650 કરોડ રૂપિયા જેવી રકમમા કાર્ડ માન્ય હોસ્પિટલોને હજુ સુધી ન ચુકવતા લડતનું એલાન
માં કાર્ડ હેઠળ સારવાર આપવાની કામગીરી કરતી હોસ્પિટલોને ૬૫૦ કરોડથી વધુ રકમનું બીલ ચડત થઇ ગયુ હોય મા કાર્ડ માન્ય હોસ્પિટલના સંચાલકો અને તબીબોએ નવમી ફેબ્રુઆરીથી હડતાળનું એલાન આપ્યુ છે. બીજીબાજુ આ એલાનને લઇને તબીબી આલમમાં બે ફાટા પડી ગયા છે. આઇ.એમ.એ.(ઇન્ડિયન મેડિકલ એસોસિએશન)એ હડતાળને ટેકો નહીં આપે તેવુ જાહેર કર્યુ છે.
પ્રધાનમંત્રી આરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.) યોજના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. બીજી તરફ, અનેક ડોક્ટરો આ યોજનાનાં અધકચરા અમલથી નારાજ છે.
મા કાર્ડ માન્ય હોસ્પિટલના સંચાલકો તેમજ તબીબોના જણાવ્યા મુજબ સરકારે નિયત કરેલી ફી મુજબ ચુકવણી થવી જોઈએ, પરંતુ હાલ વીમા કંપની બીલમાં આડેધડ કપાત કરતી હોવાથી ડોક્ટર લોબીને નારાજ કરી છે. ઘણી હોસ્પિટલના બે વર્ષથી વધારે સમયના બિલ બાકી છે, તો ઘણા છ મહિના સુધીના બિલની રાહ જોઈ રહ્યા છે, જે આંકડો કરોડોમાં થવા જઈ રહ્યો છે.