મંગળવારે સવારે સ્ટેન્ડીંગ કમિટીની સંકલન મીટિંગ બાદ સાંજે મ્યુનિ.કમિશનર અને ભાજપના નગરસેવકો વચ્ચે ગેટ-ટુ-ગેધરના નામે યોજાયેલા કાર્યક્રમમાં સીલીંગ મુદ્દે થઇ ગરમાગરમીભરી ચર્ચા
‘આગ લાગે ત્યારે કૂવો ખોદે’ અને ‘ભીંસ આવે ત્યારે ઘાંઘુ થવુ’ આ વાત રાજકોટ મહાનગરપાલિકાના ‘આરામદાયક’ ફરજ નીભાવવાની (કુ)ટેવ ધરાવનારા અધિકારીઓને શબ્દસહ: લાગુ પડે છે. ફાયર સેફ્ટી અને બાંધકામના બિલ્ડીંગ યુઝ પરમીશનને લઇને અત્યાર સુધી બધુ લોલંલોલ ચાલ્યુ અને ટીઆરપી હત્યાકાંડ બન્યો એ પછી તંત્ર ઘાંઘુ થયુ અને તેમા સુકા સાથે લીલુ પણ બળવા લાગ્યુ. આડેધડ ચાલતી મિલકત સીલીંગ ઝૂંબેશને લઇને વેપારી આલમ, બિલ્ડરો, શૈક્ષણિક સંકુલના સંચાલકો સહિતના વર્ગમાં દેકારો બોલી રહ્યો છે. ‘આમજનતાનો અવાજ મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ સાંભળતા નથી. જનતા વચ્ચે અમારે રહેવાનું હોય છે’ એવા વ્યાપક સૂર વચ્ચે ગઇકાલે પહેલા તો સવારે મળેલી મનપાની સંકલન સમિતિ અને બાદમાં સાંજે કમિશનર તથા નગરસેવકો વચ્ચે ઓળખાય થાય તે માટે થયેલા ગેટ-ટુ-ગેધરમાં આડેધડ સીલીંગ મુદ્દે ગરમાગરમીભરી ચર્ચા થઇ હતી.
મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ સાથે ગેટ-ટુ-ગેધરના આયોજન અંગે વાત એવી વહેતી થઇ હતી કે, ચાર્જ સંભાળ્યાના દોઢ મહિના પછી પણ કમિશનર કોર્પોરેટરોને ફેસ-ટુ-ફેસ ઓળખતા નથી. ત્યા સુધી કે નામજોગ પણ ઓળખતા નથી. તે રૂબરૂ મળી શકતા નથી. ફોન પર પણ ભાગ્યે જ વાત થાય છે. આ બધા કારણોસર ભાજપના તમામ ૬૬ નગરસેવકો અને મ્યુનિ.કમિશનર વચ્ચે ગેટ-ટુ-ગેધર રાખીએ. જેથી નગરસેવકો અને મ્યુનિ.કમિશનર વચ્ચે એક સંકલનનો સેતુ રખાય. કારણ કદાચ ભલે આ હોય શકે પણ ભીતરની ભડાસ કંઇ અલગ જ હતી. મુળ કારણ એ હતુ કે, ટીઆરપી કાંડ બાદ ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ યુઝ પરમીશનને લઇને જે આડેધડ સીલીંગ ઝૂંબેશ ચાલી રહી છે તેને લઇને શહેરમાં દેકારો બોલી રહ્યો છે. મ્યુનિ.કમિશનરને રૂબરૂ રજૂઆત કરવાનો મોકો અરજદારોને મળતો નથી. જનતા વચ્ચે નગરસેવકોને રહેવાનું છે અને સીલીંગના અસરગ્રસ્તો સીધા જ નગરસેવકોને પકડે છે. આ બધા ચક્રવ્યુહ વચ્ચે પીસાય છે તો સીલીંગના અસરગ્રસ્ત વેપારીઓ જ.
