– સોયાતેલની સરખામણીએ સનફલાવર તેલના ભાવ નીચા હોતાં સનફલાવર તેલમાં ૫થી ૨૫ ડિસેમ્બરની ડિલીવરીમાં નોંધપાત્ર વેપાર થયા
Updated: Nov 14th, 2023
મુંબઇ : મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે ખાસ વેપારો ન હતા. મલેશિયાના પામતેલના બજારો આજે બંધ રહ્યા હતા. મુંબઈ બજારમાં મુહૂર્તના વેપારો રવિવારે ખાસ કરીને સનફલાવર તેલના વિશેષ થયા હતા. આજે બજારમાં હોલીડે મુડ જેવી સ્થિતિ જોવા મળી હતી. આજે મલેશિયા બંધ હતું. અમેરિકાના સોયાતેલ બજારો પ્રોજેકશનમાં ખુલ્લા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ આયાતી પામતેલના રૂ.૮૩૭થી ૮૩૮ બોલાઈ રહ્યા હતા.
નવા વર્ષ માટેના મુહૂર્ત ટ્રેડીંગમાં આ વખતે સનફલાવર તેલમાં આશરે બેથી અઢી હજાર ટનના વેપારો થયા હતા તથા આ વેપારો રૂ.૯૪૫.૨૫ના મથાળે થયા હતા. સોયાતેલના ભાવ ઉંચા હોતાં તથા સરખામણીએ સનફલાવર તેલના ભાવ નીચા હોતાં સનફલાવર તેલમાં મુહૂર્ત ટ્રેડીંગમાં આ વખતે વિશેષ વેપારો થયા હતા, એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
પાંચ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બરની ડિલીવરી માટે આ વેપારો થયા હતા. ત્યારબાદ ભાવ રૂ.૯૫૧.૨૫ બોલાઈ રહ્યા હતા. આયાતી પામતેલમાં મુહૂર્તમાં રિફાઈનરીઓના ડાયરેક્ટ ડિલીવરીના વેપારો ધીમા હતા જ્યારે હવાલા રિસેલમાં રૂ.૮૩૫થી ૮૪૦માં વેપારો થયા હતા. પામતેલમાં ૧૦૦૦થી ૧૫૦૦ ટનના વેપાર બતાવાઈ રહ્યા હતા.
દરમિયાન, મુહૂર્તના વેપારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૫૬૦ તથા સોયાતેલના રિફાઈન્ડના રૂ.૯૫૦ રહ્યા હતા. સનફલાવરના ભાવ કાચાના રૂ.૮૮૦ તથા રિફાઈન્ડના રૂ.૯૪૫ રહ્યા હતા. પામતેલના મુહૂર્ત ભાવ રૂ.૮૩૬ રહ્યા હતા. સનફલાવર કાચા તેલનો વાયદો શરૂ થયાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી.
મુંબઈ મસ્ટર્ડ- સરસવ તેલના ભાવ રૂ.૧૦૪૫ તથા રિફાઈન્ડના રૂ.૧૦૭૫ રહ્યા હતા જ્યારે સોયાતેલ ડિગમના ભાવ રૂ.૮૭૫ રહ્યા હતા. રાજકોટના ભાવ સિંગતેલના રૂ.૧૫૫૧ તથા કોટન વોશ્ડના રૂ.૮૭૫ રહ્યા હતા. ભારતમાં ૨૦૨૨- ૨૩ના તેલ વર્ષમાં પામતેલની આયાત ૨૩થી ૨૪ ટકા વધી ૯૭.૮૦ લાખ ટન થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દેશમાં ઓક્ટોબર અંતે તેલ વર્ષ પૂરું થયું છે તથા આ ગાળામાં સોયાતેલની આયાત ૩૧ ટકા ઘટી ૩૬.૮૦ લાખ ટન થઈ હતી, જે પાછલા તેલ વર્ષમાં ૪૧.૭૦ લાખ ટન થઈ હતી. અમેરિકાના કૃષી બજારમાં આજે પ્રોજેકશનમાં ભાવ સોયાતેલના માઈનસમાં રહ્યા હતા જ્યારે સોયાબીન તથા સોયાખોળના ભાવ પ્લસમાં રહ્યાના નિર્દેશો હતા.
દરમિયાન, વિશ્વબજારના સમાચાર મુજબ બ્રાઝીલમાં સૂકા હવામાનના પગલે સોયાબીનના વાવેતરમાં વિલંબના નિર્દેશો હતા. મલેશિયામાં ઓક્ટોબરના અંતે પામતેલનો સ્ટોક વધી ચાર વર્ષની ટોચે પહોંચ્યો હતો.