- હૃદયનો જે ધર્મ છે એને જ્યારે હાનિ અને ગ્લાનિ જેવી કંઈક મુશ્કેલીઓ પડે કે નળીઓ સંકોચાઈ જાય, બ્લોક થઈ જાય તો એનો ઈલાજ કોણ કરશે?
`માનસ-ધર્મ’, જેને આપણે હૃદયનો ધર્મ ગણ્યો છે. હવે હૃદય હોય તો રોગ પણ હોય. કોઈનું હૃદય સંકડાય છે, કોઈનું પહોળું થઈ જાય છે; કોઈને લોહી પહોંચતું નથી; નળીઓ બંધ થઈ જાય છે. જે જે કંઈ હૃદયના રોગ છે. એમ હૃદયનો ધર્મ, એને પણ બે રોગ થાય છે; અને એ બે રોગનાં નામ `રામાયણ’માં લખ્યાં છે. એક તો ધર્મને હાનિ થાય એ એક રોગ છે અને બીજો રોગ જે `ગીતા’માં લખ્યો છે, જેનું તુલસીએ ટ્રાન્સલેશન કર્યું છે `રામચરિત માનસ’માં, એ છે ધર્મને ગ્લાનિ થાય. આ બે હૃદયના રોગ છે.
ધર્મરૂપી મનોરોગને, હૃદયરોગને આ બે બીમારી છે કે ક્યારેક ધર્મને હાનિ થાય. ધર્મનો નાશ નથી થતો. આ હાર્ટનો નાશ પણ થાય, પરંતુ જેને આપણે ધર્મ કહીએ છીએ એનો નાશ તો નથી જ થતો, પણ એને હાનિ જરૂર થાય છે. અને બીજો `ગીતા’નો શબ્દ, `યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત.’ એને ગ્લાનિ થાય. આ એના રોગ છે. ધર્મને હાનિ ક્યારે પહોંચે? એનાં બે-ત્રણ કારણો હું તમારી સાથે સંવાદના રૂપમાં કહીશ. ધર્મના અંચળા પહેરીને જ્યારે દંભ પોષાય ત્યારે ધર્મને હાનિ થાય. ધર્મનો નાશ તો થશે જ નહીં; કારણ કે આપની શુભકામનાથી, મારા ગુરુની કૃપાથી ચાલતી આ રામકથા પંચાવન વર્ષથી હું બોલી રહ્યો છું, એમાં જે ધર્મના નિચોડ રૂપે મારા માટે જે મેં વિચાર્યું છે એ તો સત્ય, પ્રેમ અને કરુણા છે. સત્યનો નાશ થાય? ન જ થાય. સૂર્ય જતો રહેશે. વિજ્ઞાન કહે અરબો, ખરબો વરસ પછી આ સૂરજ નહીં હોય; પણ ધર્મ સનાતન અને શાશ્ચત છે; અને સત્ય જો ધર્મ છે, તો એનો નાશ ન થાય, પણ સત્યને થોડોક ક્યારેક ઘસારો થાય છે. સત્યમાં આપણે જ્યારે રમત કરીએ છીએ, ખેલ કરીએ છીએ! સત્ય બૌદ્ધિક ન હોવું જોઈએ, સત્ય હાર્દિક હોવું જોઈએ. બૌદ્ધિક સત્યમાં આપણે રમત કરીએ છીએ! હરિશ્ચંદ્રનું સત્ય બૌદ્ધિક નથી, એનું હાર્દિક સત્ય છે.
જ્યારે આપણે દંભ કરીએ છીએ ત્યારે ધર્મને હાનિ થાય છે. બીજું, ધર્મને હાનિ ક્યારે થાય? જ્યારે ધર્મના નામે વ્યક્તિથી લઈને સમગ્ર વિશ્વનું પોષણ થવું જોઈએ એને બદલે શોષણ શરૂ થાય, એ વખતે ધર્મની ધજા ફરકતી નથી, ફફડતી હોય છે કે અમારા નામે શું શું થાય છે! તો, એક તો દંભ; બીજું, સમાજના પોષણને બદલે શોષણ. ત્રીજું, આપણે આપણા મનઘટિત, આપણા બનાવેલા નેટવર્ક પ્રમાણે આપણે જે નવાનવા પંથને ધર્મનું નામ આપી દઈએ છીએ, એ ત્રીજી ધર્મની હાનિ છે.
