- યુવકને ખભાના ભાગે ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો
- શહેર પોલીસે ઘટનાસ્થળે ધસી જઈને તપાસ આદરી
- ફાયરીંગ કરીને બંને યુવકો બાઇક ઘટનાસ્થળે મુકીને તુરત જ નાસી છુટયા હતા
સુરેન્દ્રનગર શહેરના જુની હાઉસીંગ વિસ્તારમાં અગાઉના મનદુઃખ બાબતે બે શખ્સોએ બાઇકમાં આવી કુંભારપરાના યુવક ઉપર બે રાઉન્ડ ફાયરીંગ કરી ઇજા પહોંચાડી હતી. એથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી પોલીસે આરોપીઓની શોધખોળ આદરી છે.
બનાવ અંગેની પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા કાળુભાઇ મયાભાઇ ભરવાડ જુની હાઉસીંગ બોર્ડ નજીક સ્કૂલ પાસે હતા. આ સમયે સુરેન્દ્રનગરના જ કલ્પેશ રબારી સહિત બે યુવકોએ બાઇકમાં આવી કાળુભાઇ ઉપર બે રાઉન્ડ ફાયરીંગ કરતા નાસભાગ મચી ગઇ હતી.ફાયરીંગ કરીને બંને યુવકો બાઇક ઘટનાસ્થળે મુકીને તુરત જ નાસી છુટયા હતા. બીજી તરફ ખભાના ભાગે યુવકને ઇજા થતા લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સી.યુ. શાહ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ગંભીર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી. પોલીસને પ્રાથમીક માહિતી મળ્યા મુજબ કલ્પેશ રબારી સહિતના બે યુવકો ફાયરીંગ કરી નાસી છુટયા હતા. આ બાબતની આગળની તપાસ બી.ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.


