું છે. અહીંથી હિમાલયની ટેકરીઓ પણ જોઈ શકાય છે.
કેવી રીતે પહોંચશો?
સૌથી પહેલાં તમારે ઋષિકેશ આવવું પડે છે અને અહીં આવવા માટે તમે બસ કે ટ્રેન અથવા તો અન્ય વાહનોનો ઉપયોગ કરી શકો છો. જો તમે હવાઈમાર્ગ દ્વારા આવવા માંગતા હો તો નજીકનું એરપોર્ટ જોલીગ્રાન્ટ છે, જે દહેરાદૂનમાં છે અહીંથી તમે ઋષિકેશ માટે ટેક્સી કે બસ લઈ શકો છો. જો આપ ટ્રેન દ્વારા અહીં આવવા માંગતા હો તો તમારે ઋષિકેશ સુધી આવવું પડે છે. ઋષિકેશથી તમને અન્ય બસો મળી જાય છે.