મહાવિદેહ ક્ષેત્રમાં એક પુંડરિકીણી નામની નગરી હતી. એના રાજા મહાપદ્મ હતા. હતા તો રાજા પણ રાજસી સ્વભાવ નહીં. અઢળક સંપત્તિના સ્વામી હોવા છતાં એમને એનો કોઈ મોહ ન હતો. રાજા મહાપદ્મને બે પુંડરિક અને કંડરિક નામે બે દીકરા હતા. બંને ભાઈઓ પ્રેમ અને વાત્સલ્યથી રહેતા હતા. પુંડરિકીણી નગરીના ઉદ્યાનમાં એક દિવસ જ્ઞાની ગુરુ ભગવંત પધારેલા.
રાજ્યસત્તા ઉપર ધર્મસત્તાનું પ્રભુત્વ હોય છે અને એમાં રાજા મહાપદ્મ તો ધાર્મિક અને વૈરાગી વિચારધારાવાળો હતો. એને તો સુંદરી કરતાં સંતનું મહત્ત્વ વિશેષ હતું. એણે નગરમાં સમાચાર મોકલાવ્યા. બધા સમયસર તૈયાર થઈ જાવ, આપણે બધા ગુરુજીના દર્શન-વંદન કરવા જવાનું છે. બધા સૌથી મોટા આચાર્ય મહારાજ પાસે ગયા. ભાવપૂર્વક એમને વંદન કર્યાં. બધા ગુરુ ભગવંતની સામે હાથ જોડીને બેઠા.
આચાર્ય ભગવંતે આવનાર નગરજનોના ચહેરા ઉપર ઉત્સુકતાના ભાવો વાંચ્યા. એમની ધર્મશ્રવણની મનોકામનાને સમજી પ્રવચનની ધારા વહાવવી શરૂ કરી. આપણને મળી સાધનસામગ્રીમાં એક પણ એવી નથી કે જે સદાને માટે સાથે રહે. મળેલી સામગ્રીમાં સૌથી પહેલું શરીર છે. બીજા નંબરમાં પરિવાર. ત્રીજા નંબરમાં ઐશ્વર્ય-સંપત્તિ. આ ત્રણમાંથી એક પણ આપણી સાથે-પાસે કાયમ રહી શકે એમ નથી. એક દિવસ એ આપણને છોડશે કાં તો આપણે એમને છોડવાં પડશે. આ સહજ નિયમ છે. આમાં કોઈ અપવાદ હોઈ શકે જ નહીં તો પછી આપણે કરવું શું જોઈએ? એનો વિચાર કરવો પડે. અશાશ્વત શરીરથી શાશ્વતની ઉપાસના કરીને શાશ્વત બનવાનું હોય અને કાં તો કર્મની સ્થિતિમાં આપણને રાખે એ રીતે રહીને દિવસો પૂરા કરવાના. આમાં વધારે સારો માર્ગ તમને કયો લાગે છે? સ્વાભાવિક જ બધાએ શાશ્વતનો જ માર્ગ સારો લાગવાની વાત કરી હોય. ગુરુદેવે સંયમની વાતો કરી.
મહારાજા મહાપદ્મ ગુરુદેવની પ્રેરણા મળી. એમણે નક્કી કરી લીધું આ સંસારમાં હવે રહેવાનું મારે કોઈ પ્રયોજન નથી. રાજ્ય અને સંસાર પ્રત્યેની મારી ફરજ પૂરી થાય છે. બે દીકરાઓ છે, એકને રાજા અને નાનાને યુવરાજ પદ આપીને શક્ય હોય એટલા જલદી મારે બહાર નીકળવાની, સાચી દિશામાં મહેનત કરવાની જરૂર છે.
ગુરુદેવની પાસેથી જાણી લીધું. હમણાં થોડા દિવસો અહીં જ રહીને ધર્મબોધ આપવાના છે. એને શાંતિ થઈ. નગરમાં ગયો. મંત્રીમંડળને બોલાવ્યું. પોતાનાં બેય બાળકો પુંડરિક અને કંડરિકને પણ બોલાવ્યા અને એમણે પોતાના અંતરની વેદનાને વાચા આપી. આપણે ઘણાં વરસ સાથે રહ્યા, હવે મારે માત્ર થોડો સમય આ પૃથ્વીતલ ઉપર રહેવાનું છે તો શા માટે પાપમય જીવન જીવીને મારે મારા આગામી સમયને બગાડવો જોઈએ? બધા સમજદાર તો હતા જ. મંત્રીએ પૂછ્યું આપ શું કરવા ચાહો છો?
વાત એકદમ સ્પષ્ટ છે. આ સંસાર અને રાજ્યથી ખરેખર હવે હું થાકી ગયો છું. તમે મને અનુજ્ઞા આપો. મારે ગુરુદેવ પાસે સંયમ લેવાની ભાવના છે અને એમની પાસે જ સંયમ લઈને મારું આત્મકલ્યાણ કરવું છે. આપ તો સંયમ જીવનને સ્વીકારીને રાજ્યનો ત્યાગ કરીને ચાલી જશો, પણ પછી આ રાજ્યનું શું? રાજ્યને સંભાળશે કોણ? એનો તો આપ વિચાર કરો.
