IPL 2025 મેગા ઓક્શનમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 10 દિવસ પહેલા કરોડપતિ બનીને બધાને દિવાના બનાવી દીધા છે. અંડર-19 એશિયા કપની સેમિફાઇનલ મેચમાં ભારતનો સામનો શ્રીલંકા સામે હતો અને વૈભવે પોતાની બેટિંગથી આ ટીમને તબાહ કરી દીધી છે. શારજાહના મેદાન પર વૈભવની સામે બોલરો દયાની ભીખ માંગતા જોવા મળ્યા હતા. છેલ્લી મેચમાં તેણે યુએઈને ઉડાવી દીધું હતું અને હવે સેમીફાઈનલમાં તેણે પોતાની બેટિંગથી શ્રીલંકાની ટીમના ધજાગરા ઉડાવી દીધા છે.
શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરી
શ્રીલંકાની ટીમ ગ્રુપ-2માં ટોપ પર રહીને સેમિફાઇનલમાં પહોંચી હતી. ટીમે ભારતનો સામનો કર્યો હતો અને શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે માત્ર 10 રનની અંદર તેના 2 બેટ્સમેન ગુમાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં, શરુજન ષણમુગનાથન (42) અને લકવિન અબેસિંઘે (69)એ ચાર્જ સંભાળ્યો અને ટીમના સ્કોરને 173 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વૈભવની સતત બીજી અડધી સદી
વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટની શરૂઆતમાં ફ્લોપ દેખાતો હતો. પરંતુ છેલ્લી મેચમાં તેણે જોરદાર પુનરાગમન કર્યું અને અણનમ 76 રન ફટકારી ટીમને સેમીફાઈનલમાં લઈ ગયો. હવે વૈભવે શ્રીલંકા સામે પણ બેટિંગ કરીને ધૂમ મચાવી હતી. આ ખેલાડીએ 36 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી, જેમાં સૂર્યવંશીએ 5 સિક્સર અને 6 ફોરના આધારે 54 રન બનાવ્યા હતા. બીજી તરફ તેને મ્હાત્રેનો સાથ મળ્યો જેણે 34 રનની ઇનિંગ રમી હતી.
ફાઇનલમાં પહોંચ્યું ભારત
શ્રીલંકાને 7 વિકેટે હરાવીને અંડર-19 ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચ 8મી ડિસેમ્બરે રમાશે. બીજી તરફ બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. બાંગ્લાદેશની ટીમે સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને ફાઇનલમાં જોરદાર એન્ટ્રી કરી લીધી છે. ભારત અને બાંગ્લાદેશની ટીમો 8 ડિસેમ્બરે ટાઈટલ જંગમાં સામસામે ટકરાશે.


