- પોલીસે પશુ, મોબાઈલ અને આઈસર ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
- ઘાસચારાની વ્યવસ્થા વગર, ટૂંકા દોરડાથી 9 પશુને બાંધવામાં આવ્યા હતા
- મોબાઈલ સહિત રૂપિયા 4,35,500ની મત્તા સાથે ઝડપી લેવાયા
ચોટીલાના ગૌરક્ષકોને નેશનલ હાઈવે પર હોટેલના મેદાનમાં ક્રુર રીતે પશુઓ ભરેલ આઈસર ટ્રક ધ્યાને આવી હતી. આથી પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસની ટીમ દોડી ગઈ હતી. જેમાં પાસ પરમીટ વગર 8 ભેંસ અને 1 પાડાને લઈ જવાતા હોવાનું ધ્યાને આવતા 2 શખ્સોને પશુઓ, વાહન અને મોબાઈલ સહિત રૂપિયા 4,35,500ની મત્તા સાથે ઝડપી લેવાયા છે.
ચોટીલામાં રહેતા અને અખીલ વિશ્વ ગૌસંવર્ધન પરીષદ, દિલ્હીના પ્રમુખ હરેશભાઈ છનાભાઈ ચૌહાણને ચોટીલા-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલ હોટલ ક્રીષ્નાના મેદાનમાં ઘાસચારાની વ્યવસ્થા વગર, ટુંકા દોરડાથી ક્રુર રીતે બાંધેલ પશુઓ ભરેલ આઈસર માહિતી મળી હતી. આથી તેઓએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. જેમાં ગુરૂવારે વહેલી સવારે 4 કલાકના સુમારે ચોટીલા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને તપાસ કરતા આઈશરમાં 8 ભેંસ કિંમત રૂપીયા 1,20,000 અને 1 પાડો કિંમત રૂપીયા 10 હજારના ધ્યાને આવ્યા હતા. વાહનના ચાલક મોરબી જિલ્લાના ટંકારાના ઈમરાન હબીબભાઈ અબરાણી અને વાંકાનેરના બાબુભાઈ દીલીપભાઈ પરમારને પોલીસે રૂપીયા 1.30 લાખના પશુઓ, રૂપીયા 5500ના 2 મોબાઈલ અને રૂપીયા 3 લાખની આઈશર સહિત કુલ રૂપીયા 4,35,500ની મત્તા સાથે ઝડપી લીધા હતા. આ શખ્સોની પ્રાથમીક તપાસમાં આ પશુઓ વાંકાનેરના મોહસીન કાદરભાઈ કાર્બને ભરી આપ્યા હોવાનું ખુલતા ત્રણેય સામે ચોટીલા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ઘાતકી પણુ અટકાવવાનો અધીનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ વી.એમ.વાઘેલા ચલાવી રહ્યા છે.


