- ભારતનાં વિદેશ મંત્રાલયે આ મુલાકાતની ગંભીર નોંધ લઈને તેને અસ્વીકાર્ય ગણાવી
- ભારતનાં વિદેશ સચિવે આ મુદ્દે ભારત ખાતેનાં બ્રિટિશ હાઈ કમિશનર સમક્ષ ઉગ્ર વિરોધ
- વેસ્ટ એશિયામાં ઘર્ષણ અને તંગદિલી વધવાની ભીતિ : જયશંકર સોમવારે ઈરાન જશે
પાકિસ્તાન ખાતેનાં બ્રિટનનાં હાઈ કમિશનર જેન મેરિયટ દ્વારા તાજેતરમાં PoKની મુલાકાત લેવામાં આવી હતી જેનો ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભારતનાં વિદેશ મંત્રાલયે આ મુલાકાતની ગંભીર નોંધ લીધી છે અને મેરિયટનાં આ પગલાંને ભારતનાં સાર્વભૌમત્વ તેમજ પ્રાદેશિક અખંડિતતાનાં ભંગ સમાન ગણાવ્યું છે. ભારતનાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે મેરિયટની PoK મુલાકાતનાં ઉગ્ર પ્રત્યાઘાતો આપ્યા હતા અને કહ્યું હતું કે આ પ્રકારની હરકત ભારતનાં સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનાં ઉલ્લંઘન સમાન છે જે ભારતને અસ્વીકાર્ય છે.
ભારતનાં વિદેશ મંત્રાલયે આ મુદ્દે શનિવારે સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે 10મી જાન્યુઆરી 2024નાં રોજ બ્રિટનનાં વિદેશ મંત્રાલયનાં એક અધિકારી સાથે બ્રિટનનાં રાજદૂત પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીરની મુલાકાતે ગયા હતા. જેની ભારતે ગંભીરતાથી નોંધ લીધી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખ એ ભારતનાં અભિન્ન અંગ છે અને રહેશે. ભારતનાં વિદેશ સચિવે આ મુદ્દે ભારત ખાતેનાં બ્રિટિશ હાઈ કમિશનર સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
મેરિયટે મીરપુરની મુલાકાત લેતા વિવાદ
પાકિસ્તાન ખાતેનાં બ્રિટિશ રાજદૂત જેન મેરિયટ 10મી જાન્યુઆરીએ પીઓકેની મુલાકાતે ગયા હતા. જ્યાં તેઓ કેટલાક સરકારી અધિકારીઓને મળ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમણે પોતાની મુલાકાતનાં ફોટા મૂક્યા હતા. મેરિયટે લખ્યું હતું કે, બ્રિટનનું દિલ અને પાકિસ્તાનનાં લોકો વચ્ચે પરસ્પર સંબંધોનું કેન્દ્ર મીરપુરને સલામ. 70 ટકા બ્રિટિશ પાકિસ્તાનીઓ મૂળ મીરપુરનાં છે. આપણું સાથે મળીને કામ કરવાનું પ્રવાસી હિતો માટે મહત્ત્વનું છે. મારું સ્વાગત કરવા માટે આભાર. આમ મેરિયટે મીરપુરની મુલાકાત લેતા વિવાદ જાગ્યો છે. ભારત વર્ષોથી પીઓકેને તેનું અભિન્ન અંગ દર્શાવી રહ્યું છે અને ભારતની મંજૂરી વિના વિદેશી અધિકારીઓની ત્યાંની મુલાકાતનો સતત વિરોધ કરતું રહ્યું છે.
વેસ્ટ એશિયામાં ઘર્ષણ અને તંગદિલી વધવાની ભીતિ : જયશંકર સોમવારે ઈરાન જશે
રાતા સમુદ્રમાં અમેરિકા અને બ્રિટને હૂથી બળવાખોરોનાં 60થી વધુ સ્થળો પર હવાઈ હુમલા કર્યા બાદ વેસ્ટ એશિયામાં ઘર્ષણ અને તંગદિલી વધવાની ભીતિ વચ્ચે ભારતનાં વિદેશ પ્રધાન એસ. જયશંકર સોમવારે ઈરાનની મુલાકાતે જવાના છે. ઈરાને પણ હુમલાનાં ગંભીર પરિણામો ભોગવવા ધમકી આપી છે. આથી ગાઝા પટ્ટીમાં ચાલી રહેલું હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ વેસ્ટ એશિયામાં વિસ્તરે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કે ભારતે આ આખા મામલામાં તટસ્થ વલણ અપનાવ્યું છે અને તહેરાન સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર સતત સંપર્કમાં છે. ઈરાને હુમલાઓનો સખત વિરોધ કર્યો છે.