સનાતન મૂલ્યો છે જે સત્ય, પ્રેમ, કરુણા અને હું હંમેશાં કહું છું, સત્ય આપણા માટે હોવું જોઈએ. બીજો બોલે કે ન બોલે, હું કેટલી માત્રામાં સત્ય બોલું છું? સત્ય વ્યક્તિગત મારા માટે હોવું જોઈએ. પ્રેમ બીજા માટે હોવો જોઈએ, પરસ્પર હોવો જોઈએ અને કરુણા આખા જગત માટે હોવી જોઈએ. આ સત્ય, પ્રેમ, કરુણાનું મારું ગણિત છે. આ દેશને ધર્મના નામે આટલા તોડવાની જરૂર છે? સત્ય, પ્રેમ, કરુણા પર્યાપ્ત નથી? પણ મારે કંઈક ચાલુ કરવું છે, બીજાને બીજાનું ચાલુ કરવું છે અને પછી બે ગ્રૂપો પાછાં સ્પર્ધા કરે છે! એટલે શ્રદ્ધા ત્યાંથી વૈકુંઠમાં વહી જાય! પછી શ્રદ્ધા રહેતી નથી, સ્પર્ધા થાય છે. આપણે ત્યાં ધર્મ માટે સૂત્ર છે, ગગન સિદ્ધાંત. ધર્મનો સિદ્ધાંત આકાશ જેવો હોવો જોઈએ. આનાથી પછી વધુ વિશાળતા ધર્મની કઈ હોઈ શકે? અને મારી વ્યાસપીઠની એ મથામણ છે; અને તમે પણ સાથે જોડાયા છો, એનો મને આનંદ છે કે આ બધું એક રહે. એટલે મારી વ્યાસપીઠ અલી મૌલાનું કીર્તન પણ કરાવે છે. મને મુશ્કેલી નહીં નડતી હોય? હું વ્યાસપીઠ ઉપરથી `અલી મૌલા, અલી મૌલા’, ઈસ્લામને યાદ કરીને એને સંકીર્તનનું રૂપ આપું છું, ત્યારે મને તકલીફ નહીં થતી હોય? મારા દેશનો ઋષિ જે કરતો’તો એ કરવા બેઠો છું.
ગગન સિદ્ધાંત, વ્યાસનું સૂત્ર છે આ; એટલે આપણે વ્યાસને કહીએ છીએ, `નમોસ્તુતે વ્યાસ વિશાલબુદ્ધે.’ બધા વર્ગશિક્ષક પોતપોતાના ક્લાસમાં જુદા હોય છે, રિસેસમાં બધા સાથે હોય છે. જિસસ, બુદ્ધ, મહાવીર, આ બધા મહાપુરુષોમાં કોઈકે ભક્તિનો ક્લાસ લીધો, કોઈએ જ્ઞાનનો લીધો, કોઈએ કર્મનો લીધો, પણ જ્યારે રિસેસ પડે છે ત્યારે બધા એક સાથે જ રહે છે. કારણ વગરના આપણે દુ:ખી થઈએ છીએ! તમે વેદમંત્રનો શું અર્થ કરો? `સંગચ્છધ્વં’, આનો અર્થ શું કરો? પણ બધું ચીકણું કરી નાખ્યું! કથાનો મારો હેતુ છે, આ બહાને રાષ્ટ્ર એક રહે.
તો, જ્યારે હું ને તમે દંભ કરીએ છીએ; પોષણની જગ્યાએ શોષણ કરીએ છીએ, આપણા બનાવેલા થોડા સ્વાર્થ માટે નાના-મોટા, જુદા જુદા ધર્મના નામે જે કંઈ સંકીર્ણતા નિર્મિત કરીએ છીએ, ત્યારે ધર્મને હાનિ થાય છે અને આ હૃદયરૂપી ધર્મનો રોગ છે. બાપ, ધર્મની હાનિનું મારી વ્યાસપીઠની દૃષ્ટિએ ત્રીજું કારણ છે, ખાબોચિયાંને દરિયો કહેવાનાં ગોઠવાતાં નેટવર્કો! ધર્મ શાશ્વત છે. ધર્મ એક જ હોય. ઓશો તો એમ કહે, `એક’ શબ્દ પણ કાઢી નાખો, કેમ કે એક આવે એટલે બીજો સામે આવીને ઊભો જ રહેવાનો! આ એક વિશેષણમુક્ત ધર્મ હોવો જોઈએ.
