- ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ
- મૃતકો અને ઈજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
- તુર્કીની એક રૅસ્ટોરન્ટમાં પ્રચંડ વિસ્ફોટને લીધે ભારે જાનહાનિ સામે આવી
તુર્કીમાં ભીષણ વિસ્ફોટ થવાથી પાંચ લોકોનાં મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. જ્યારે 63 લોકો ઈજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસડવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યા હજી વધવાની આશંકા છે. ઈજાગ્રસ્તોમાં ઘણા લોકોની સ્થિતિ ગંભીર દર્શાવવામાં આવી રહી છે. આ ઘટના તુર્કીના પશ્ચિમ શહેર ઈઝમીરમાં બની હતી. જ્યાં એક રૅસ્ટોરન્ટમાં આવેલી ટેન્કમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનાને લીધે તાત્કાલિક પાંચ લોકોનાં મોત થયા હતા. જ્યારે 60થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. જો કે ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
રૅસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ વિસ્ફોટ કેદ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રોડને પણ ખરાબ રીતે નુકસાન થયું હતું અને જોરદાર વિસ્ફોટના અવાજથી આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. જો કે, નજીકની ઈમારતોને માત્ર સામાન્ય નુકસાન થયું છે. તુર્કીના ગૃહપ્રધાન અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ડઝનેક બચાવકર્મીઓને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ઈઝમિરના ગવર્નરે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તોમાંથી 40 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. બાકીની સારવાર ચાલી રહી છે. રાહત અને બચાવ કામગીરી માટે ટીમ સ્થળ પર હાજર છે.
કસ્ટડીમાં એક શંકાસ્પદ
ટાંકીમાં અચાનક વિસ્ફોટ થતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાના સંબંધમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.


