ભારતીય નેવીની બે મહિલા અધિકારીઓ, લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ. અને લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે. એ દુનિયાની દરિયાઈ પરિક્રમા પૂરી કરી લીધી છે. તેમણે નેવીની સેલિંગ બોટ INSV તારિણી પર માત્ર સેલ અને પવનની મદદથી આ પરિક્રમા પૂરી કરી છે. આ યાત્રા 02 ઓક્ટોબર 2024ના રોજ ગોવાથી શરૂ થઈ હતી. ત્યારે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના આગમન પર તેમનું સન્માન કર્યું છે.
તમારી સાથે સમગ્ર દેશની સિદ્ધિ: રાજનાથ સિંહ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગોવાના મોર્મુગાઓ પોર્ટ ખાતે એક ખાસ સમારોહમાં તેમનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું, ‘આ ઐતિહાસિક સિદ્ધિ માટે હું તમને બંનેને અભિનંદન આપું છું. તમે જે કરિશ્માઈ કામ કર્યું છે તે તમારી સાથે સમગ્ર દેશની સિદ્ધિ છે.’ આ મુસાફરીનો હેતુ દુનિયાને બતાવવાનો હતો કે ભારત સમુદ્રમાં કેટલું સક્ષમ છે. આપણી મહિલાઓ કોઈપણ પડકારનો સામનો કરી શકે છે. આ મિશનનું સૂત્ર હતું: ‘સાહસી દિલ, અસીમ સમંદર’.
શું-શું કર્યુ આ મહિલા અધિકારીઓએ?
- તેઓએ 8 મહિનામાં લગભગ 50,000 કિલોમીટરનો દરિયાઈ રસ્તો કાપ્યો.
- 4 મહાદ્વીપ, 3 મહાસાગરો અને 3 ખતરનાક દરિયાઈ રસ્તાઓ પાર કર્યા.
- ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફોકલેન્ડ ટાપુઓ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં રોકાયા.
- વિદેશી સાંસદો, શાળાના બાળકો, ભારતીય ઈમિગ્રન્ટ્સ અને નૌકાદળના કેડેટ્સને મળ્યા.
- ઓસ્ટ્રેલિયન સંસદમાં બંને મહિલા અધિકારીઓને વિશેષ સન્માન મળ્યું.
કયા પડકારોનો સામનો કર્યો?
- ઘણી વખત 93 કિમી/કલાકની ઝડપે પવન અને તોફાનનો સામનો કર્યો.
- ખૂબ જ ઠંડા વિસ્તારોમાંથી પસાર થયા.
- 3 ચક્રવાત, ખતરનાક ડ્રેક પેસેજ અને કેપ હોર્ન પાર કર્યા.
- એ સાબિત કર્યું કે ભારતીય મહિલાઓ સૌથી મુશ્કેલ દરિયાઈ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે.