- રામનગરમાં મકાન ભાડે રાખી ડ્રગ્સની હેરાફેરી કરતો હતો
- તપાસ માટે રાજસ્થાન ગયેલી પોલીસ સપ્લાયરોનું નેટવર્ક પકડશે
- મોટા ડ્રગ્સ સપ્લાયરોના નેટવર્કનો પર્દાફશ થઈ શકે તેમ છે
ડીસામાં રામનગરમાં મકાન ભાડે રાખી ડ્રગ્સ હેરાફેરીમાં બનાસકાંઠા એસઓજી પોલીસના હાથે ઝડપાયેલા શખ્સને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી પોલીસ દ્વારા તેને તપાસ માટેે રાજસ્થાન લઈ જવાયો હતો.આ કેસમાં તપાસ દરમિયાન અનેક મોટા ડ્રગ્સ સપ્લાયરોના નેટવર્કનો પર્દાફશ થઈ શકે તેમ છે.
ડીસામાં ડ્રગ્સની હેરાફેરીની ફરીયાદોની તપાસ દરમિયાન SOG ની ટીમને ડીસાના રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં તપાસ કરતા ડ્રગ્સના જથ્થા મૂળ સુઈગામના કુંભારખાનો વિપુલ ગંગારામ વણોદને ઝડપી લઇ તેની પાસેથી 18.27 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. વિપુલ વણોદ રામનગરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો અને ડીસામાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા આ માદક પદાર્થનો જથ્થો આપનાર સુરેશ ક્રિષ્નારામ વિશ્નોઇ રહે.લાછીવાડા, તા.જી. સાંચોર,રાજસ્થાન તેમજ આ જથ્થો લેનાર સંજય ભેમાજી ઠાકોર રહે. સિંધી કોલોની ડીસા નું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે બંનેને આરોપી તરીકે દર્શવી તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે મંગળવાર એ વિપુલ વણોદ ને ડીસા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેથી પોલીસ દ્વારા તેને તપાસ સાથે રાજસ્થાન લઈ જવાયો છે.