આડેધડ થતી સીલીંગ ઝૂંબેશમાં વેપારી, અન્ય ધંધાદારી એકમોની દશા દયનીય બની છે. સીલ થાય એ પહેલા માલ કાઢીને અન્યત્ર સાચવવાની કડાકૂટ, જ્યા સુધી ફાયર એન.ઓ.સી. અને જરૂર હોય ત્યા બી.યુ.પી. સર્ટિફિકેટની વિધિ પૂરી ન થાય ત્યા સુધી વેપાર-ધંધા બંધ રહે છે. ઘરનું આર્થિક બજેટ વેરવિખેર થઇ ગયુ છે. ઘર ખર્ચનું મીટર ચડ્યા રાખે છે સામે આવકના નામે મીંડુ છે. ઉલ્ટાનું રાખેલા સ્ટાફનો પગાર પણ ખમવો પડે છે. આમ જોઇએ તો આડેધડ સીલીંગમાં બધી બાજુથી વેપાર-ધંધાની માઠી અસર થઇ રહી છે અને આ મુદ્દે મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ સાથે થયેલા ગેટ-ટુ-ગેધરમાં અને એ પૂર્વે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની સંકલન બેઠકમાં ભારે ગરમાગરમીભરી ચર્ચા થઇ હતી.
મનપાનો ઉદ્દેશ સારો પણ, વેપાર-ધંધાને માઠી અસર થઇ રહી છે તેનુ શું?
ફાયર સેફ્ટી અને અનઅધિકૃત બાંધકામથી લોકોની જીંદગી સાથે ચેડાં થતા હોય આવા એકમો સામે સીલીંગના પગલાં લેવાનો મનપાનો ઉદ્દેશ બેશક સારો છે. મનપાના આ ઉદ્દેશ સામે કોઇ સવાલ નથી પરંતુ સીલીંગથી વેપારીઓની રોજી-રોટી ઉપર અસર થઇ રહી છે તેનુ શું? આ દિશામાં પણ મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ વિચારીને એવો કોઇ રસ્તો અપનાવે કે જનહિતનો ઉદ્દેશ પણ જળવાઇ રહે અને વેપારીઓની રોજી-રોટી ઉપર પણ કોઇ અસર ન થાય.
ટીઆરપી કાંડ બાદ જનતા વચ્ચે જવાનો નગરસેવકોનો પણ છે સ્વાર્થ
ટીઆરપીકાંડ બાદ રાજકોટ ભાજપની છાપ અત્યાર સુધી ખરડાઇ ન હોય તેવી ખરડાઇ છે. લોકરોષના માહોલ વચ્ચે જનતા સમક્ષ જતા નગરસેવકો ખીચકાટ અનુભવે છે. અધુરામાં પુરુ આડેધડ સીલીંગ ઝૂંબેશથી વેપારીઓ, શાળા સંચાલકો, અન્ય ઔદ્યોગિક-વેપારી એકમના સંચાલકોનો રોષ વહોરવાની નોબત આવી છે ત્યારે સીલીંગ ઝૂંબેશની આડમાં જનતા વચ્ચે જવાનો પણ નગરસેવકોનો સ્વાર્થ છે.
આજની તારીખે પણ ૭૦થી વધુ પ્રોપર્ટી સીલ થયેલી
ટીઆરપી કાંડ બાદ સ્કુલ, કોલેજ, પ્રાઇવેટ લગ્ન હોલ, કોમર્શિયલ બિલ્ડીંગ, રેસીડેન્સીયલ એકમ સહિતની મિલકતો આડેધડ સીલ કરી દેવામા આવી હતી. ત્યારબાદ મિલકતધારકો-આસામીઓ ફાયર એનઓસી લેવા માટે દોડધામ કરવા લાગ્યા. આજે પણ ૭૦થી વધુ મિલકતો એવી છે કે, હજુ સુધી તેના તાળા ખુલ્યા નથી. મોટાભાગના કોમર્શિયલ એકમો છે. વેપારીઓના છે. તેઓના વેપારી-ધંધા ઠપ્પ થયેલા પડ્યા છે. ઘરનું અર્થ તંત્ર વેરવિખેર થયેલુ છે.