એનો વિચાર મેં કરેલો જ છે. મારા બે કુંવરો ગુણિયલ છે અને રાજ્ય ચલાવવામાં કુશળ છે.
આખરે નિર્ણય કર્યો કે મહાપદ્મ સંયમ સ્વીકારે. પુંડરિક રાજા બને અને કંડરિક યુવરાજ બને. જોકે, બેયના માઈન્ડ સેટ હતા. વ્યવસ્થાના કારણે આવા પદનાં નામો આપવાં પડે, બાકી બેય ભાઈઓ એકસરખા રાજ્યના વારસદાર છે અને બેમાંથી એકને આનો વાંધો ન હોઈ શકે.
પિતાની પદ્ધતિથી જ રાજ્યનો વહીવટ ચાલી રહ્યો છે. પ્રજામાંથી કોઈ અસંતોષનો સૂર આવતો નથી કે નથી આવતો અધિકારીઓમાંથી પણ.
ટૂંકમાં, સુમેળપૂર્વક બંને ભાઈઓ રાજ્યનો વહીવટ ચલાવે. ગામનું વાતાવરણ પ્રસન્ન અને મધુર છે. આનું સર્વાધિક શ્રેય બંને ભાઈઓના પરસ્પરના પ્રેમ, સ્નેહભાવને જ જાય છે. કેટલાક સમય બાદ પિતા મુનિ મહાપદ્મ રાજર્ષિ સ્વયં ગામ બહાર ઉદ્યાનમાં પધારે છે. નગરજનો રાજર્ષિનાં દર્શન કરવા જાય. દેશના પ્રવચન સાંભળે. એમના હૃદય કેવાં કોમળ હશે કે એમના મનમાં તરત જ ભાવ જાગે મારે સંયમ લેવો છે. પુંડરિકે કહ્યું મારે પિતા મુનિ પાસે રહીને મારા આત્માનું કલ્યાણ કરવું છે. કંડરિક કહે છે તમારે તમારા આત્માનું કલ્યાણ કરવું હોય તો મારે શું કરવાનું? મારે પણ પિતા મુનિ પાસે રહેવું છે.
હવે બેય ભાઈઓનો ઝઘડો ચાલુ થયો. વિચાર કરો, આપણે લેવા માટે ઝઘડા થતા હોય છે. આ મહાત્માઓને છોડવા માટેના ઝઘડા હોય છે. આવા ઝઘડા મૈત્રી વધારે, આપણા ઝઘડા દુશ્મની વધારતા હોય છે. બંને ભાઈઓ પોતપોતાની વાતમાં મક્કમ છે. હવે શું કરવું. છેવટે મંત્રીઓ વચ્ચે પડ્યા, એમણે કહ્યું આ માર્ગ શ્રેષ્ઠ છે, પણ રાજ્યને નધણિયાતું-રેઢું મૂકવું એ બિલકુલ અયોગ્ય છે. બેમાંથી એક ભાઈએ તો રાજ્ય સંભાળવું જ પડે. પુંડરિક રાજા છે, એમણે શાસન ચલાવવાનું અને કંડરિકને સંયમી
બનવા દેવાય.
પુંડરિકે આ નિર્ણયનો દુખતા દિલે સ્વીકાર કર્યો. રાજ્ય સંભાળે છે, પણ સંન્યાસીની જેમ. ભલે એ સંસારમાં રહેલો છે, પણ અંતરથી એ વૈરાગી છે. ભોગવિલાસમાં એનું મન જરા પણ લાગે નહીં. એને સતત એ વિચાર આવતા હોય કે મારો નાનો ભાઈ કેટલો ભાગ્યશાળી કે એ આત્મસાધના કરી શકે છે અને હું અહીં રાજ્યના ચક્કરમાં ફસાઈ ગયો છું. આમાંથી ક્યારે મારો છુટકારો થશે?
માણસનું મન કેવું હોય છે. મનને સમજવું બહુ અઘરું હોય છે. એટલા માટે તો પેલા આનંદધનજી નામના કવિએ કહેલું, `મન સાધ્યું એણે સઘળું સાધ્યું’. તમે તમારા મનને કંટ્રોલ કરી શકો તો પછી બીજું કંઈ પણ કરવાનું રહેતું નથી.
જ્યારે પણ પુંડરિક નવરો પડે ત્યારે આવી જ વિચારધારા ચાલતી હોય. પણ પેલા કંડરિકને પણ જોવો પડે એમ છે. થોડા સમય તો બધું બરાબર ચાલ્યું, પણ ભાઈ આ તો સંયમી જીવન છે. અહીં આપણે આપણી ઈચ્છા પ્રમાણે કશું જ કરી ન શકીએ. ક્યારેક તમને ભરપૂર સગવડ મળે, ક્યારેક માત્ર અગવડ સિવાય કંઈ જ ન મળે.
