- રઘવાયા સુવરોએ બચાવ ટુકડીના રસ્સાને પણ કાપી નાંખ્યો
- જંગલી સુવરને બચાવવા માટે રાત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથધરાયુ
- તેઓને સહિસલામત બહાર કાઢતા તેઓ જંગલ વિસ્તારમાં ગરકાવ થઇ ગયા હતા
દહેગામના જીંડવામાં સેવાભાવી સંસ્થાના લોકો અને ફાયર બ્રિગેડની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી કુવામાં ખાબકેલા બે સુવરને ભારે જહેમત બાદ બહાર કાઢયા હતા. આ સુવરો વચ્ચે ત્રણ દિવસ વચ્ચે ઇનફાઇટ થઇ હતી. જેમાં તેઓએ બેલેન્સ ગુમાવતા આ ઘટના બની હતી. બચાવ કામગીરી દરમિયાન જંગલી સુવરોએ કુવામાં નાખેલા રસ્તાને પણ કાપી નાખ્યુ હતું. જોકે, તેઓને સહિસલામત બહાર કાઢતા તેઓ જંગલ વિસ્તારમાં ગરકાવ થઇ ગયા હતા. જીડંવા ગામની સીમમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે આવેલા પચાસ ફુટ જેટલા ઊંડા કુવામાં બે પુખ્તવયના જંગલી સુંવર અંદરોઅંદર ઇનફાઇટ કરતા કરતા પડયા હતા. કુવા પાસે ઉકરડો હોવાથી તેમાં બંને જંગલી ભુંડ સામસામે ઝઘડતી વખતે પડી ગયા હતા. બંને નર હતા અને કુવામાં પડયા બાદ પણ તેમના જીવ બચી જતા સહીસલામત જોવા મળ્યા હતા. પરંતુ કુવો ઉંડો હોય તેઓ તેમાંથી બહાર નિકળી શક્યા નહતા. સમગ્ર ઘટનાની જાણ સીમમાં રહેતા કેટલાક લોકોને થતા તેઓને કુવામાં ખાવાનુ તેમજ પીવાનુ પાણી ઉતારીને આપ્યુ હતું. ત્રણ દિવસ બાદ ઘટનાની જાણ દહેગામની સેવાભાવી સંસ્થાને થઇ હતી અને ફાયરબ્રીગેડને પણ જાણ કરાઇ હતી. સંસ્થાના યુવાનો અને ફાયરની ટીમે સંયુક્ત રીતે બને જંગલી ભું.ડને કુવામાંથી કાઢવાના રાત્રે પ્રયાસ હાથધર્યા હતા. કુવામા હુક સાથે રસ્સો ઉતારવામાં આવ્યો હતો ત્યારે રઘવાયા સુવરે રસ્સાને પણ બચકાભર્યા હતા. સુંવરનુ રેસ્ક્યુ કરવામાં ટીમને તેના હુમલાની ભીતી પણ હતી જેથી ભારે સાવચેતીથી બચાવ પ્રયાસો કરાયા હતા. આખરે રાત્રે બે કલાકની જહેમત બાદ જંગલી ભુંડને બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલીક સારવાર માટે એનીમલ વાન પણ હાજર રાખવામાં આવી હતી પરંતુ બંને સુવર સહીસલામત હોવાથી સડસડાટ જંગલમાં ભાગી ગયા હોવાનુ ફાયર ઓફીસર સુર્યોદયસિંહે જણાવ્યુ હતુ.


