- પોલીસે દોઢ કિલોમીટર સુધી પીછો કરીને બંનેને દબોચ્યા
- એક શખ્સે પિસ્તોલ બતાવતા પોલીસે હાથ પર લાકડી મારીને હથિયાર છીનવી લીધું
- લૂંટ અંગેની જાણ આનંદનગર પોલીસને થતા કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો
શહેરના આનંદનગરમાં બે શખ્સો દ્વારા શેલ પેટ્રોલ પંપ પાસે મોડી રાત્રે પિસ્તોલ બતાવીને મોબાઇલ અને રોકડ રકમ લૂંટી ચલાવી બન્ને આરોપીઓ ભાગતા બે પોલીસ કોન્સ્ટેબલોએ દોઢ કિલોમીટર સુધી પીછો કરીને બન્નેને ઝડપી પાડયા હતા.
આનંદનગરમાં આવેલ શેલ પેટ્રોલ પંપ પર શનિવારે રાત્રે ફરજ બજાવતા ભરતભાઇ રમણભાઇ પટેલ પોતાની શિફટ પૂર્ણ થતી હોવાથી પૈસાનો હિસાબ કરવા માટે સી સ્ટોરમાં ગયા હતા. આ દરમ્યાન બે શખ્સો સી સ્ટોરમાં ઘૂસીને પિસ્તોલ બતાવીને ભરતભાઇ પાસેથી મોબાઇલ, રોકડ રકમ લૂંટીને ત્યાંથી ભાગી ગયા હતા. લૂંટ અંગેની જાણ આનંદનગર પોલીસને થતા કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બીજી તરફ, લૂંટ કરીને આરોપીઓ ભાગી રહ્યા હતા ત્યારે ડી સ્ટાફના કોન્સ્ટેબલ વિરેન્દ્ર અને રાજેશ બન્ને ત્યાંથી પસાર થતા તેમણે પણ બન્ને લૂંટારૂનો દોઢ કિલોમીટર સુધી પીછો કર્યો હતો. બન્ને લૂંટારૂ પ્રહલાદનગર પાસે અમૂલ પાર્લરની બાજુમાં બેઠેલ કપલને પિસ્તોલ બતાવીને એક્ટિવા માંગી રહ્યા હતા ત્યારે બન્ને પોલીસકર્મીએ લૂંટારૂઓને પકડી પાડયા હતા. જો કે, એક લૂંટારૂએ પોલીસકર્મીને પિસ્તોલ બતાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે પિસ્તોલ પકડેલ હાથ પર લાકડી મારીને હથિયાર છીનવી લીધુ હતુ. આનંદનગર પોલીસે આરોપી વકિલ સહાની અને સંજય સહાની વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. બન્ને આરોપીએ કબુલ્યુ કે, તેમણે પિસ્તોલ સિકંદર સહાની નામના વ્યકિતએ આપી હતી. સિકંદર તેમની સાથે જ રહેતો હતો.