આ ગ્લાનિ એ રોગ છે. ધર્મની ગ્લાનિ પણ ત્રણ રીતે થાય. એક, ધર્મનો મૂળ અર્થ હોય એને આપણે આપણા સ્વાર્થ માટે બદલી નાખીએ, એ ધર્મની ગ્લાનિનું પહેલું લક્ષણ. આપણા બધા જ પવિત્ર ધર્મના અર્થો આપણે આપણી રીતે બદલી નાખ્યા છે! એ ધર્મની ગ્લાનિ છે. એમાં સનાતન વૈદિક ધર્મની આપણી જે આદિ-અનાદિ પરંપરા છે, એની ઉદારતા આખું વિશ્વ જાણે છે, પરંતુ અમુક જગ્યાએ એવું પણ દેખાય કે ધર્મનો જે મૂળ મેસેન્જર હતો એને આપણે આપણા હેતુ માટે બદલી નાખીએ છીએ! એ ધર્મની પહેલી ગ્લાનિ છે વ્યાસપીઠની દૃષ્ટિએ.
ધર્મની બીજી ગ્લાનિ, પોતાના કરતાં બીજાને હીન ગણવા, આ ધર્મની બીજી ગ્લાનિ છે. ધર્મ શાશ્વત છે, પણ ઇતિહાસવિદો પાસેથી અર્થો પામવાની આપણે કોશિશ કરીએ તો કોઈ કોઈ ધર્મને હજારો વર્ષ થયાં, કોઈને થોડાં વર્ષ; સારું સૂત્ર છે કે બધા ધર્મ સમાન છે. સત્ય, પ્રેમ, કરુણા એ બધા જ ધર્મનાં સમાન સૂત્ર છે જ; એના અર્થો નહીં બદલવા જોઈએ. ગાંધીજીએ કહ્યું, સર્વ ધર્મ સરખા ગણવા. આ ઉત્તમ વિચાર છે, પણ એક બીજો શબ્દ પણ વાપરવો રહ્યો, બધા ધર્મને સન્માન આપો. કોઈ હીન નથી. વિચારધારા ભિન્ન હોઈ શકે. એ સૌ સૌની સ્વતંત્રતા છે.
ધર્મને હૃદયનો ધર્મ જ્યારે આપણે કહી રહ્યા છીએ ત્યારે હાનિ અને ગ્લાનિ એ હૃદયની બીમારી છે. હૃદયનો જે ધર્મ છે એને જ્યારે હાનિ અને ગ્લાનિ જેવી કંઈક મુશ્કેલીઓ પડે કે નળીઓ સંકોચાઈ જાય, બ્લોક થઈ જાય તો એનો ઈલાજ કોણ કરશે? ત્યારે તુલસીએ કહ્યું, એ વખતે જરૂર પડશે સમાજને કોઈ કબીરની, કોઈ નાનકની, કોઈ બુદ્ધની, કોઈ મહાવીરની. આ બુદ્ધે અંગુલિમાલ જેવાના હૃદયનું ઓપરેશન કર્યું કે જે માણસ મારમાર કરતો આવે એ `બુદ્ધં શરણં ગચ્છામિ’ કરતો જતો રહે! ગુરુ નાનકદેવ ગાઈને આ કામ કરતા હતા. ગુરુ બાયપાસ નથી કરતો, એ ડાયરેક્ટ સર્જરી કરી નાખે; એની વિરક્તિનું રક્ત આપણામાં ચઢાવી આપણને પાછાં ધબકતાં કરે. જગદગુરુ આદિ શંકરાચાર્ય, નાનક, કબીર આ બધા અધ્યાત્મજગતના પુરુષોએ, વૈદોએ કેવાં હૃદયનાં ઓપરેશન કર્યાં! કેવા હૃદયના ધર્મો નિભાવ્યા! ધર્મનો નાશ નથી થતો, તો પછી કૃષ્ણ શું કામ એવું બોલે છે, `હું ધર્મની સ્થાપના કરવા આવ્યો છું.’ ધર્મ શાશ્વત છે, એને સ્થાપવો શું? એને સ્થાપવો નહોતો, એને ધર્મની હાનિ અને ગ્લાનિને લીધે જે નળીઓ બ્લોક થઈ ગઈ હતી, એ સુધારી અને હૃદયનો ધર્મ સ્થાપિત કરવો હતો, હૃદયના ધર્મની સ્થાપના કરવી હતી. એકવીસમી સદીને જરૂર છે હૃદયધર્મની.