જૈન ધર્મના તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ ઈ.સ.પૂર્વે 599માં કુંડલપુર વૈશાલી (બિહાર)ના ક્ષત્રિય પરિવારમાં પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાને ત્યાં ચૈત્ર સુદ તેરસે ત્રીજા સંતાન રૂપે જન્મ લીધો હતો. તેમનાં માતા-પિતા જૈન ધર્મના 23મા તીર્થંકર પાર્શ્વનાથ કે જેઓ મહાવીર સ્વામીથી 250 વર્ષ પહેલાં થઈ ગયા તેમના અનુયાયી હતાં. તેમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું હતું. જ્યારે વર્ધમાન શિશુ અવસ્થામાં હતા ત્યારે ઈન્દ્ર અને દેવતાઓએ તેમને સુમેરુ પર્વત પર લઈ જઈને પ્રભુનો જન્મકલ્યાણક મનાવ્યો હતો.
વર્ધમાનનું બાળપણ રાજમહેલમાં વીત્યું હતું. યુવાવસ્થામાં યશોદા નામની એક રાજકુંવરી સાથે તેમના વિવાહ થયા. પ્રિયદર્શના નામની એક પુત્રી પણ થઈ. વર્ધમાન 28 વર્ષના હતા ત્યારે જ તેમનાં માતા-પિતાનો દેહાંત થઈ ગયો હતો. મોટા ભાઈ નંદીવર્ધનના આગ્રહને કારણે વર્ધમાન બે વર્ષ સુધી ઘરમાં રહ્યા, પરંતુ 30 વર્ષની ઉંમરે તેમણે માગશર વદ દસમના દિવસે દીક્ષા ગ્રહણ કરી. વર્ધમાને 42 વર્ષની અવસ્થામાં ઝૂભિકા નામના ગામમાં ઋજુકુલા નદીના કિનારે ઘોર તપસ્યા કરી. ઘણી લાંબી તપસ્યાના અંતે મનોહર વનમાં સાલના વૃક્ષ નીચે વૈશાખ સુદ દસમની પાવન તિથિમાં તેમને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારબાદ તેઓ વર્ધમાનમાંથી મહાવીર બન્યા. ભગવાન મહાવીરે આ અવધિમાં તપ, સંયમ અને સામ્યભાવની સાધના કરી અને પંચ મહાવ્રતરૂપી ધર્મ ચલાવ્યો. તેમને એ વાતનો અનુભવ થઈ ગયો હતો કે ઈન્દ્રિયો એટલે કે વિષય-વાસનાઓનું સુખ બીજાને દુ:ખ પહોંચાડીને જ મેળવી શકાય છે, તેથી તેમણે સૌની સાથે પ્રેમનો વ્યવહાર કરતાં-કરતાં દુનિયાભરને અહિંસાનો પાઠ ભણાવ્યો.
સમગ્ર વિશ્વને અધ્યાત્મનો પાઠ ભણાવનારા ભગવાન મહાવીરે 72 વર્ષની ઉંમરે આસો વદ અમાસની રાત્રિએ પાવાપુરી નગરીમાં મોક્ષ મેળવ્યો. ભગવાન મહાવીરના નિર્વાણ સમયે ઉપસ્થિત અઢાર રાજાઓએ રત્નોના પ્રકાશથી તે રાત્રિને અજવાળી ભગવાન મહાવીરનો નિર્વાણોત્સવ મનાવ્યો. આ દિવસ ભારતભરમાં દર વર્ષે દિવાળી તરીકે દીવાઓ પ્રગટાવીને મનાવવામાં આવે છે. ભગવાન મહાવીરને વર્ધમાન, વીર, અતિ વીર અને સન્મતિ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.
જૈન શ્રદ્ધાળુઓ ભગવાન મહાવીરની જન્મતિથિને પરંપરાગત રીતે હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભક્તિપૂર્વક મનાવે છે. શ્રદ્ધાળુઓ તેમની મૂર્તિ પર અભિષેક કરે છે અને ફળ, ચોખા, જળ, સુગંધિત દ્રવ્ય વગેરે અર્પણ કરે છે. જૈન ધર્મીઓનું માનવું છે કે વર્ધમાને કઠોર તપસ્યા દ્વારા ઈન્દ્રિયો પર વિજય મેળવી લીધો હતો, તેને કારણે જ તેમને મહાવીર કહેવામાં આવ્યા.
મહાવીરનાં અમૃતવચન
સંસારમાં બધાં જ પ્રાણી એકસમાન છે, કોઈ પ્રાણી નાનું કે મોટું નથી.
બધાં જ પ્રાણીઓ પોતાના આત્માના સ્વરૂપને ઓળખીને સ્વયં ભગવાન બની શકે છે.
જો સંસારનાં દુ:ખો, રોગો, જન્મ-મૃત્યુ, ભૂખ-તરસ વગેરેથી બચવા માંગતા હો તો પોતાના આત્માને ઓળખી લો. દુ:ખોથી બચવાનો આ એક જ ઈલાજ છે.
સંસારના દરેક પ્રાણી મૃત્યુથી ડરે છે, જે રીતે આપણે જીવવા માંગીએ છીએ તે જ રીતે સંસારનાં બધાં જ પ્રાણીઓ જીવવા માંગે છે, તેથી `સ્વયં જીવો અને બીજાને જીવવા દો.’
બીજાની સાથે એવો વ્યવહાર ક્યારેય ન કરો જે આપણને પણ ન ગમતો હોય.