- વાઈબ્રન્ટ પહેલાં રોડ શો-પ્રતિનિધિ મંડળની મુલાકાતોથી એક હજાર કંપનીનો સંપર્ક કરાયો
- મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિને સરળ બનાવવા નીતિઓમાં જરૂરી જોગવાઈ સામેલ
- ગુજરાતમાં બે લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક
વાઈબ્રન્ટ સમિટ પહેલાં વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતો દ્વારા અત્યાર સુધીમાં 1000થી વધુ કંપનીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે, આ મુલાકાતોએ ગુજરાતના વિકાસના અનુરૂપ વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@2047ના વિઝનને સાકાર કરવામાં મદદ કરી છે. બીજી તરફ આગામી પાંચ વર્ષમાં સેમિ કન્ડક્ટર સેક્ટર દ્વારા ગુજરાતમાં બે લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક છે. માઈક્રોન કંપનીનો સાણંદમાં સ્થપાયેલો પ્લાન્ટ ભારતમાં સેમિ કન્ડક્ટર ક્ષેત્રને નવી દિશા આપશે.
સેમિકન્ડક્ટર સેક્ટર માટે ડેડિકેટેડ પોલીસી શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓને વધુ સરળ બનાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે નીતિઓમાં તમામ જરૂરી જોગવાઈઓ સામેલ કરાઈ છે. આ નીતિઓ દ્વારા ગુજરાત સંરક્ષણ ક્ષેત્ર અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં સેમિકન્ડક્ટર ચિપ્સના વ્યાપક ઉપયોગની શક્યતાઓ જોઈ રહ્યું છે. આ ક્ષેત્રને મુખ્ય તાકાત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ સમિટ 2024 સંબંધિત વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શો અને પ્રતિનિધિ મંડળના પ્રવાસોનું આયોજન કર્યું છે. ગુજરાતના પ્રતિનિધિ મંડળની મુલાકાતો અને રોડ શોના કારણે જાપાન, દક્ષિણ કોરિયાની કંપનીઓ તેમજ નવી દિલ્હી અને બેંગ્લુરુમાં ભારતીય સ્થિત કંપનીઓએ આ ક્ષેત્રમાં રોકાણની તકો શોધવામાં રસ દાખવ્યો છે.


