મુંબઈ : યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) સાથેના મુકત વેપાર કરારથી ભારતના ઊંચી ગુણવત્તાના શ્રમ લક્ષી માલસામાન જેમ કે એપરલ, કાર્સ, કારપેટસ વગેરેને લાભ થશે એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ દ્વારા જણાવાયું છે. યુકે દ્વારા ઈમ્પોર્ટ ડયૂટી નાબુદ કરાવાને કારણે આ લાભ થશે પરંતુ મર્યાદિત હશે.જો કે આ કરારથી ભારત કરતા યુકેને વધુ લાભ થવાની શકયતા જોવાઈ રહી છે.
યુકેમાં પ્રવેશતા મોટાભાગના ભારતીય માલસામાન પર નીચી અથવા શૂન્ય ઈમ્પોર્ટ ડયૂટી વસૂલવામાં આવે છે, માટે મુકત વેપાર કરારથી ભારતના યુકે ખાતેના નિકાસકારોને મર્યાદિત લાભ જોવા મળશે.
ગયા નાણાં વર્ષમાં યુકે ખાતે ભારતના માલસામાનની નિકાસનો આંક ૧૧.૪૧ અબજ ડોલર રહ્યો હતો, જેમાં પેટ્રોલિયમ પ્રોડકટસ, દવા, ડાયમન્ડસ,મસીન ભાગો તથા લાકડાના ફર્નિચર જેવા માલસામાનની નિકાસનો આંક ૬ અબજ ડોલર જેટલો રહ્યો હતો જેના પર શૂન્ય ડયૂટી વસૂલવામાં આવે છે.
આ હકીકતને ધ્યાનમાં રાખતા યુકે સાથેના મુકત વેપાર કરારથી ભારતને નિકાસ મોરચે મોટો લાભ થવાની શકયતા જણાતી નથી.
ભારત ખાતેથી યુકે જતા માલસામાન પર સરેરાશ ડયૂટીનો આંક ૪.૨૦ ટકા રહ્યો છે એમ પણ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવે જણાવ્યું હતું.
જો કે ભારતના પાંચ અબજ ડોલરના માલસામાન જેમ કે એપરલ, કારપેટસ, કાર્સ, કેરી વગેરે પરની ડયૂટીમાં ઘટાડાથી ભારતની નિકાસને લાભ થવા અપેક્ષા છે. આ પ્રોડકટસ પર નીચી થી સામાન્ય ડયૂટી વસૂલવામાં આવે છે.
યુકે તથા ભારત વચ્ચે મુકત વેપાર કરાર પરની વાટાઘાટ મહત્વના તબક્કામાં છે અને વર્તમાન મહિનાના અંત સુધીમાં તેના પર નિર્ણય આવી જવા ધારણાં છે.
જો કે ભારતની સરખામણીએ યુકેના પ્રોડકટસને વધુ લાભ થવાની શકયતા જોવાઈ રહી છે. ગયા નાણાં વર્ષમાં યુકે ખાતેથી ભારતનો આયાત આંક ૮.૯૬ અબજ ડોલર રહ્યો હતો જેમાંથી ૯૧ ટકા માલસામાન ઊંચી ડયૂટી સાથેના હતા. ખાસ કરીને સ્કોચ વ્હીસ્કી તથા વાઈન્સ પર જંગી ડયૂટી વસૂલવામાં આવે છે.
યુકે ખાતેથી ભારતની આયાતમાં મોટેભાગે મેટલ સ્ક્રેપ, મસીનરી, આલ્કોહોલ, કિંમતી ધાતુ વગેરેનો સમાવેશ થાય છે.