નેકનામ વિસ્તારમાં બે વર્ષના બાળક પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય
પોલીસે ગણતરીની કલાકોમાં જ નરાધમને ઝડપી લીધો
અગ્ર ગુજરાત, મોરબી
ટંકારા પંથકમાં નેકનામ વિસ્તારમાં માનવતાને શરમશાર કરે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક પરિવારના માત્ર ર વર્ષના માસૂમ બાળક પર ૩૮ વર્ષના શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસને જાણ કરતાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે.
ટંકારા નેકનામ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ઉત્તરપ્રદેશથી આવીને મજૂરી કામ કરતા પરિવારનો ૨ વર્ષનો માસૂમ બાળક રમી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં જ કામ કરતા અને મૂળ બિહારના વતની રામ વિકાસ (ઉ.વ.૩૮) નામના શખ્સે બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. નરાધમે માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બાળકની હાલત કફોડી થઈ હતી. જેથી બનાવ અંગે બાળકના માતા-પિતાએ તાત્કાલિક ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ટંકારા પી.આઈ. કે.એમ. છાસિયા અને તેમની ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી રામ વિલાસને નેકનામ વિસ્તારની ફેક્ટરીએથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ જઘન્ય અપરાધના પુરાવા એકત્ર કરવા અને વધુ પૂછપરછ માટે પોલીસે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.


