- કંપનીમાં પાણીની ટાંકી ફાટી જતા કામદારો તણાયા
- આ દુર્ઘટનામાં અન્ય ચાર કામદારો ઈજાગ્રસ્ત થયા
- 5 લાખ લિટર પાણીની ટાંકી ફાટી જતા દુર્ઘટના સર્જાઈ
ભરૂચ જિલ્લાના દહેજમાં શનિવારે સાંજે એક મોટી દુર્ઘટના સામે આવી હતી. દહેજમાં આવેલી ખાનગી ઈપેક કંપનીમાં પાણીની ટાંકી ફાટી જતા કામદારો તણાયા હતા. જેમાં બે કામદાર યુવકોના ઘટનાસ્થળે મોત થયા હતા. અન્ય ચાર કામદાર ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જો કે ટાંકી ફાટવાની ઘટનાની જાણ થતા પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ઈપેક કંપનીમાં પાંચ લાખ લિટરની લોખંડની પાણીની ટાંકી અચાનક ફાટી ગઈ હતી. કોઈ કાંઈ સમજે તે પહેલા કામ કરી રહેલા કામદારો તીવ્ર પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા જ્યાં બે કામદારોના મોત નિપજયા હતા. ઘટનામાં સૂરજરામ બહાદુર ઉંમર વર્ષ 21 તથા વિશાલકુમાર કલ્યાણ રાય ઉંમર વર્ષ 22નું મોત થયું હતું જેથી પોલીસે બંને મૃતદેહોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. આ ઉપરાંત પોલીસે દુર્ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


