ફાયર બ્રિગેડ મદદે પહોંચે તે પૂર્વે સ્થાનિકોએ બંને બાળકોના મૃતદેહો બહાર કાઢી લીધા હતા
રાજકોટના લોધિકા તાલુકાના રાવકી ગામે આવેલી ખોડીયારધાર ખાણમાં ગઈકાલે સાંજના સમયે શ્રમિક પરિવારના બે બાળકો નાહવા પડ્યા હતા જે ઊંડા પાણીમાં ગરક થઈ જતા બંનેના ડૂબી જવાથી મોત નીપજત્તા પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો હતો. ઘટના બાદ ફાયર બ્રિગેડ મદદે પહોંચે તે પૂર્વે સ્થાનિક લોકોએ શોધખોળ કરી બંને બાળકોના મૃતદેહો બહાર કાઢી લીધા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મૂળ યુપીના હમીરપુરના વતની અને હાલ રાવકી ગામે ગિરિરાજ પ્લાસ્ટિક નામના કારખાનામાં રહેતા રવિન્દ્રકુમાર આહીરવાડની 14 વર્ષની પુત્રિ કાજલ અને પોલીમર્સ કારખાનામાં રહીને કામ કરતા રામસેવકભાઈ શ્રીનીવાસનનો 10 વર્ષનો પુત્ર અનિકેત ગઈકાલે સાંજના સમયે કારખાના નજીક રમી રહ્યા હતા. ત્યારે બંને બાળકો અચાનક ગુમ થઈ ગયા હતા. આ બંને બાળકો કારખાના નજીક આવેલી ખોડીયારદાર ખાણમાં ભરાયેલા વરસાદી પાણીમાં નહાવા માટે ગયા હતા જ્યાં બંને બાળકો નાહવા માટે પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરક થઈ જતા બંનેના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.
બાળકો કારખાના પાસેથી ગુમ થયા બાદ પરિવારના સભ્યો અને અન્ય લોકોએ શોધખોળ શરૂ કરી હતી ત્યારે બંને બાળકો ખોડિયારધાર ખાણ પાસે જોવા મળ્યાની માહિતી મળતા તમામ લોકો ત્યાં દોડી ગયા હતા તે સમયે પાણી ની ખાણ પાસેથી બંને બાળકોના ચપ્પલ મળી આવ્યા હતા આથી બંને ડૂબી ગયા ની શંકા ના આધારે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બાદમાં સ્થાનિક લોકોએ પાણીમાં શોધખોળ કરતા બંને બાળકોના મૃતદેહ મળી આવતા પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.