ક્યારેક ભિક્ષામાં શિરા-પૂરી ને સારાં શાક, ફરસાણ હોય તો ક્યારેક સૂકો રોટલો પણ ન મળે. ક્યારેક મનગમતાં ભોજનિયાંથી પાત્ર ભરાઈ જાય, તો ક્યારેક ગમે તેટલા ઘર ફરો પણ આહાર મળે જ નહીં. હતાને પેલા આદિનાથ ભગવાન રોજ ઘર ઘર ફરે, પણ એક વરસ સુધી એમને આહાર જ ન મળ્યો.
ક્યાંય એક જગ્યાએ તો રહેવાનું હોય નહીં. રોજ જગ્યા બદલવાની. લેતા તો સંયમ લેવાઈ ગયો, પણ હવે પેલા કંડરિકને પસ્તાવો થવા માંડ્યો. પેલાને દીક્ષા લેવી’તી તો લેવા દેવી’તીને, તારે એવું શું હતું કે આટલો બધો આગ્રહ કરવો પડ્યો? રાજ્યના બહાને તારે તો રહેવાનું હતુંને! બિચારાને અફસોસ થવા માંડ્યો. બસ હવે મારે રાજા બનવું છે અને સંયમ છોડવું છે. અંદરનો આત્મા એને કહે છે તું આ શું વિચારે છે. આવા વિચારો કરાય? ઊલટી કરીને એનું એ જ કંઈ પાછું ખવાય? તેં તો સંસારનો ત્યાગ કરેલો છે, હવે તારાથી આવા વિચારો કરાય?
મારે તારું કંઈ જ સાંભળવાનું નથી, બસ હું તો હવે પુંડરિકીણી નગરી જઈને રાજા બનીશ અને એને લેવું હોય તો સંયમ લે. એને જે કરવું હોય એ ભલે કરે. મારે એ નહીં જોવાનું.
એ તો પુંડરિકીણી નગરીની બહાર ઉદ્યાનમાં એક છેવાડેના ઝાડની નીચે બેઠો છે. પોતાના સાધુપણાનાં ઉપકરણો ઝાડ ઉપર લટકાવી દીધાં છે અને શાંતિથી ભાઈના આવવાની પ્રતીક્ષા કરે છે. ઉદ્યાનપાલકને કહ્યું, રાજા પુંડરિકને સમાચાર આપજો જલદી આવે અને હા સાથે કહેજો કે એકલો જ આવે.
ઉદ્યાનપાલકને આ સાધુ વિચિત્ર લાગ્યા. આની તો ભાષા પણ સાધુ જેવી લાગતી નથી. આપણે શું? એવું વિચારીને રાજાને સમાચાર આપવા ગયો.
રાજા જલદી આવ્યો. એમની બેસવાની પદ્ધતિથી એ સમજી ગયો. એણે વંદન કર્યાં. પ્રેમથી ખબરઅંતર પૂછ્યાં. પેલાની વિસ્ફોટક વાણી ચાલુ થઈ. ઘણી વાતો કરવાની જરૂર નથી. હું તો વેશ છોડીને પાછો આવું છું. મારાથી આવી કઠોર સાધના થઈ શકે એમ નથી. એણે ઘણો સમજાવ્યો. આવું સાધુપણું છોડવા જેવું નથી. પુણ્ય હોય એને જ મળે છે વગેરે પ્રેમથી સમજાવ્યું.
એણે કહી દીધું, મને સમજાવવાની જરૂર નથી. તમારે લેવું હોય તો લઈ લો નહીં તો આપણે બેય પહેલાંની જેમ સાથે રહીને રાજ્ય ચલાવીશું.
બેય જણાએ વેશ પરિવર્તન કરી લીધું. રાજાએ મહાત્માનો અને મહાત્માએ રાજાનો વેશ ધારણ કરી લીધો. એ તો અત્યાર સુધી દબાવી રાખેલી સ્પ્રિંગ ઊછળી, બધાં વ્યસનોમાં આસક્તિપૂર્વક રહ્યો. એના શરીરમાં રોગ ઉત્પન્ન થયો અને માત્ર સાત જ દિવસમાં એ મરે છે અને નરકમાં જાય છે.
પુંડરિક સંયમ જીવનની સાધનામાં એવા ઉચ્ચ વિચારો કરે છે કે એ પણ સાત દિવસમાં મરે છે અને ઊંચામાં ઊંચા દેવલોકમાં પોતાનું સ્થાન મેળવે છે.
આપણે પણ હંમેશાં ઉચ્ચ વિચાર અને ઉચ્ચ આચાર સાથે જીવનને ઉન્નતિના શિખર સુધી પહોંચાડીએ.