“પહેલા બિલ્ડર-જે તે અધિકારીને જેલમાં નાંખો, પછી વેપારીઓને દંડો”
સીલ લાગતી મિલકતમાં ફાયર સેફ્ટી નથી, ગેરકાયદે બાંધકામ છે. આ બધી વાત સાચી. પણ મનપા એટલુ વિચારે કે એ બાંધકામને પરમીશન કોણે આપી હતી? અગાઉ ફાયર એન.ઓ.સી. કેવી રીતે મળી ગયુ? બિલ્ડરે ખોટુ કર્યુ અને મનપાના સંબંધિત અધિકારીએ ટેબલ નીચેનો વહીવટ કરીને ‘બધુ ઓકે છે’ તેવો સેરો મારી દીધો. તેના આધારે બિલ્ડરે ખોટા બાંધકામના સાચા દસ્તાવેજો કરીને મિલકત ખરીદનારને પરોવી દીધા. આવા બાંધકામ ખરીદનાર વેપારીઓને હવે ગુનેગારના કઠેરામાં ઉભા રાખીને તેની રોજીરોટીનું સાધન સીલ કરી દેવામા આવે જરાપણ યોગ્ય નથી.
સીલ ખોલવાના આ છે બે નિયમ
- સીલ થયેલી મિલકત સૌપ્રથમ હંગામી રીતે ખોલી આપવામા આવે છે. શરત એટલી કે, ફાયર એન.ઓ.સી. માટે ફાયરના સાધનો ફીટ કરવા, અનઅધિકૃત બાંધકામ હોય તો દૂર કરવા, ટાઉન પ્લાનીંગના નિયમોનું પાલન કરવા, બિલ્ડીંગ યુઝ પરમીશનની પ્રક્રિયા માટે અને મિલકતની અંદર રહેલો માલસામાન ખાલી કરવા ખોલી આપવામા આવે છે. આવી મિલકત પર લાલ કલરમાં એક બોર્ડ મારવાનું રહેશે. તેમા લખેલુ હોવુ જોઇએ કે, જે હેતુથી આ મિલકત છે એ હેતુ માટે હાલ પુરતુ મિલકતનો વપરાશ કરવામા નહીં આવે.
- ફાયર એન.ઓ.સી. મળી જાય, બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મળી જાય, ગેરકાયદે બાંધકામ હોય તો તે દૂર થઇ જાય અને ઇમ્પેક્ટ ફીમાં બાંધકામને કાયદેસરની માન્યતા મળી જાય પછી ખોલી આપવામા આવે છે.
‘જ્યા આગની સંભાવના નહીંવત હોય ત્યાં મુદત આપો’
ફાયર સેફ્ટીના નિયમો માટે અખબારમાં જાહેરાત, વહીવટી પ્રક્રિયા માટે ખાસ PROની નિમણુક કરો
“સૌથી પહેલા તો એ કે, ફાયર સેફ્ટી અંગે મોટાભાગના લોકોને માહિતી જ નથી. ક્યા પ્રકારના? કેટલા માળના? ક્યા હેતુની મિલકત માટે ક્યા પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો રાખવા? અમુક મિલકત એવી હોય છે કે, જ્યા ફાયરનો એક બાટલો રાખવામા આવે તો પણ ચાલે.” ફાયરના નિયમો અંગે સામાન્ય વેપારી-નાગરિકોને માહિતગાર કરવામા આવે તે માટે અખબારમાં જાહેરાત આપવામા આવે. અને જ્યા આગની સંભાવના નહીવત હોય ત્યા સીલ કરતા પહેલા મુદત આપવામા આવે.