- પી.પી. સવાણી યુનિવર્સિટી ખાતે નકલી એન્ટી કરપ્શન અધિકારી પકડાયા
- બે યુવકો અને એક કિશોરની અટકાયત કરી વધુ તજવીજ હાથ ધરી
- કારના ડેશ બોર્ડ પરથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી લખેલું બોર્ડ મળી આવ્યું
સુરતમાં માંગરોળના ધામડોડ ગામની સીમમાં આવેલ પી.પી. સવાણી યુનિવર્સિટી ખાતે નકલી એન્ટી કરપ્શન અધિકારી બની ધમકાવવા આવેલ બે યુવકોની પોલીસે અટક કરી છે. આ યુવકોની કારના ડેશ બોર્ડ પરથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી અને નીચે સીબીઆઇ અંગ્રેજીમાં લખેલું બોર્ડ પણ મળી આવ્યું હતું.
હાલ સમગ્ર રાજ્યમાં નકલીનો રાફડો ફાટયો
હાલ સમગ્ર રાજ્યમાં નકલીનો રાફડો ફાટયો છે. છાશવારે નકલી પોલીસ અધિકારી, નકલી પી.એ, નકલી DYSP, નકલી ટોલનાકા તેમજ નકલી ખાદ્ય પદાર્થો પકડાઈ રહ્યા છે. ત્યારે વધુ એક વાર નકલી અધિકારીઓ બની આવેલા બે યુવકો ઝડપાયા હતા. સુરતના માંગરોળ તાલુકાના ધામડોદ ગામની સીમમાં આવેલ પી.પી સવાણી યુનિવર્સિટીમાં બે યુવકો કિયા કાર લઈને આવ્યા હતા. અને સિક્યુરિટી ગાર્ડએ રોકતા તેઓને એન્ટી કરપ્શન અધિકારીઓ હોવાનું જણાવી કાર્ડ પણ આપ્યું હતું. તથા જણાવ્યું હતું કે “અમારે પાસ એક પેરેન્ટ્સ કા કમ્પ્લેન આયા હૈ કિ યહા ગવર્મેન્ટ કા ફેંક ડિગ્રી મિલતા હૈ” અને અમે એન્ટી કરપ્શનના હેડ ક્વાટરથી આવ્યા છીએ.
બે યુવકો અને એક કિશોરની અટકાયત કરી વધુ તજવીજ હાથ ધરી
આ દરમિયાન યુનિવર્સિટીના સ્ટાફને આ બંને અધિકારીઓ બોગસ હોવાની શંકા જતા તેઓએ તુરંત કોસંબા પોલીસને બોલાવી હતી. કોસંબા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને યુવકોની અટક કરી હતી. અને બન્ને યુવકો પાસે કોઈપણ પ્રકારના અધિકારી હોવાના દસ્તાવેજ મળી ન આવ્યા હતા. તેમજ પોલીસે યુવકોની કારની તપાસ કરવામાં આવતા કારના ડેશ બોર્ડ પરથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી અને નીચે સીબીઆઇ અંગ્રેજીમાં લખેલું બોર્ડ પણ મળી આવ્યું હતું. હાલ તો પોલીસે યુનિવર્સિટીના સિક્યુરિટી અધિકારીની ફરિયાદ મુજબ બંને યુવકો અને એક કિશોરની અટકાયત કરી વધુ તજવીજ હાથ ધરી હતી.


