ટાંકામાં ડૂબતાં બે વર્ષના બાળકનું મોત, પતંગ ચગાવતાં ત્રીજા માળેથી પટકાતા બાળક ગંભીર
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રમતાં રમતાં ચાર બાળકો સાથે અકસ્માત: એકનું મોત, ત્રણ સારવાર હેઠળ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં બાળકોની સુરક્ષા અંગે ફરી ચિંતા જનક ઘટનાઓ સામે આવી છે. રમતાં રમતાં તથા ઘરની અગાશી પર ચઢી જતા ચાર બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા, જેમાંથી એક બે વર્ષના બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે ત્રણ બાળકોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવોના પગલે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આજી ડેમ ચોકડી નજીક રામવન પાસે આવેલા મુકેશ પાર્ક વિસ્તારમાં રહેતા ભરતભાઈ મુંધવાનો બે વર્ષનો પુત્ર હિરેન ફળિયામાં રમતો હતો. થોડા સમય બાદ માતા બાળકને શોધવા નીકળતા તે નજરે ન પડતાં આસપાસ તપાસ કરતા ખુલ્લા ભોં ટાંકામાંથી બાળક મળ્યો હતો. તાત્કાલિક રીતે બેભાન હાલતમાં બાળકને ટાંકામાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. હિરેન માતા-પિતાનો એકનો એક પુત્ર હતો, જેના કારણે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
બીજી ઘટના એસટી વર્કશોપ પાછળ આવેલી ગોકુલધામ સોસાયટીની છે, જ્યાં રાજુભાઈ ચૌહાણનો નવ વર્ષનો પુત્ર આદિત્ય ઘરની અગાશી પર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન સંતુલન ગુમાવતા તે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. બાળકને મોઢાના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તેને સારવાર આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત મવડી ગામના બાપા સીતારામ ચોક વિસ્તારમાં રહેતા ખખેન્દ્રભાઈ કંડાઈનો પાંચ વર્ષનો પુત્ર દિપેશ પોતાના ઘરના પહેલા માળેથી નીચે પડતાં માથામાં ગંભીર ઈજા થતાં બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં કલરના ડબ્બા પર ચઢી ઊભો રહેવાની કોશિશ દરમિયાન અકસ્માત બન્યો હોવાનું સામે આવ્યું છે.
ચોથી ઘટના રાજસમઢિયાળા ગામની છે, જ્યાં વાડીમાં રહેતા આદિવાસી પરિવારની દોઢ વર્ષની બાળકી રશ્મી રાજકુમાર યાદવ રમતાં રમતાં પડી જતાં ઈજાગ્રસ્ત થઈ હતી. તેણીને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
એક પછી એક બનેલી આવી ઘટનાઓથી શહેરમાં બાળકોની સુરક્ષા અને ઘરોમાં રહેલી બેદરકારી અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે.


