- ઋષિ સુનક અને કીર સ્ટર્મર વચ્ચે ભારે રસાકસી જેવો માહોલ
- ચૂંટણીઓને લઈ સમગ્ર બ્રિટનમાં સુરક્ષા સઘન કરવામાં આવી
- આવતીકાલે બ્રિટનમાં જનરલ મતદાન યોજાશે
બ્રિટનમાં આવતીકાલે એટલે કે, ચાર જુલાઈ ગુરુવારે જનરલ ચૂંટણી માટે મતદાન યોજાશે. જનરલ ચૂંટણી માટે સત્તાધારી કંઝર્વેટિવ પાર્ટી અને વિપક્ષી લેબર પાર્ટીમાં ભારે રસાકસી છે. જો કે ચૂંટણી પહેલા સર્વેમાં લેબર પાર્ટીને બહુમત મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કંઝર્વેટિવ પાર્ટીની આગેવાની ઋષિ સુનક અને લેબર પાર્ટીનું નેતૃત્વ કીર સ્ટર્મર કરી રહ્યા છે. તો બ્રિટનમાં યોજાનારી વોટિંગમાં કયા ચહેરાઓ પર સમગ્ર વિશ્વની નજરે છે જાણો…
કીર સ્ટર્મર
લેબર પાર્ટીના નેતા કીર સ્ટર્મર એક પૂર્વ માનવાધિકાર વકીલ અને મુખ્ય સરકારી વકીલ પણ રહી ચુક્યા છે. ચૂંટણી પહેલાના સર્વેમાં લેબર પાર્ટીના બહુમત મળવાનો દાવો કરવામાં આવ્યો છે.ય આવામાં એવી શક્યતા છે કે બ્રિટનના આગામી વડાપ્રધાન કીર સ્ટર્મર બની શકે છે. લેબર પાર્ટીના પૂર્વ નેતા જેરેમી કોર્બિનની આગેવાનીમાં લેબર પાર્ટી ડાબેરીની જેમ ઝૂકી ગઈ હતી. કીર સ્ટર્મરને પાર્ટીને ફરીથી મધ્યમાર્ગી બનાવવાનો શ્રેય આપવામાં આવે છે.
ઋષિ સુનક
કંઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનક ફરી એકવાર દેશના વડાપ્રધાન બનવાની રેસમાં છે. જો કે સર્વેમાં એવું સામે આવ્યું છે કે, આ વખતે તેમને સમસ્યા નડી શકે છે. ઑકટોબર-2022માં બ્રિટનના વડાપ્રધાન બનેલા ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનમાં વધતી મોંઘવારી પર કાબૂ કરવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ તેઓની સામે ઘણા વાયદા પૂર્ણ ન કરવાનો આરોપ લાગ્યો છે. જેના લીધે તેઓની સામે લોકોમાં નારાજગી છે. સુનક બ્રિટનના પ્રથમ એશિયન અને હિંદુ વડાપ્રધાન છે.
નિગેલ ફરેઝ
યુરોપિયન સંસદના પૂર્વ સાંસદ 60 વર્ષીય નિગેલ ફરેઝને બ્રિટનની રાજનીતિના સૌથી ભાગલાકારી નેતાઓમાં ગણવામાં આવે છે. વર્ષ-2016માં બ્રિટનના મોટાભાગનો લોકો યુરોપિયન સંઘને છોડવા વોટ આપવા માટે રાજી કરવામાં મદદ કર્યા પછી તેમને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી મિસ્ટર બ્રેગ્કિઝ ઉપનામ મળ્યું હતું. ગુરુવારે યોજાનારી ચૂંટણીમાં તેઓ આઠમી વાર સાંસદ બનવાનો પ્રયાસ કરશે. તેઓ કટ્ટર દક્ષિણપંથી રિફોર્મ યુકે પાર્ટીના પ્રમુખ છે. ઘણા સર્વેમાં દાવો કરાયો છે કે તેઓ રિફોર્મ યુકે પાર્ટી ઘણી પ્રમુખ બેઠકો પર કંઝર્વેટિવ પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે. નિગેલ ફરેઝ પર જાતિવાદી અને સમલૈંગિક વિરોધી નિવેદન આપવાનો આરોપ પણ લાગતા રહ્યા છે.


