રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
તા.૨૪મીએ બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા: સાંજે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં થશે વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા: ચાર વિધયક લાવવાની તૈયારી
અગ્ર ગુજરાત, ગાંધીનગર
આજે સાંજે 5 વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાશે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ કમિટી 4 ફેબ્રુઆરી, 2025ના રોજ રચવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ હવે અંતિમ ભલામણો સાથે રિપોર્ટ રજૂ કર્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા આ રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે (17 માર્ચ) કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા થશે અને સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી છે. 24 માર્ચે યુસીસી બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે.
બીજી તરફ, આજે સાંજે 5 વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાશે. બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ સહિત કુલ 4 વિધેયકો લાવવાની તૈયારીઓ અંગે ચર્ચા થશે. વિધાનસભાની કાર્યવાહી 25 માર્ચ સુધી ચાલવાની છે, જેમાં અંતિમ દિવસોમાં આ વિધેયકો રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, 24 માર્ચે યુસીસી બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે.
દિલ્હીમાં તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય મુલાકાત બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચર્ચાઓ તેજ બની હતી. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રના નેતાઓ સાથે થયેલી બેઠકમાં રાજ્યમાં UCC લાગુ કરવાની પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર અગાઉથી આ મુદ્દે અભ્યાસ કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને સમિતિ રચી ચૂકી છે, જે વિવિધ વર્ગોના સૂચનો અને કાયદાકીય પાસાઓનું મૂલ્યાંકન કરી રહી છે.
સૂત્રોનું માનવું છે કે, સમિતિનો અહેવાલ મળ્યા બાદ રાજ્ય સરકાર માર્ચના છેલ્લા વીકમાં વિધાનસભા સત્રમાં UCC સંબંધિત પ્રસ્તાવ અથવા બિલ રજૂ કરી શકે છે અને તેની તૈયારીઓ શરૂ કરાઈ છે. જો આ કાયદો અમલમાં આવે તો લગ્ન, છૂટાછેડા, દત્તક અને વારસાગત હક જેવા મુદ્દાઓમાં તમામ નાગરિકો માટે એકસરખા નિયમો લાગુ થશે. ઉત્તરાખંડ બાદ ગુજરાત પણ UCC અમલમાં લાવનાર રાજ્યોમાં સામેલ થઈ શકે તેવી રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
યુનિફોર્મ સિવિલ કોડ છે શું?
દેશમાં બે પ્રકારના કાનૂન છે- ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ, સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીતરિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લૉ પણ કહેવાય છે. પર્સનલ લૉ એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લૉ મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લૉ ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય, એ તમામ માટે એકસમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કહેવાય છે.


