- કાશ્મીરથી પરત આવતી વખતે ટ્રકમાં પાછળથી અથડાતા કુલ પાંચના મોત
- બિકાનેરના નોખા નજીક ભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત
- ટ્રક નીચેથી કારને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવી પડી
કચ્છથી કાશ્મીરની સહેલગાહે નીકળેલા માંડવી શહેર અને તાલુકાના આરોગ્ય વિભાગમાં ફ્રજરત બે તબીબ દંપતીની કારનો રાજસ્થાનના બિકાનેરમાં નોખા નજીક ભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આજે શુક્રવારે સવારે ઊભેલી ટ્રકમાં પાછળથી તબીબોની સ્કોર્પિયો કાર અથડાતાં બંને દંપતી અને 18 માસની બાળકી સહિત ઘટનાસ્થળે જ પાંચેયના પ્રાણપંખેરું ઊડી ગયા હતા, જેના પગલે કચ્છના આરોગ્યતંત્ર અને તબીબી જગત સહિતમાં શોકની લાગણી પ્રસરી હતી.
માંડવીના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પાસવાને જણાવ્યું હતું કે, મૃતકોમાં ગોધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફ્રજ બજાવતાં મેડિકલ ઓફ્સિર ડૉ. પ્રતીક કમલેશભાઈ ચાવડા, માંડવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તબીબ તરીકે ફ્રજરત ડૉ. હેતલ પ્રતીક ચાવડા, તેમની 18 માસની બાળકી ન્યાસા ચાવડા, માંડવીના મેરાઉ ગામના કોમ્યુનિટી હેલ્થ ઓફ્સિર પૂજા કરણ કષ્ટા અને તેમના પતિ કરણ કરશન કષ્ટાનો સમાવેશ થાય છે. પાંચેય કચ્છના માંડવીના વતની છે. બિકાનેર પોલીસ દ્વારા તેમને આજે સવારે ગંભીર દુર્ઘટના અંગે જાણ કરાઈ હતી.
ટ્રક નીચેથી કારને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવી પડી
વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે રોડ સાઈડમાં પાર્ક કરાયેલી ટ્રક ન દેખાઈ હોય અથવા લાંબા અંતરની કાર ડ્રાઈવ કર્યા બાદ થાકના કારણે તબીબને ઝોકું આવી જતાં દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે. આ અંગે ટ્રકના ચાલકે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રક નીચે ઘૂસી ગયેલી કારને બહાર કાઢવા માટે ક્રેઈન સહિતની મદદ લેવાઈ હતી.


