- બંને ટ્રકની સામસામે ટક્કરથી કેબિનનો ખૂડદો
- મૃતકોને ભારે જહેમત બાદ બહાર કઢાયા
- મૃતક ત્રણ વ્યક્તિમાં બે લોકો શિહોર તાલુકાના રહેવાસી
અમદાવાદ જિલ્લાના ધોલેરા વટામણ માર્ગ પર પીપળી ગામ નજીક બુધવારે વહેલી સવારે આઈસર ટ્રક અને અન્ય એક ટ્રક સામસામે ધડાકાભેર ટકરાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતકો પૈકી બે લોકો ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા. જ્યારે અન્ય એક મૃતક ઝારખંડનો રહેવાસી હોવાની હકીકત પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. ધોલેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ જિલ્લા ગ્રામ્યના ધોરી માર્ગો પર અકસ્માતોની ઘટનામાં પાછલા કેટલાક દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પીપળી વટામણ માર્ગ પર બુધવારે સવારે 6 વાગ્યાના સુમારે ધોલેરા તરફ્થી આવી રહેલ આઈસર અને વટામણ તરફ્થી આવી રહેલ ટ્રક ધડાકાભેર સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ 108 પીપળીની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના સ્થળે અકસ્માતમાં ઘાયલ એક શખ્સને સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે ટ્રકનો ચાલક કેબિનમાં જ મૃત હાલતમાં ફ્સાયો હતો તો આઈસરના ચાલક અને અન્ય એક વ્યક્તિ કેબિનમાં ફ્સાયેલા હતા. જેને 108ની ટીમ, સ્થાનિકો તથા પોલીસ દ્વારા ભારે જહેમત ઉઠાવી બહાર કાઢવામાં આવી હતી. ત્રણેય મૃતદેહોને ધંધુકા રેફ્રલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા. આ સંદર્ભે ધોલેરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે
અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યાં
1) બાલાભાઈ ભરતભાઈ રાઠોડ(ઉ.વ.45, રહે. રામનાથ રોડ, જુના શિહોર, ભાવનગર), (2) ધીરૂભાઇ રતનભાઇ પરમાર(ઉ. વ. 37, કાજાવદર. તા. શિહોર, ભાવનગર), (3). બનસરૂપન રામલખન મહેતા(રહે.ઝારખંડ).
માર્ગો અકસ્માતની ઘટનાઓથી રક્તરંજીત બન્યા
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર પાસેની પુલન ચોકડી પાસે તા.27મીએ પરોઢના સુમારે ડમ્પર પાછળ બોલેરો જીપ ઘુસી જતા પાંચ શ્રામિકોના કરુણ મોતની શાહી સુકાઈ નથી ત્યાં ધોલેરાના પીપળી નજીક તા.28મીની સવારે આઈસર અને ટ્રક સામસામે ટકરાતા બન્ને વાહનના ચાલક સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હતા. માર્ગો પર વધતા અકસ્માતને લઈ તંત્ર કોઈ નક્કર પગલાં લે તેવી લોક માગ પ્રબળ બની છે
આઈસર ટ્રક ભાવનગરથી અસલાલી તરફ જઈ રહી હતી
અકસ્માતની ઘટનાની વધુમાં મળતી માહિતી મુજબ શિહોરના વતની પોતાની આઈસર ભાવનગર ખાનગી કંપનીમાંથી માલ ભરી અમદાવાદ શહેર પાસેના અસલાલી તરફ્ જઈ રહ્યા હતા. ત્યારે પીપળી- બુરાનપુર વચ્ચે વટામણ તરફ્થી આવી રહેલ ટ્રક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
બન્ને વાહનોની કેબિનનો ભુક્કો થઈ ગયો
ધોલેરાના પીપળી નજીક આઈસર અને ટ્રક ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં આઈસર અને ટ્રકના કેબિન ભાંગીને સાવ ભુક્કો થઈ ગયા હતા અને બન્ને વાહનના ચાલકોના મૃતદેહ બહાર કાઢવા માટે રેસ્કયુ માટે દોડી આવેલી ટીમને ભારે મથામણ કરવી પડી હતી.


