પડધરી–વવાડી અને સામખીયાળી સહિતના ગુનાઓ ડિટેક્ટ,6 હજુ ફરાર : ગુજરાતભરમાં 25થી વધુ ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ પર રાજકોટ રૂરલ LCBની મોટી કાર્યવાહી
પડધરી સહિત રાજ્યભરના ઔદ્યોગિક વિસ્તારોમાં ધાડ, લૂંટ અને ચોરીને અંજામ આપનાર કુખ્યાત ગરબાળા ગેંગના બે સાગરીતોને રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ઝડપી લીધા છે. જ્યારે ગેંગના અન્ય છ શખ્સો પોલીસ હાથમાં ન આવતાં તેમની શોધખોળ યથાવત રાખવામાં આવી છે. આ કાર્યવાહીથી પડધરી–વવાડીમાં થયેલી લૂંટ અને ચોરી તેમજ સામખીયાળીમાં થયેલા ચોરીના પ્રયાસના ગુનાઓ ડિટેક્ટ થયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા વણશોધાયેલા ચોરી, લૂંટ અને ધાડના ગુનાઓ ઉકેલવા આપવામાં આવેલી સૂચનાઓના પગલે રાજકોટ રૂરલ એલસીબી દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાની દેખરેખ હેઠળ અલગ–અલગ ટીમોએ ટેકનિકલ સાધનો, હ્યુમન સોર્સ અને ઇ-ગુજકોપ પોર્ટલની મદદથી તપાસ આગળ વધારી હતી.
સી.સી.ટી.વી. ફૂટેજના વિશ્લેષણ બાદ આ ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપી – સુભાષ ઉર્ફે સોબો ઉર્ફે સુભમ નવરીયા રસુલ ભાભોર (રહે. ગરબાળા, દાહોદ) અને ગોરો ઉર્ફે કૈલાશ વરસીંગ ફુલજી મોહનીયા (મૂળ વતન ધાનપુર, દાહોદ; હાલ રાજકોટ) –ને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસમાં ખુલ્યું છે કે આ બંને આરોપીઓ રાજકોટ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલી ઘરફોડ ચોરીમાં પણ સંડોવાયેલા હતા, જે ગુનો પણ હવે ડિટેક્ટ થયો છે.
પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે, આ ગેંગે ટોળકી બનાવી છેલ્લા દોઢેક મહિનામાં અનેક ઔદ્યોગિક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. તા.13-11-2025ના રોજ વાવડી GIDCમાં છથી સાત કારખાનાઓમાં ચોરી તથા ચોરીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સામખીયાળી વિસ્તારમાં ચોરી માટે રેકી કરવામાં આવી હતી, જોકે યોગ્ય જગ્યા ન મળતાં ગુનો કરવામાં આવ્યો ન હતો.
તા.15-11-2025ના રોજ પડધરી GIDC વિસ્તારમાં ગેંગે ત્રણથી ચાર કારખાનાના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. એક ગોડાઉન પાસે સૂતા માણસને લોખંડનો સળીયો બતાવી ભયમાં મૂકી તેની પાસેથી રોકડ રકમ લૂંટી લેવામાં આવી હતી. ત્યારબાદ અન્ય કારખાનામાં શટર તોડતા મજૂરો જાગી જતા, તેમની પાસેથી મોબાઇલ, પાકીટ અને રોકડ રકમ લઈ તેમને ઓરડીમાં બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આ ઉપરાંત તા.05-12-2025ના રોજ પડધરી નજીક GIDC વિસ્તારમાં એક કારખાનાની દિવાલ કૂદી અંદર પ્રવેશી ઓફિસમાંથી રોકડ રકમ અને લેપટોપની ચોરી કરી હતી. ચોરી બાદ અન્ય કારખાનામાં પ્રવેશનો પ્રયાસ કરતાં મજૂરોના વિરોધને કારણે આરોપીઓ પથ્થરમારથી બચી ભાગી છૂટ્યા હતા.
પોલીસ મુજબ, ગેંગ સાથે સંકળાયેલા અન્ય છ આરોપીઓ – રાજુ સવસીંગ બારીયા, ભરત બાદરસીંગ પલાસ, રાકેશ રાળીયા પલાસ, જયંતી ઉર્ફે જેન્તી જવસીંગ પલાસ, પ્રકાશ દીતીયા પલાસ અને મડીયા ઉર્ફે સંજય તીતરીયા બામણીયા – હાલ ફરાર છે, જેમની ધરપકડ માટે જુદી–જુદી ટીમો બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તમામ આરોપીઓ સામે ગુજરાતના વિવિધ પોલીસ મથકોમાં 25થી વધુ ચોરી અને લૂંટના ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.


