કાર ભાડે આપનાર સાથે ૧.૯૬ લાખની છેતરપીંડી, નવી કાર બુક કરાવનાર સાથે રૂ.૫૧ હજારની ગોલમાલ
રાજકોટમાં કાર ભાડે આપનાર શખ્સ સાથે તથા કાર વેચાણના નામે બુકીંગના પૈસા લઇ છેતરપીંડીના બે અલગ-અલગ બનાવની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસે આ બંને ગુનાઓમાં વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જંગલેશ્વરની નિલમ પાર્ક સોસાયટીમાં રહેતાં સાહીલ સૈયદે (ઉ.વ.૩૫) નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, દેવપરા મેઈન રોડ પર તેની પાનની દૂકાન છે. આ ઉપરાંત ડ્રાઈવીંગ પણ કરે છે. પોતાની ઈનોવા ભાડે આપવાનું પણ કામ કરે છે. બનેવી સમીર શેખનાં કહેવાથી આરોપીને સાત આઠ દિવસ માટે કાર ભાડે આપી હતી. ત્યારબાદ આરોપીએ કાર ખરીદવાની વાત કરી હતી. પરંતુ કાર ખરીદી ન હતી. એટલું જ નહીં પોલીસમાં અરજી કરતા કાર ગ્રીનલેન્ડ ચોકડીએ મૂકી જતો રહ્યો હતો. પરંતુ તે કાર લેવા ગયો ન હતો. તેને આરોપી પાસેથી ૧૬૩ દિવસનાં રોજનાં રૂા ૧૨૦૦ લેખે ૧.૯૬ લાખ ભાડાનાં લેવાનાં થાય છે. જે રકમ નહી મળતા પોલીસ કમિશનરને અરજી કરી હતી. પછી આજે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં કાળીપાટ ગામે રહેતા અને નજીકનાં નવા રીંગ રોડ પર હોટલ ધરાવતાં બાબુભાઈ સોંડાભાઈ બોળીયા (ઉ.વ.૩૦) એ એવી ફરિયાદ નોંધાવી છે કે, તેને નવી ઈનોવા કાર ખરીદવી હતી. આ વાત મિત્ર યાજ્ઞિક બારૈયાને કરતા તેણે આરોપી આનંદનો સંપર્ક કરાવી આપ્યો હતો. જેને કાર લેવા માટે ગઈ તા. ૮ ફેબ્રુઆરીએ કોલ કરતાં કહ્યું કે હું ગાંધીનગર છું, તમે રૂા. ૫૧ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરો એટલે હું તમારી ગાડી બુક કરાવી આપું છું. જેથી તેને ઓનલાઈન રૂા. ૫૧ હજાર મોકલી દીધા હતાં. ત્યારબાદ કાર બુક કરાવી દીધી ન હતી. આ ઉપરાંત હવે બરાબર જવાબ આપતો ન હોવાથી હેલ્પ લાઈન પર ફરિયાદ કરી હતી. જેના આધારે આજીડેમ પોલીસે છેતરપીંડીની ફરિયાદ નોંધી હતી.


