યૂક્રેનના પ્રેસિડેન્ટ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ મંગળવારે પ્રસારિત થયેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રશિયા વિરુદ્ધ લગભગ સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલાં યુદ્ધમાં યૂક્રેનના લોકોનો મરણનો આંકડો 45,100 છે જ્યારે ઘાયલોની સંખ્યા 3,90,000 જેટલી છે.
બ્રિટિશ પત્રકાર પિયર્સ મોર્ગન દ્વારા લેવામાં આવેલા મુલાકાતમાં ઝેલેન્સ્કીએ અનુમાન લગાવ્યું હતું કે આ સાડા ત્રણ વર્ષ દરમિયાન રશિયનોનાં મૃત્યુનો આંક 3,50,000 જેટલો છે અને તેમના ઘાયલોની સંખ્યા છ લાખથી સાત લાખ વચ્ચેની છે. તેમણે દાવો કર્યો હતો કે રશિયન સેનાના અસંખ્ય લોકો કાર્યવાહી દરમિયાન લાપતા થઈ ગયાં છે. યૂ-ટયૂબ પર પ્રસારિત આ મુલાકાતમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તે સંઘર્ષને સમાપ્ત કરવા માટે રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે સીધી વાતચીત કરવા તૈયાર છે. તેણે જણાવ્યું હતું કે જો તે એકમાત્ર એવી વ્યવસ્થા છે કે જેમાં અમે યૂક્રેનના નાગરિકો માટે શાંતિ લાવી શકીએ છીએ તો નિશ્ચિત રૂપથી અમે એ વ્યવસ્થાને અપનાવીશું. તેણે ઉમેર્યું હતું કે આવી વાટાઘાટોમાં ચાર પક્ષકારો સામેલ હોવા જોઈએ.
યૂક્રેનિયન ક્ષેત્રો પરના રશિયાના કબજાને માન્યતા નહીં
ઝેલેન્સ્કીએ આ મુલાકાત દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે કિવ યૂક્રેનિયન ક્ષેત્રો પરના રશિયાના કબજાને માન્યતા નહીં આપે. જો કે તેણે સ્વીકાર કર્યો હતો કે દુર્ભાગ્યથી પુતિનને અમારા ક્ષેત્રોમાંથી સમગ્રતયા બહાર કાઢવા માટે યુરોપિયન સમર્થન અપર્યાપ્ત રહ્યું હતું. તેમે પુતિન માટે જણાવ્યું હતું કે હું તેને મારા શત્રુ માનું છું. અને ઇમાનદારીથી કહું તો તે પણ મને દુશ્મન જ માને છે. નોંધનીય છે કે પુતિને ઝેલેન્સ્કી સાથે સીધી વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે.


