અમેરિકામાં વધુ એક વખત અકસ્માતમાં ભારતીયના મોત થયાની ઘટના સામે આવી છે. પેન્સિલવેનિયામાં માર્ગ પરથી પસાર થતી કારનો ગંભીર અકસ્માત બનવા પામ્યો. અકસ્માતને પગલે કારમાં સવાર ભારતીયો વિદ્યાર્થીઓના ઘટના સ્થળ પર જ મોત થયા. અધિકારીઓએ ભારતીય વિદ્યાર્થીના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું કે શનિવારે ક્લીવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીઓ કાર લઈને પેન્સિલવેનિયામાંથી પસાર થતા હતા ત્યારે તેમની કાર પહેલા એક ઝાડ સાથે અથડાઈ અને પછી પુલ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત બનવા પામ્યો. આ અકસ્માતમાં વાહનમાં આગળ બેસેલા એક શખ્સ ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં લઈ જવાયો.
ન્યૂ યોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોમવારે એક પોસ્ટમાં માહિતી આપતા જણાવ્યું કે પેન્સિલવેલિયામાં થયેલ ગંભીર અકસ્માતમાં માનવ પટેલ (20) અને સૌરવ પ્રભાકર (23)ના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. લેન્કેસ્ટર કાઉન્ટી કોરોનર ઓફિસ અને પેન્સિલવેનિયા સ્ટેટ પોલીસ અનુસાર પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા આ બનાવ આકસ્મિક હોવાનું જણાયું. બંને યુવાનના મૃત્યુ અકસ્માતમાં ગંભીર ઇજાના કારણે થયા છે. અકસ્માતમાં બે યુવાનના મોત થયા છે જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પંહોચી છે તે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવાનોના મોતને લઈને કોન્સ્યુલેટે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે નવયુવાન વિદ્યાર્થીઓના મોતથી તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે અમે શક્ય તેટલી તમામ મદદ કરવા તૈયાર છીએ.
જણાવી દઈએ કે આ પહેલા અમેરિકાના મિલવૌકીમાં એક દુઃખદ અકસ્માત જોવા મળ્યો હતો. રવિવારે અહીંના એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં ચાર લોકોના મોત થયા હતા અને ચાર અન્ય ગંભીર રીતે દાઝી ગયા હતા. મધર્સ ડે નિમિત્તે સવારે 8 વાગ્યા પહેલા લાગેલી આ આગમાં ઘણા અન્ય લોકોને પણ ઇજા પંહોચી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગને કારણે 85 ફ્લેટની ઇમારત ખરાબ રીતે બળી ગઈ હતી અને અહીંથી લગભગ 200 લોકો વિસ્થાપિત થયા હોવાનો અંદાજ છે.


