પાકિસ્તાન વિરૂદ્ધ ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને સમર્થન આપવા બદલ તુર્કીનો બહિષ્કાર તમામ ભારતીયો કરી રહ્યા છે. જામિયા, જેએનયુ અને એલપીયુ બાદ હવે દેશની અન્ય યુનિવર્સિટીઓ પણ તુર્કીની શૈક્ષણિક સંસ્થાઓ સાથે શૈક્ષણિક સંબંધોનો અંત લાવી રહી છે. તાજેતરમાં, નોઈડાની શારદા યુનિવર્સિટી અને ચંદીગઢ યુનિવર્સિટીએ પણ સમજૂતી કરાર (MoU) તોડ્યો છે.
અનેક સંસ્થાઓએ તુર્કી સાથે શૈક્ષણિક સંબંધોનો અંત લાવી દીધો
શારદા યુનિવર્સિટીએ તુર્કીની 2 યુનિવર્સિટીઓ, ઈસ્તંબુલ આયદિન યુનિવર્સિટી અને હસન કાલ્યોન્કુ યુનિવર્સિટી સાથેના તેના શૈક્ષણિક સમજૂતી કરાર રદ કર્યા છે. આ દરમિયાન ચંદીગઢ યુનિવર્સિટીએ તુર્કી અને અઝરબૈજાનની 23 યુનિવર્સિટીઓ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. આ નિર્ણય ભારત અને તુર્કી વચ્ચે વધતા તણાવ અને ઓપરેશન સિંદૂર પછી તુર્કી વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી બહિષ્કાર અભિયાન વચ્ચે લેવામાં આવ્યો છે. અગાઉ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU), જામિયા મિલિયા ઈસ્લામિયા અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) જેવી સંસ્થાઓએ તુર્કી સાથે શૈક્ષણિક સંબંધોનો અંત લાવી દીધો છે.
ભારતમાં તુર્કીનો સતત બહિષ્કાર
શારદા યુનિવર્સિટીના પ્રવક્તાના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે તુર્કીથી ઘણા વિદ્યાર્થીઓ શારદા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવતા હતા અને આ એમઓયુ હેઠળ વિદ્યાર્થી-શિક્ષક વિનિમય કાર્યક્રમો, સંયુક્ત સંશોધન અને સાંસ્કૃતિક સહયોગને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. જોકે, પાકિસ્તાનને સમર્થન અને ઓપરેશન સિંદૂરની નિંદા બાદ ભારતમાં તુર્કીનો સતત બહિષ્કાર થઈ રહ્યો છે. આ સિવાય દેશભરમાં તુર્કીના માલ, પર્યટન અને શૈક્ષણિક સહયોગ સામે બહિષ્કારનો માહોલ જોવા મળ્યો છે.
2.84 ડોલર બિલિયનના વેપારને થશે અસર
શારદા યુનિવર્સિટીનું આ પગલું વેપાર સંગઠનો, પર્યટન સંસ્થાઓ અને સામાજિક મંચો દ્વારા સમર્થિત અભિયાનનો એક ભાગ છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ તુર્કી અને અઝરબૈજાન સાથેના તમામ વેપાર સંબંધો સમાપ્ત કરવાની હાકલ કરી છે અને 125થી વધુ વેપારી નેતાઓ બહિષ્કારમાં જોડાયા છે. આ પગલાની માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં, પરંતુ ભારત-તુર્કી સંબંધો પર પણ ઊંડી અસર પડી શકે છે. નિષ્ણાતોના મત મુજબ આ બહિષ્કાર ઝુંબેશથી ભારતના તુર્કી સાથેના $2.84 બિલિયનના વેપારને અસર થશે.