ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપ 2025 રમાઈ રહ્યો છે. ભારતીય કેપ્ટન આયુષ મહાત્રેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાને 50 ઓવરમાં 347 રન બનાવ્યા છે. પાકિસ્તાન તરફથી સમીર મિન્હાસે શાનદાર બેટિંગ કરતા શક્તિશાળી સદી ફટકારી છે.
સમીર મિન્હાસે માત્ર 71 બોલમાં સદી ફટકારી
સમીર મિન્હાસે ઈનિંગની શરૂઆતથી જ સંયમિત બેટિંગ દર્શાવી અને ભારતીય બોલરને હેરાન કરી દીધા. તેને માત્ર 71 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે અંડર-19 એશિયા કપ 2025માં બીજી સૌથી ઝડપી સદી બની. વર્તમાન ટુર્નામેન્ટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ વૈભવ સૂર્યવંશીના નામે છે. સમીર મિન્હાસે પાકિસ્તાની ટીમ માટે 113 બોલમાં 17 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને કુલ 172 રન બનાવ્યા. તેને અહેમદ હુસૈનનો સારો સાથ મળ્યો, જેને 72 બોલમાં 56 રન બનાવ્યા.
પાકિસ્તાની ટીમની શરૂઆત રહી ખરાબ
પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી જ્યારે હઝમા ઝહૂર ફક્ત 18 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ ઉસ્માન ખાન 45 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો. પરંતુ સમીર મિન્હાસ અને અહેમદ હુસૈને પાછળથી મજબૂત પાર્ટનરશીપ કરી. ભારત તરફથી ખિલાન પટેલ અને હેનીલ પટેલે 2-2 વિકેટ અને દીપેશ દેવેન્દ્રને 3 વિકેટ લીધી.
પાકિસ્તાની ટીમ ભારત સામે પહેલાથી જ હારી
પાકિસ્તાની ટીમે અંડર-19 એશિયા કપ 2025માં ફક્ત એક જ મેચ હારી હતી, જેમાં ભારતે 90 રનથી હરાવીને જીત મેળવી હતી. પાકિસ્તાને સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું હતું. ભારતે અંડર-19 એશિયા કપ 2025માં એક પણ મેચ હાર્યું નથી, સેમીફાઈનલમાં શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
સમીરનો મોટો ભાઈ પાકિસ્તાની રાષ્ટ્રીય ટીમ માટે રમે છે
સમીર મિન્હાસનો જન્મ 2 ડિસેમ્બર, 2006 ના રોજ મુલતાનમાં થયો હતો. તે બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે આકર્ષાયો હતો. તે એક ઉત્તમ બેટ્સમેન અને બોલર છે. તેના મોટા ભાઈ અરાફત મિન્હાસે પાકિસ્તાની રાષ્ટ્રીય ટીમ માટે 4 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.
આ પણ વાંચો: Smriti Mandhana ક્યારે મેદાનમાં પરત ફરશે? ટ્રોલર્સ જવાબ આપવા માટે છે તૈયાર


