વડાપ્રધાને જે એરપોર્ટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઉદઘાટન કર્યું તેને ડોમેસ્ટિક તરીકે જ ચલાવશે
સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેરમાંથી વિદેશ ફરવા જવા ઇચ્છતા પ્રવાસીઓના સપના ટેક ઓફ પહેલા જ તૂટી ગયા છે. કરોડો રૂપિયા ખર્ચીને હિરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફીલ્ડ એરપોર્ટ તૈયાર કરાયુ હતું. વડાપ્રધાન મોદીના હાથે જુલાઇ ૨૦૨૩માં તેનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. પણ હવે ઉચ્ચ સ્થાને રહેલા સૂત્રો અનુસાર, આ એરપોર્ટ માત્ર ડોમેસ્ટીક ફલાઇટોનું જ સંચાલન કરી શકશે. આ એરપોર્ટ શરૂ થયું ત્યારથી વિવાદમાં છે. અપુરતી સુવિધાઓ અને તાજેતરમાં છતનું ધબાય નમઃ જેવી ઘટનાઓથી એરપોર્ટ ચર્ચામાં રહ્યું છે. હવે એવી વાત બહાર આવી છે કે અહિંથી વિદેશી ફલાઇટ શકય નથી માત્ર ડોમેસ્ટિક ફલાઇટનું જ સંચાલન થશે.
કાયમી ટર્મિનલ બિલ્ડીંગનું કામ પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ શરૂ થવાની ધારણા હતી. પરંતુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નિર્ણય કર્યો છે કે એક નવું ટર્મિનલ ફક્ત આંતરરાષ્ટ્રીય કામગીરી માટે જ જરૂરી રહેશે, જે ૧૫ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની ધારણા હેઠળ બાંધકામ હેઠળના ટર્મિનલની બાજુમાં હશે. આ ટર્મિનલ માત્ર સ્થાનિક ફલાઈટ્સનું સંચાલન કરશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.
શરૂઆતમાં, નિર્માણાધીન ટર્મિનલ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ફલાઇટ્સનું સંચાલન કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવરને સરળ બનાવવા માટે ટર્મિનલને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હશે.
દરમિયાન, એક અસ્થાયી ટર્મિનલ જે હાલમાં ઉપયોગમાં છે તે ફક્ત કાર્ગો અવરજવર માટે નિયુક્ત કરવામાં આવ્યું હતું.AAI ની તાજેતરની બેઠકમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે કસ્ટમ્સ, ઈમિગ્રેશન, એરલાઈન ઓફિસો અને પેસેન્જર સુવિધાઓ માટેના જરૂરી સેટ-અપને કારણે આ ઈમારત આંતરરાષ્ટ્રીય કામગીરીને સમાવી શકશે નહીં.
આથી, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નવી ઇમારત એક વાર પૂર્ણ થયા પછી ફક્ત સ્થાનિક હેતુઓ માટે જ સેવા આપશે. જયારે એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે યોજનામાં ફેરફારની પુષ્ટિ કરી અને કહ્યું, ‘આંતરરાષ્ટ્રીય ફલાઇટની અવરજવર માટે એક નવું ટર્મિનલ બનાવવાની દરખાસ્ત છે અને તે હાલમાં આયોજનના તબક્કામાં છે.’ આ દરમિયાન સૂત્રોએ એમ પણ જણાવ્યું કે હજુ સુધી રાજકોટ એરપોર્ટ પરથી કોઈ એરલાઈન્સે ઈન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની તૈયારી દર્શાવી નથી.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘જો નાગરિક ઉડ્ડયન મંત્રાલય નજીકના ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ શરૂ કરવા પર ભાર મૂકે છે, તો સત્તાવાળાઓ તેમને હેન્ડલ કરવા માટે વર્તમાન અસ્થાયી બિલ્ડિંગનો ઉપયોગ કરવાનું વિચારશે.’ રાજકોટથી ૩૦ કિમી દૂર હિરાસર ખાતે નવા ગ્રીનફિલ્ડ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ભૂમિપૂજન સમારોહ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા, ઓક્ટોબર ૨૦૧૭ માં કરવામાં આવ્યો હતો. જમીન સંપાદન બાદ, એરપોર્ટને ૧,૦૪૫ હેક્ટર જમીન પર વિકસાવવામાં આવ્યું છે, જેમાં ટર્મિનલ ૨૩,૦૦૦ ચોરસ મીટર છે. સપ્ટેમ્બર ૨૦૨૩માં હંગામી ઈમારતમાંથી એરપોર્ટનું સંચાલન શરૂ થયા પછી નવું ટર્મિનલ શરૂઆતમાં ફેબ્રુઆરી ૨૦૨૪ના અંત સુધીમાં પૂર્ણ થવાનું હતું. પરંતુ આ કામમાં વિલંબ થયો છે. નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જુલાઈ ૨૦૨૩માં કરવામાં આવ્યું હતું.