રાજકોટના અગ્નિકાંડ બાદ નિયમોમાં ફેરફાર કરતી રાજય સરકાર : તમામ એકમોની ઓનલાઇન મંજૂરી, સ્થળ તપાસ અને સર્ટીફિકેટ અધિકારીઓ વેબસાઇટમાં જોઇ શકશે
રાજકોટના અગ્નિકાંડ બાદ રાજય સરકાર નિંદ્રામાંથી જાગી હતી અને મનોરંજન સ્થળોએ લેવામાં આવતી મંજૂરીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રોપ-વે, ગેમઝોન, એન્જોયમેન્ટ પાર્ક સહિતના સ્થળોએ સંચાલકોએ હવેથી બે સર્ટીફિકેટ લેવા પડશે. તમામ એકમોની ઓનલાઇન મંજૂરી સ્થળ તપાસ અને સર્ટીફિકેટ સહિતના ડોકયુમેન્ટ અધિકારીઓ વેબસાઇટમાં ઓનલાઇન જોઇ શકશે. અગ્નિકાંડ બાદ મુખ્યમંત્રીએ તાકીદની બેઠક બોલાવી હતી અને નિયમોમાં ફેરફાર કરવા આદેશ આપવામાં આવતા તેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં સર્જાયેલા વિવિધ અકસ્માતના કારણે કેટલાય નિર્દોષ લોકોના ભોગ લેવાયા છે. મોતનો મલાજો માણ્યા પછી અંતે ગુજરાત સરકાર ગેમિંગ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, બોટિંગ અને રોપ વેની મંજૂરી અને આ આર્થિક મનોરંજક વૃતિ નિયમન અને નિયંત્રણ માટે નવી નીતિ તૈયાર કરવા આગળ આવી છે. જેના માટે નવા કાયદાની રચનાને બદલે સરકારે હાલમાં સને 1951ના ગુજરાત પોલીસ એક્ટની કલમ 33 હેઠળ જ નવા નિયમો ઘડવાનુ મન બનાવ્યું છે.જેના માટે સચિવાલયમાં બેઠકોનો દોર શરૂ થયો છે.
હાલના નિયમો
પબ્લિક એમ્યુઝમેન્ટ પાર્ક અથવા એ પ્રકારની કોઈ પણ જગ્યાએ પ્રવેશ માટે ટિકિટ કે પાસનુ વેચાણ નિયંત્રિત કરવું અથવા પ્રતિબંધ ફરમાવવો એવો અધિકાર પોલીસને પોલીસ એક્ટ- 1951ની કલમ 33 (ડબલ્યુ) (10) હેઠળ મળવાપાત્ર છે. તેની રૂએ પોલીસ ફાયર અને ઇજનેરી ચકાસણીના અભિપ્રાયને આધારે મંજૂરી આપે છે.
સરકારે જાહેર કરેલી નવી માર્ગદર્શિકા
જમીનનુ માલિકીપણું, ભાડા કરાર અને જમીન કે મકાનના વપરાશનો પ્રકાર
ફાયર સેફ્ટીની મંજૂરી, સાધનોના સંચાલન માટે ટ્રેનિંગ વાળો સ્ટાફ રાખવો જરૂરી
સ્ટ્રક્ચર ડિઝાઇન માટે સિવિલ, મિકેનિકલ અને ઈલેક્ટ્રિક ઈજનેરોની ટીમ
બાંધકામના સ્ટ્રક્ચરને એક્ટિવિટી અને ફુટફોલને આધારે ઈજનેરની મંજૂરી
કાયમી સ્ટ્રક્ચર અને ટૂંકી મુદ્દતના સ્ટ્રક્ચર માટે અલાયદી વ્યવસ્થા રહેશે
ફાયર સર્ટિફિકેશન માટે વેબસાઈટ બનાવાશે, સપ્તાહમાં એક વાર ચકાસણી
તમામ ગેમિંગ ઈક્વિપમેન્ટની ચકાસણી થશે. મીકેનીકલ ઈજનેરની મંજૂરી
ઈલેક્ટ્રિક ઉપકરણોની તપાસ, ગુણવત્તા અને તેના આધારે પરમિટ મળશે
સ્થળ પર એન્ટ્રી- એક્ઝિટ પોઇન્ટ, એક્ઝોસ્ટ ફેન, વેઈટિંગ એરિયા જરૂરી
કેરિંગ કેપેસિટી: એક સમયે એક સ્થળે વધારે મુલાકાતી રાખી નહીં શકાય
મુલાકાતીઓને પણ આપત્તિ સમયે બચવાના ઉપાયો અંગેનું કોચિંગ આપવું
ફાયર, R&B, ટાઉન પ્લાનિંગ ઉપરાંત હેલ્થ સર્ટિફિકેશન ફરજિયાત બનશે
વાહન પાર્કિંગ, વાઈરિંગ, જ્વલનશીલ પદાર્થ, ઈલે. રૂમ અલગ બનાવવા
દરેક ઓથોરિટી અને સંચાલક માલિકની જવાબદારી કાયદાથી નક્કી થશે
હવે શું જોગવાઈ હોઈ શકે?
સરકાર પોલીસ એક્ટ- 1951ની કલમ 33 (ડબલ્યુ) (3) હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેકટર) કે કમિશનરનું બોર્ડ કે કમિટી રચીને પોલીસને ટિકિટ કે પાસનું વેચાણ નિયંત્રણ કે પ્રતિબંધના ઉપયોગ પૂર્વે તમામ પ્રકારે નાગરિક, પર્યાવરણ સલામતીને નિશ્ચિત કરશે. જેથી સંલગ્ન ઓથોરિટીઓને અભિપ્રાયને બદલે ચકાસણી કરવી પડશે.


