- અબુધાબીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં આજથી શરૂ દર્શન
- દર સોમવારે સામાન્ય જનતા માટે બંધ રહેશે હિન્દુ મંદિર
- પીએમ મોદીના ઉદ્ઘાટન બાદ માત્ર VIP ભક્તો કરતાં હતા દર્શન
UAEના અબુ ધાબીમાં બનેલ પહેલા હિન્દુ મંદિરમાં આજથી એટલે કે 1 માર્ચથી સામાન્ય જનતા અને ભક્તો દર્શન કરી શકશે. 14 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અબુધાબીના BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાર, 29 ફેબ્રુઆરી સુધી એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરાવી ચૂકેલ VIP અને વિદેશી શ્રદ્ધાળુઓને જ મંદિરમાં દર્શન કરાવવામાં આવી રહ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ, ઉદ્ઘાટન બાદથી જ મોટી સંખ્યામાં વિદેશી શ્રદ્ધાળુઓ મંદિરના દર્શન માટે આવી રહ્યા છે.
મંદિર વહીવટી તંત્રએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપતા જણાવ્યું છે કે UAEનું BAPS મંદિર 1 માર્ચના સવારે 9 વાગ્યાથી સામાન્ય દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. મંદિરમાં સામાન્ય દર્શનાર્થીઓ સવારે 9 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી દર્શન કરી શકશે. તો, દરેક સોમવારે સામાન્ય જનતા માટે મંદિર બંધ રહેશે.
મંદિર માટે દાનમાં આપવામાં આવી છે જમીન
આ મંદિરના નિર્માણમાં લગભગ 700 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. મંદિરનું નિર્માણ વર્ષ 2018થી ચાલી રહ્યું હતું, ફેબ્રુઆરી 2024માં મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મંદિરના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે વર્ષ 2015થી જ મંદિર નિર્માણને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું. UAEના હિન્દુ મંદિરનું નિર્માણ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા કરવામાં આવ્યું છે. મંદિર માટે જમીન આરબ અમીરાતના રાષ્ટ્રપતિ દ્વારા દાનમાં આપવામાં આવી છે. મંદિરના ઉદ્ઘાટન દરમિયાન લગભગ 65 હજાર લોકો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા આવ્યા હતા.
નાગર શૈલીમાં બનાવાયું છે UAEનું મંદિર
UAEના હિંદુ મંદિરના નિર્માણમાં 18 લાખ ઈંટો અને 1.8 લાખ ઘનમીટર રાજસ્થાનના બલુઆ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું નિર્માણ અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરની જેમ નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. આ મંદિરમાં 7 શિખરો બનાવવામાં આવ્યા છે. મંદિરમાં સ્થાપિત પત્થરોમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ ઉપરાંત દેશના રાષ્ટ્રીય પક્ષી ગરુડ અને ઊંટ કે જેને રણના વહાણ કહેવામાં આવે છે તે પણ કોતરવામાં આવ્યા છે.


